શિક્ષણમંત્રી કાચિંડા સામે જંગે ચડેલા કોકરોચ કચવાટિયાનો વાયદાનો વેપાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
પેપર લીકને અટકાવી શકાય તેમ ન જ હોય તો પછી બધા સ્ટુડન્ટ્સને લીક થયેલું પેપર સમયસર મળી જાય એવી વ્યવસ્થા કરો: કોકરોચની ડિમાન્ડ
'આવા વાયદા કરો તો પ્રદર્શનમાં સ્ટુડન્ટ્સ ઉમટી પડશે.' કોકરોચ પાર્ટીના ઉપપ્રમુખ વંદા વખારીએ એક કાગળ પ્રમુખ કોકરોચ કચવાટિયાને આપ્યો. કોકરોચ કચવાટિયો ફટાફટ એ કાગળ વાંચવા માંડયો.
કોકરોચ પાર્ટીના સ્થાપક કોકરોચ કચવાટિયાનું સમાજને કેન્દ્રમાં રાખીને થયેલું આંદોલન નિષ્ફળ ગયું પછી તેણે રાજા સિંહની સરકારના શિક્ષણમંત્રી કાચિંડા કાંટાવાલાને ટાર્ગેટ કરીને નવેસરથી આંદોલનની જાહેરાત કરી હતી. કાચિંડો જ્યારથી શિક્ષણમંત્રી બન્યો ત્યારથી જંગલમાં પેપર લીકનું કૌભાંડ ચાલતું હતું. એ મુદ્દો પકડીને કોકરોચ કચવાટિયાએ જંગલવ્યાપી આંદોલનની જાહેરાત કરીને જંગલના સૌ વિદ્યાર્થીઓને આંદોલનમાં સાથ આપવાની અપીલ કરી.
કોકરોચ કચવાટિયાના સલાહકાર બની ગયેલા વંદા વખારીએ જંગલના આંદોલનોનો ટૂંકમાં ઈતિહાસ જણાવીને સલાહ આપી, 'કાગળમાં મેં એવા વાયદા લખ્યા છે, જે પૂરા થાય એમ નથી, પણ ભીડ એકઠી થઈ જશે.'
'આઈડિયા તો સરસ છે. આ તમે લખ્યા છે?' કોકરોચ કચવાટિયો વાયદા વાંચીને પ્રભાવિત થયો.
'ના ના! મેં માત્ર થોડા ફેરફારો જ કર્યા છે. આવા વાયદાથી તો અગાઉ જંગલમાં કેટલાય આંદોલન સફળ થઈ ચૂક્યા છે. કેટલીય વખત સરકારો બની ચૂકી છે. જંગલમાં નેતાઓ બદલાયા પણ વાયદાની પદ્ધતિ હજુય અક્સીર ગણાય છે.' વંદા વખારીએ જૂનાં આંદોલનો સમયના વાયદાઓનો બીજો કાગળ પણ કચવાટિયાને આપ્યો.
'…તો હું એક વીડિયો બનાવીને મૂકી દઉં છું.' કોકરોચ કચવાટિયાએ આખા લિસ્ટમાંથી સૌથી આકર્ષક હોય એવા પાંચ વાયદા પસંદ કર્યાં ને એની નીચે અંડરલાઈન કરી.
'હવે તમે જોજો! તમારા આંદોલનમાં ભીડ જામશે ભીડ!' ઉત્સાહમાં આવેલા વંદા વખારીના માથા પર બંને એન્ટેના ઊભા થઈ ગયા.
કોકરોચ કચવાટિયાએ વીડિયો રિલીઝ કરીને જે પાંચ મુખ્ય વાયદા કર્યા એ આવા હતા:
- જે સ્ટુડન્ટ્સને લીક થયેલું પેપર નથી મળ્યું તેમને નવી પરીક્ષા ન લેવાય ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપો.
- જે સ્ટુડન્ટ્સે આપઘાત કર્યો તેમના પરિવારને જંગલની સરકાર નોકરી આપે. શિક્ષણમંત્રી ખુદ એવા પરિવારને મળીને આશ્વાસન આપે.
- પેપર લીક થતાં રોકવા માટે પરીક્ષા પદ્ધતિ જ બદલી નાખો. ચોપડીમાંથી જોઈને લખવાની પરવાનગી આપો.
- કોઈ પણ પરીક્ષામાં ૫૧ ટકા સ્ટુડન્ટ્સને પેપર અઘરું લાગે ત્યારે તેને લીક જાહેર કરીને નવેસરથી લેવાનું ગોઠવો.
- પેપર લીકને અટકાવી શકાય તેમ ન જ હોય તો પછી બધા સ્ટુડન્ટ્સને લીક થયેલું પેપર સમયસર મળી જાય એવી વ્યવસ્થા કરો.
કોકરોચ કચવાટિયાએ પાંચ પેટા વાયદા પણ કર્યા હતા - એક પેપર લીક થયા પછી નવું પેપર લેવાય ત્યાં સુધી જે સ્ટુડન્ટ્સ હોસ્ટેલ-પીજીમાં રહેતા હોય તેને ખાવા-પીવાનું સરકાર આપે.
- આ સમયગાળાના મોબાઈલ ડેટાના રિચાર્જની જવાબદારી પણ સરકાર ઉપાડે ને એ માટે ખાસ યોજના બહાર પાડે.
- પેપર લીકના વચ્ચેના સમયગાળામાં સ્ટુડન્ટ્સ ફ્રી હોય ત્યારે તેમને મનોરંજન માટે ઓછામાં ઓછા પાંચ ઓટીટીના સબ્ક્રિપ્શન આપો.
- નવું પેપર લેવાય તે વચ્ચેના ગાળામાં સપ્તાહમાં એક ફિલ્મ જોવાની ૧ પ્લસ ૧ ટિકિટ ઓનલાઈન મળી જાય એવું ગોઠવો.
- જે સ્ટુડન્ટ્સને ગર્લફ્રેન્ડ હોય તેમને ભથ્થાની રકમ બમણી કરો.
નોંધ: આ ૧૦ વાયદા પૂરા થશે પછી જ આંદોલન પૂરું થશે. આ વાયદા પૂરા કર્યા વગર કોઈ પણ કિંમતે આંદોલનમાંથી પીછેહઠ નહીં થાય.
કોકરોચ કચવાટિયાનો આ વીડિયો તો વાયરલ થઈ ગયો. ચારેબાજુ કોકરોચ-કોકરોચ થઈ ગયું. જંગલના બધા જ સ્ટુડન્ટ્સને આ ડિમાન્ડમાં રસ પડયો. બધી જ માંગણીઓમાં પોતાના વિચારનો પડઘો પડતો જોઈને કોકરોચ કચવાટિયાને સમર્થન આપવા જંગલના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ફાટ-ફાટ થવા માંડયો.
પ્રાણી-પંખી જાતિના અમુક ઉત્સાહી વિદ્યાર્થીઓએ તો 'મેં ભી કોકરોચ!' ટાઈપના ડીપી સોશિયલ મિડીયામાં સેટ કર્યાં. અત્યાર સુધી કોકરોચને ધિક્કારતા જંગલવાસીઓ 'મેં ભી કોકરોચ' એવું કહેવા લાગ્યા એ જોઈને કોકરોચ કચવાટિયાના શરીરમાં જગ્યા ન હતી તો પણ શેર લોહી વધી ગયું. એની મોટી મોટી આંખો આનંદથી છલકાઈ ગઈ. જંગલનો એક મોટો વર્ગ કોકરોચ કચવાટિયાના આંદોલન સામે જોતો સુદ્ધાં ન હતો ને બીજી તરફ વિદ્યાર્થીઓના વિશાળ સમૂહમાં કોકરોચ કચવાટિયો યુવા નેતા બનીને ઉભરી આવ્યો હતો.
'નવી પેઢીનો નવો નેતા…'
'ન્યુ એરા ઓફ પોલિટિક્સ ઈન જંગલ..'
આવાં મથાળાં સાથે જંગલના અખબારમાં લેખો આવ્યા.
'કોણ છે કોકરોચ કચવાટિયો?' એવા નામથી જંગલ ન્યૂઝમાં પણ સ્પેશિયલ કાર્યક્રમ આવ્યો.
ફાઈનલી, કોકરોચ કચવાટિયાના વિરોધ પ્રદર્શનની ગાડી પાટા પર ચડી ગઈ હોય એમ લાગતું હતું. આ આખો ટ્રેન્ડ જોઈને રાજા સિંહે તાત્કાલિક રીંછભાઈને મળવા બોલ્યા હતા ને ઉપરના આદેશ પછી સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ બંજર-ગંજરના મેદાન આસપાસ કેટ કમાન્ડોની ફોજ ખડકી દીધી હતી.
પોતાની તરફેણમાં માહોલ બનતો જોઈને કોકરોચ કચવાટિયો અને વંદો વખારી ખુશ થતા હતા. બરાબર એ જ વખતે પર્વતમાં રહેતા શાન દીપડાનો એક ખાસ મેસેજ બંનેને મળ્યો…









