For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેતાઓના ઝભ્ભા સીવવામાં ટેઇલરબર્ડના ઉજાગરા

Updated: Apr 4th, 2024

નેતાઓના ઝભ્ભા સીવવામાં ટેઇલરબર્ડના ઉજાગરા

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલમાં ચૂંટણી આવે ત્યારે નેતાઓના પહેરવેશ બદલાઈ જાય. ટિકિટ મળી હોય એ નેતાથી લઈને કાર્યકરો સુધી બધા ઝભ્ભા પહેરવા માંડે. પરિણામે ઝભ્ભા સીવતા ટેઈલરબર્ડ્સની ડિમાન્ડ રાતોરાત વધી જતી

ટેઇલરબર્ડ ટકટકાટ.

જંગલનો કુશળ ફેશન ડિઝાઈનર.

હા. ફેશન ડિઝાઈનર, કારણ કે જમાનો બદલાયો પછી જંગલમાં કપડાં સીવનારા આર્ટિસ્ટ પોતાને ટેઇલર કહેવાને બદલે ફેશન ડિઝાઈનર કહેવાનું વધુ પસંદ કરતા હતા. ટેઇલરબર્ડ ટકટકાટ પણ એવો જ નવી પેઢીનો ફેશન ડિઝાઈનર હતો. તેમના પૂર્વજો સેંકડો વર્ષોથી જંગલમાં કપડાં સીવવાનું કામ કરતા હતા ને દરજીડા જેવા સાદા નામે ઓળખાતા. સમય પારખીને ટકટકાટે મોડર્ન નામ 'ટેઇલરબર્ડ' પસંદ કર્યું હતું. સતત ટકટક કરીને ચાંચથી સિલાઈ મશીન ચલાવવામાં બેહદ કુશળ હોવાથી 'ટેઈલરબર્ડ ટકટકાટ'ના નામથી એ ઓળખાતો.

જેટલું વૈવિધ્ય ટેઇલરબર્ડ ટકટકાટની ચાંચ અને પંજામાં છે એટલું તેના પૂર્વજોમાં ન હતું. તેના પૂર્વજોના સમયમાં જંગલમાં માદાઓ અને નરોના કપડાંમાં એટલી વરાયટી ન હતી. સમય બદલાયો એમ જંગલવાસીઓની પસંદ પણ બદલાઈ. ઓફિસમાં પહેરવાનાં અલગ, લગ્નમાં પહેરવાનાં જુદાં, ટ્રાવેલિંગનાં અલગ, રાતે પહેરવાનાં જુદાં, તહેવારનાં અલગ, પ્રોફેશન પ્રમાણે પહેરવાનાં જુદાં. આ કારણે ફેશન ડિઝાઈનરે કંઈ કેટલુંય શીખવું પડતું. ધીમે ધીમે ફેશન ડિઝાઈનર્સ સ્પેશ્યલાઈઝેશન કરવા માંડયા હતા. કોઈ માદાનાં કપડાંમાં માહેર બનતા, તો કોઈ નરનાં કપડાં સીવવામાં કુશળતા મેળવતા.

ટેઇલરબર્ડ ટકટકાટમાં બધી જ કુશળતા હતી. એમાંય ઝભ્ભા સીવવામાં એની માસ્ટરી હતી. મહારાજા સિંહ, રીંછભાઈ, મંત્રી હાથીભાઈ હરખપદૂડાથી લઈને સાંસદ ગેંડાભાઈ ગુમાની, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ સહિતના નેતાઓના ઝભ્ભા બનાવવાનું કામ ટેઇલરબર્ડ ટકટકાટને જ મળતું. મોટા નેતાઓ જ્યાં કપડાં સીવડાવતા હોય ત્યાં તેમના સમર્થકો પણ સીવડાવવા માંડે. આર્થિક રીતે ન પોષાય તોય ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાથી માંડીને હોલાજી હઠીલા, કાગડાભાઈ કંકાસિયા, બકુલેશકુમાર બળદ, પાડાભાઈ પંચાતિયા સહિતના સૌ કાર્યકારો ટેઇલરબર્ડ ટકટકાટ પાસે જ ઝભ્ભો સીવડાવવાનો આગ્રહ રાખતા. એમ તો બીજા ટેઇલરબર્ડ્સ પણ ઝભ્ભાઓ સીવતા હતા, પણ એ બધામાં ટકટકાટે ભારે નામ કાઢ્યું હતું.

સીનિયર નેતાઓ તો અનુભવે સમજ્યા હતા કે ચૂંટણી પહેલાં થોડા ઝભ્ભા બનાવી રાખવા જોઈએ, પરંતુ ઉભરતા નેતાઓ, કાર્યકરોને તો રેલીઓ-સભાઓમાં જાય ત્યારે બીજાનું જોઈ જોઈને સમજાતું કે ઝભ્ભા પહેરવાથી જ ઈજ્જત મળે છે. ઝભ્ભા વગરના ફરો તો કોઈ ભાવ પૂછતું નથી. ઝભ્ભો પહેર્યો હોય તો પાર્ટીના હોદ્દેદાર હોય એવું લાગે છે. એટલે તાકીદે ઝભ્ભા બનાવવાની જરૂરિયાત ઉભી થાય. એનો સીધો ફાયદો ટેઇલરબર્ડ ટકટકાટને મળતો. રાતોરાત ટેઇલરબર્ડ ટકટકાટની ડિમાન્ડ વધી જતી.

એની ડિમાન્ડ વધવાનું બીજું એક કારણ ખુદ મહારાજા સિંહ હતા. રાજા સિંહ ઉમેદવારો જાહેર કરવામાં ભલભલાને આંચકો આપતા. જે નેતાનું નક્કી હોય એને ટિકિટ ન મળે. જેને સપનું પણ ન આવે એની પાસે ટિકિટ આવી પડે. ઉમેદવારોનાં નામની જાહેરાત થાય ત્યારે સૌથી પહેલું કામ ટેઇલરબર્ડ ટકટકાટનું વધતું. ઝભ્ભા અરજન્ટ બનાવી આપવાના બદલામાં મોં માગ્યા પૈસા આપતા. જંગલમાં નવી જનરેશનના ફેશન ડિઝાઈનર્સ જે દિવસે ગ્રાહકને કપડાં સીવીને આપવાના હોય એ જ દિવસે બીમાર પડીને ગ્રાહકના શ્વાસ અદ્ધર કરવા માટે જાણીતા છે, પરંતુ વળતર સારું મળતું હોય તો આ જ ફેશન ડિઝાઈનર્સને રાત ઉજાગરા કરવામાં ખાસ વાંધો હોતો નથી. ટેઇલરબર્ડ ટકટકાટ પણ એમાંથી બાકાત ન હતો. અરજન્ટ ઓર્ડર આવે ત્યારે પહેલાં તો એ નાટક કરતોઃ 'બોસ, એક વીક સુધી તો શક્ય જ નથી. કેટલાય ઓર્ડર પેન્ડિંગ છે.'

'તમારા થાય એ લઈ લેજો, પણ મારે અરજન્ટ છે.' ગ્રાહક આવી વિનંતી કરે પછી ટકટકાટ હળવેકથી કહેતોઃ 'માપ અને એડવાન્સ આપતા જાવ. ટ્રાય કરીશ!'

ને એમ વળતર વધારે આપવાથી ગ્રાહકનું કામ થઈ જતું. ચૂંટણી આવે ત્યારે એના રાત ઉજાગરા વધી જતા. એનર્જી ડ્રિંક્સના ડોઝ લઈનેય એ આખી આખી રાત સીવતો રહેતો. ઘણી વખત માપમાં ૧૯-૨૦ થઈ જતું, પણ ઝભ્ભાની મજા એ હતી કે એ ઢીલા જ હોય એટલે માપમાં ફેરફાર રહી ગયાનું નેતાના ધ્યાનમાં ભાગ્યે જ આવતું. ક્યારેક ફરિયાદ આવે તો ટકટકાટ ભારે આત્મવિશ્વાસથી કહી દેતોઃ 'સર! ઝભ્ભો જેટલો લૂઝ હોય એટલો સારો લાગે, મહારાજા સિંહ તો એમનો ઝભ્ભો ખાસ ઢીલો જ બનાવે છે!' ને રાજા સિંહના નામે તેમના નેતાઓ અને સમર્થકો કન્વિન્સ થઈ જતા.

એનામાં ગ્રાહકોને ઓળખવાની ગજબનાક આવડત હતી. સિંહની પાર્ટીની ટિકિટ મળી હોય એટલે ટકટકાટ એ નેતાનું મહત્ત્વ કાચી સેકન્ડમાં સમજી જતો કે 'આ પાર્ટી આપણું કાયમી ઘરાક બનશે.' વિપક્ષના નેતા સસલાભાઈના નેતાઓના ઝભ્ભાનો ઓર્ડર મળે એના પર ટેઇલરબર્ડ ખાસ ધ્યાન આપતો નહીં. એને એટલી સેન્સ તો હતી જ કે સસલાભાઈનો ઉમેદવાર ક્યારેય જીતશે નહીં. એક ઝભ્ભામાં પાંચ-સાત વર્ષ કાઢી નાખશે. એના કરતાં રાજા સિંહના ઉમેદવારોનું ધ્યાન રાખીએ તો વર્ષે ઘણું કામ મળશે અને મોં માગ્યા દામ પણ મળશે.

અચ્છા, આ બધું તો ખરું, પરંતુ ટેઇલરબર્ડ ટકટકાટની બીજીય ઘણી વિશેષતા હતી, જે એને ઝભ્ભા સ્પેશિયાલિસ્ટ ડિઝાઈનર બનાવતી હતી...

(ક્રમશઃ)

Gujarat