For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ચિત્તી'ઓના સેલિબ્રિટી સ્ટેટસથી સિંહણોમાં ઈર્ષ્યા

Updated: Oct 6th, 2022

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલના ચિત્તા પ્રોજેક્ટના અધિકારીએ ટ્વિટરમાં જાણકારી આપી : 'મહારાજા સિંહ જે ચિત્તાઓને ખાસ વિદેશથી લાવ્યા છે તેનો સ્ટેટસ રિપોર્ટ દરરોજ આપવામાં આવશે. આ ચિત્તાઓની દરેક હિલચાલનું અપડેટ સોશિયલ મીડિયામાં મળશે. નવા અપડેટ પ્રમાણે ચિત્તાઓને જંગલ માફક આવી ગયું છે. ફાટી આંખે ચિત્તાઓ આખાય જંગલને જોતાં ધરાતા નથી'.

 અધિકારીની ટ્વિટમાં અસંખ્ય કમેન્ટ આવી. અનેક જંગલવાસીઓએ ટ્વીટને રિટ્વીટ કરી. 

અનેકે લાઈક કરી. ચિત્તાઓની પોપ્યુલારિટી કોઈને પણ ઈર્ષ્યા આવે એવી જોરદાર હતી.

મહારાજા સિંહે વિદેશી ચિત્તાઓને વિઝા આપીને જંગલમાં ચિત્તા પ્રોજેક્ટ શરૂ કર્યો. બે હાથીઓને પ્રોજેક્ટના વિશેષ અધિકારી બનાવ્યા. બેય હાથી પોતાને મળેલી ખાસ જવાબદારીથી ખુશ હતા. આઠને બદલે ૧૨-૧૨ કલાકની શિફ્ટમાં કામ કરતા હતા, પરંતુ મહારાજા સિંહની નજીક રહેવાની તક મળે છે એ વિચારમાત્રથી તેમનો થાક ઉતરી જતો હતો. શિફ્ટ પૂરી થાય એટલે મહારાજા સિંહ પાસે જઈને ચિત્તાઓનો અપડેટ રિપોર્ટ આપવાનો થતો હતો. ચિત્તાઓને મળતી ખાસ ટ્રિટમેન્ટથી જંગલના કેટલાક સમાજોમાં અંદરખાને આક્રોશ હતો. સિંહ-વાઘ-દીપડા સમાજના આગેવાનોએ તો બેઠક કરીને મહારાજા સિંહને રજૂઆત કરતો પત્ર પણ લખ્યો હતો. અધિકારી હાથીભાઈએ એક દિવસ ચિત્તાના સ્ટેટસ રિપોર્ટ દરમિયાન ટ્વિટરમાં લખ્યું : 'અચ્છે દિન... વિદેશથી આવેલી માદા ચિત્તા ગર્ભવતી હોવાની શક્યતા... તેને નવું નવું ખાવાનું ક્રેવિંગ થઈ રહ્યું છે... મેં આપેલું ભોજન આજે તેણે ખાધું નહીં. ને ઉપરથી ખાટું-મીઠું ખાવાની ડિમાન્ડ કરી હતી...'

આ જાહેરાત પછી જંગલમાં ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો. 'જંગલ ન્યૂઝ' સહિતની ટીવી ચેનલોએ તો ઘટનાનું મહત્ત્વ જોતાં 'બિગ બ્રેકિંગ' બનાવ્યાં. 'માદા ચિત્તા ગર્ભવતી થઈ હશે તો તેનાથી જંગલમાં ચિત્તાઓની વસતિ ઝડપભેર વધશે' એવી ચર્ચાઓ પણ એક્સપર્ટ્સને બોલાવીને ટીવીમાં કરાવી. આ બધંઈ જોઈને સિંહણોની ઈર્ષ્યાનો કોઈ પાર રહ્યો નહીં. સિંહણોના વોટ્સએપ ગુ્રપમાં તો આ ઘટનાની આકરી ઝાટકણી કાઢવામાં આવી. કેટલીક આક્રમક સિંહણોએ જંગલના મીડિયાની ટીકા કરીને એના પર પેઈડ ન્યૂઝનો આરોપ લગાવ્યો. જંગલમાં  સિંહ સમાજ સૌથી શક્તિશાળી હોવા છતાં અને જંગલના રાજા ખુદ મહારાજા સિંહ હોવા છતાં માદા ચિત્તાઓને સ્પેશિયલ સ્ટેટ્સ મળે એ વાઘણોને મંજૂર ન હતી.

'આ તો હદ થઈ ગઈ. અત્યાર સુધી આપણી પ્રેગનેન્સીના સમાચારો આવતા, હવે એમાંય આ ચિત્તીઓએ ભાગ પડાવવાનું શરૂ કર્યું,' સિંહણોના સંગઠનમાં સાસણ વિભાગની જવાબદારી જેના પર હતી એ સાંસાઈબહેન સિંહણે આક્રોશભેર કહ્યું. 

'એને 'માદા ચિત્તા' કહેવાય છે. 'ચિત્તી' જેવું કોઈ નામ નથી હોતું,' એક યુવા સિંહણે સુધાર્યું.

'એ જે હોય તે. એને જંગલની સરકાર આટલા માન-પાન આપે જ છે, આપણે આપવાની જરૂર નથી,' દેવળિયા વિભાગના સંગઠનમાં મહાસચિવ એવી સિંહણે નારાજગી સાથે ઉમેર્યું : 'આપણે ચિત્તી કહીએ એ જ બરાબર છે'

'મને લાગે છે કે હવે આપણી અવગણના શરૂ થઈ છે. જ્યાં સુધી સિંહસમાજની વસતિ વધારવાની હતી ત્યાં સુધી આપણી સિંહણોને કેવાં માન-સન્માન મળતાં હતાં. સરકાર ગૂંદના લાડુ મોકલતી હતી. આપણને સહેજ ઉધરસ થઈ જાય તો ય જંગલના અધિકારીઓ હળદરવાળું દૂધ લઈને હાજર થતાં હતા,' ધારી ટેરેટરીના ઈનચાર્જ શર્કપ્રભા સિંહણે ઉમેર્યું : 'તમને કોઈને નહીં સાંભરતું હોય, પણ એક સમયે આ ટીવી ને સોશિયલ મીડિયા નહોતા, પરંતુ જંગલનાં અખબારોમાં અમારા તો બાળકો સાથે ફોટા છપાતા ફોટા... હવે આ ચિત્તીઓ એવું રજવાડું ભોજવશે'.

'આપણે શું કરવું જોઈએ?' સાંસાઈબહેન સિંહણે બધી સિંહણો સામું જોયું.

'મારી એક એફબી ફ્રેન્ડ વાઘણ છે, એણે પણ હમણાં જ ફેસબુકમાં લાંબી પોસ્ટ મૂકીને ભેદભાવની ફરિયાદ કરી છે,' યુવા સિંહણે પોસ્ટ બતાવી.

'એ ક્યાંની છે?' સાંસાઈબહેન સિંહણે ગોસિપના ટોનમાં પૂછ્યું.

'સુંદરવનમાં રહે છે. તેની મમ્મી સુંદરવનના જંગલમાં વાઘણોના સંગઠનની અધ્યક્ષા છે,' યુવા સિંહણે એના ફેસબુક પ્રોફાઈલમાંથી ફોટા બતાવીને કહ્યું: 'ભારે ખૂંખાર છે. મહારાજા સિંહ તો શું, કોઈને ગાંઠે એવી નથી!'

'...તો એક કામ કરીએ... માત્ર સિંહણો જ સેલિબ્રિટી સ્ટેટ્સની માગણી કરશે તો કદાચ જંગલની સરકાર સ્વીકારશે નહીં, આમેય સિંહોની વસતિ વધી પછી આપણે જંગલમાં કપાઈ મરીએ તો ય કોઈને પડી નથી. વાઘોને અત્યારે ય સ્પેશિયલ સ્ટેટસ મળે છે. આપણાં કિસ્સામાં માત્ર આપણાં વિસ્તારના સ્થાનિક મીડિયાને જ રસ પડશે. એમાંય જો કોઈ નેતાની રેલી હશે તો આપણી વાત કોઈ સાંભળશે નહીં, નેતાનું ભાષણ જ લાઈવ બતાવાશે. વાઘણો વિફરશે તો આખાય જંગલમાં તેની નોંધ લેવાશે. વળી, સાંભળ્યું છે કે વાઘો સિંહોની જેમ આળસુ પ્રકૃતિના નથી. વાઘણોની સાથે ખભેખભો મિલાવીને લડત આપવા તૈયાર થઈ જશે અને તેનાથી સિંહો ઉપર પણ દબાણ વધશે'. 

'ગૂડ આઈડિયા!'  કહીને યુવા સિંહણે પ્રસ્તાવ મૂક્યો: 'હું મારી ફ્રેન્ડ સાથે વાત કરીને તેની મમ્મીનો સંપર્ક કરાવું છું'.

* * *

સુંદરવનની અધ્યક્ષા વાઘણે વીડિયો કોલમાં જોડાઈને એક જ લીટીમાં સિંહણોના પ્રશ્નોનું સમાધાન કરી દીધું: 'નવું નવું નવ દિવસ. જંગલવાસીઓની કાયમી સંભાળ લેવી એ જંગલના કોઈ પણ રાજાની ફિતરત હોતી નથી. સિંહણો અને વાઘણો ભૂલાઈ ગઈ એમ ચિત્તાઓની થોડીક વસતી વધશે કે ચિત્તીઓ પણ ભૂલાઈ જશે!'

Gujarat