Aaj ma Gaikal

'પૂછપરછ'ની બારીમાં ડોકિયું

By GS Team
28 Nov 20264 mins read
'પૂછપરછ'ની બારીમાં ડોકિયું
  • આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
  • પૂછનારને આંસુ લૂછનાર અને સહાય કરનાર મળી રહેતા હોય છે. પૂછીને પ્રેમ ભલે ના થાય, પણ પ્રેમીનું સરનામું જાણવા પૂછવું જરૂરી બને છે.

'પૂ છપરછ' સામાજિક શબ્દ છે. પૂછવું અને તપાસવું એવા બે શબ્દોનો એ બન્યો છે એટલે દ્વન્દ્વ સમાસનું દ્રષ્ટાંત છે. માહિતી મેળવવા, માહિતી આપવા ઉપરાંત મન અને હૃદયનાં સંચલનો જાણવા માટે વાતચીત થતી હોય છે. મૂળ તો વ્યક્તિની ગડમથલ, ગડભાંજ અને જરૂરિયાતમાંથી જે વાક્વ્યવહાર જન્મે છે ત્યાંથી પૂછપરછની યાત્રા શરૂ થાય છે. 'પૂછતા નર પંડિત' જેવી કહેવતમાં પણ પૂછપરછનું મહત્ત્વ છે. પૂછપરછના અભાવમાં ઘણી સમસ્યાઓનો જન્મ પણ થતો હોય છે. લગ્ન વિચ્છેદ. આપઘાત, ગેરસમજોના મૂળમાં પૂછપરછનો અભાવ જ હોય છે. કેવળ માહિતી મેળવીને પોતાનો માર્ગ સરળ બનાવવો દા.ત. દિલ્લી પહોંચવું છે કઈ ટ્રેઇનમાં જવું, ક્યા પ્લેટફોર્મ ઉપર જવું આ બધી માહિતી છે… ત્યાં શું જોવું, શું ખાવું બધા જ પ્રવાસો 'પૂછપરછ'ને સહારે થતાં હોય છે. મહિતી અને માર્ગ બંનેમાં તે સહાયક બને છે - તો તેનાથી ઊંચી ભૂમિકા શું વાંચવું? ક્યા ગુરુ કરવા? કેવી રીતે, ક્યાં સાધના કરવી? આ પૂછપરછમાં જીવનને શ્રેયસ્કર બનાવવાની ચાવી હોય છે. બંને અનિવાર્ય છે.
ઉપનિષદો, 'યોગવશિષ્ટ રામાયણ' અને અષ્ટાવક્ર ગીતાના મૂળમાં પૂછપરછ જ રહેલી છે. 'પૂછપરછ' કરવાથી જીવનમાં કેટલાંક કાર્યો સરળ બનતાં હોય છે. પૂછપરછ કરવાથી માહિતી ઉપરાંત જ્ઞાન પણ ક્યારેક મળતું જ હોય છે. આમ તો 'પૂછપરછ' સ્થળના અને મનના પ્રવાસોનું ગંગોત્રી સ્થાન છે. 'પૂછપરછ'ના ટાપુ ઉપર અર્જુન અને કૃષ્ણનો સંવાદ રચાયો એમાંથી ભગવદ્ગીતાનો જન્મ થયો. યક્ષ અને યુધિષ્ઠિરના સવાલ જવાબમાંથી મહાભારતનાં દર્શન થયાં છે. તેમ પૂછપરછ રેલવે સ્ટેશનની બારીએ કે બસસ્ટેન્ડની બારીએ પણ થતી હોય છે. ત્યાં માત્ર એક જ ભાષામાં એક જ બસ કે એક જ ગાડી વિશેના પ્રશ્નો નથી પૂછાતાં, કોઈ 'એમ પણ પૂછે કે મુજે દ્વારકા જાના હૈ' તો કોઈ એમ પણ પૂછે કે ગુજરાત ક્વીન કેટલા વાગ્યે આવશે? તો કોઈ એમ પણ પૂછે 'બરોડા જાને કે લિયે કૌનસી ટ્રેઇન હૈ' ઉત્તર આપનારો એક જ માણસ હોય છે. જેમ તમામ રોગોની એક જ દવા હોય એમ એક જ માણસ પોતાની સમજ પ્રમાણે પૃચ્છા કરનારને ઉત્તરો આપી વિદાય કરે છે. 'પૂછપરછ' હજારો-લાખોની સંખ્યામાં થયા જ કરે છે, હજુય પ્રશ્નો તો રહ્યાં જ છે. જીવનમાં જેટલી સંકુલતા છે, તેટલી પ્રશ્નોમાંય છે. આત્માના જેવી અમરતા પણ છે તે પૂછપરછમાં, પૂછપરછ નામના સ્ટેશનથી જ યાત્રાની ટિકિટો મળતી હોય છે. મોબાઇલના 'લોકેશને' પૂછપરછનાં દ્વાર ભીડી દીધાં છે.
પોલીસ સ્ટેશનમાં થતી પૂછપરછ સાંભળવા જેવી હોય છે. પોલીસ અધિકારી પકડીને લાવેલા દરેક ગુનેગારને દોષિત સમજીને જ પ્રશ્નો પૂછે છે - તેમાં નિર્દોષ હોય પણ તેના વિશે અધિકારી સાશંક હોય છે - પોલીસને ગુનો પકડવો છે એટલે ફરિયાદ કરવા આવેલો ફરિયાદી પણ ગુનેગાર જ લાગે… એ રીતે પ્રશ્નો પૂછે છે. અસીલ અને વકીલ વચ્ચેના સંવાદોમાં પણ પૂછપરછ હોય છે.
પૂછનારને આંસુ લૂછનાર અને સહાય કરનાર મળી રહેતા હોય છે. પૂછીને પ્રેમ ભલે ના થાય, પણ પ્રેમીનું સરનામું જાણવા પૂછવું જરૂરી બને છે. દાક્તર દર્દી, ગ્રાહક અને વેપારી, લેનાર અને આપનાર કે પછી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે, ભક્ત અને સંત વચ્ચે, શિષ્ય અને ગુરુ વચ્ચે થતા સંવાદ અને વિવાદ બંને પક્ષે પૂછપરછની જ ઉક્તિઓ છે. જ્ઞાન વધારે અને ચકાસણી પણ કરે. સમગ્ર પરીક્ષા પદ્ધતિ એ ખરા અર્થમાં લેખિત પૂછપરછ જ છે. પૂછપરછનું કામ જ સામેની વ્યક્તિના હૃદયને પામી લેવું. તેના મનમાં શું ચાલે છે તે અંગેની માહિતી મેળવી લેવી પૂછપરછ રસ્તા ચિંધે છે. માર્ગ બતાવે છે. સાચા સ્થાને પ્હોંચાડે પણ છે. ક્યારેક પૂછપરછ દોષ પણ શોધે છે. ક્યારેક અસૂયા પણ ઉત્પન્ન કરાવે છે. ક્યારેક દ્વેષ પણ ઊભો કરે છે… જાણકારી જરૂર મુજબની હોય ત્યાં અવશ્ય ફાયદો થાય. ખેડૂત બિયારણ, ખાતર અંગે પૂછપરછ કરીને ખેતી કરે તો એને અવશ્ય ફાયદો થાય પણ એ ખેડૂત પૂછપરછ દ્વારા કોઈને ગેરમાર્ગે દોરે તો? જીવ જ્યાં સુધી આત્માને ઓળખતો નથી ત્યાં સુધી તે સાવ અજાણ્યા પ્રદેશનો માણસ તમારા પ્રદેશમાં આવ્યા જેવો છે. ત્યારે એની પાસે ભાષા નથી અને કામ જોઈએ છે ત્યારે 'પૂછપરછ' માટે એ જે મૂંઝવણ અનુભવે છે - તે મૂંઝવણમાંથી સંકેતો દ્વારા કામ લઈને પોતાનાં કામો કાઢે છે… 'પૂછપરછ' કેવળ વાણીથી કે ધ્વનિથી જ થાય તેમ હોતું નથી જીવ-આત્મા સાથે એવો મૂક સંવાદ રચે છે. 'પૂછપરછ' નામની બારીએ ઉચ્ચારણોનો ઝાઝો ઇજારો હોય છે, પણ પ્રેમીઓની પૂછપરછ વગર ભાષાએ જ થતી હોય છે. સંતો કેવળ નજરથી શિષ્યોને પામી જતા હોય છે. પ્રાર્થના, ભજન, આરતી, ગીત એ બધું છે શું? ઈશ્વર સાથેની એક પ્રકારની વાતચીત… જેમાં ઈશ્વરના ઉત્તરની અપેક્ષા નથી પણ ભક્તના કૌતુકના ઉદ્ગારો અને ગુણગાનની અનુમોદના પણ તેમાં હોય છે. સૌથી ઊંચી પૂછપરછ તો જાત સાથે વાત કરવામાં રહેલી છે, આપણે રોજ જાત સાથે વાત કરીને જીવનને યથાર્થ કરીએ.