Bioscopewala

'આવારા' : ટ્રુલી ઇન્ટરનેશનલ ફિલ્મ!

By GS Team
28 Nov 20265 mins read
'આવારા' : ટ્રુલી ઇન્ટરનેશનલ ફિલ્મ!
  • બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
  • રાજ કપૂરે બનાવતી વખતે કદી વિદેશી ઓડિયન્સ વિશે વિચાર્યું પણ નહોતું! એમણે તો હાડોહાડ ભારતીય ઇમોશનલ ઓડિયન્સ માટે જ ફિલ્મ બનાવી હતી

આ જે નિતેશ તિવારીની 'રામાયણ'ને એક ઇન્ટરનેશનલ મુવી ગણવામાં આવે છે. પરંતુ ભારતની જો કોઈ સાચા અર્થમાં પહેલી ઇન્ટરનેશનલ ફિલ્મ હોય તો તે રાજકપૂરની 'આવારા' હતી.
મજાની વાત તો એ છે કે રાજ કપૂરે બનાવતી વખતે કદી વિદેશી ઓડિયન્સ વિશે વિચાર્યું પણ નહોતું! એમણે તો હાડોહાડ ભારતીય ઇમોશનલ ઓડિયન્સ માટે જ ફિલ્મ બનાવી હતી.
જેમાં કડક ડ્રામા, ભરપૂર લાગણીઓ, મસ્ત મજાનાં ગાયનો, દિલફેંક રોમાન્સ, રૂપાળું ગ્લેમર અને ચકાચૌંધ કરી દેનારા સેટ પણ હોય ! પરંતુ વિદેશી પ્રેક્ષકોને એ બધામાં જ જલસો પડી ગયો!
આજે તો સાંભળીને પણ નવાઈ લાગે કે 'આવારા'ની માત્ર રશિયામાં ૧૦૦ મિલીયન (એટલે ૧૦ કરોડ) ટિકીટો વેચાઇ હતી ! એ જ રીતે ચીનમાં પણ એ જમાનામાં ૧૦ કરોડ ચીનાઓએ થિયેટરોમાં જઇને 'આવારા' જોયું હતું ! આજે ભલભલી બ્લોક બસ્ટર હિન્દી ફિલ્મો ભલે ૧૦૦૦ કરોડનો વકરો બતાડે પણ થિયેટરમાં જઇને ફિલ્મ જોનારાની સંખ્યા માંડ ૩ કે ૪ કરોડે પહોંચી હોય. (એ પણ ૧૪૦ કરોડના દેશમાં !)
'આવારા'ની ઇન્ટરનેશનલ લોકપ્રિયતા તો ગજબની હતી. રશિયામાં સુપરહિટ થવા ઉપરાંત તે યુરોપના બલ્ગેરીયા, રોમાનિયા, તાઝિકીસ્તાન, અજરબૈજાન (તે વખતે સોવિયેત સંઘમાં હતાં) ઉપરાંત તૂર્કિયે અને હંગેરી જેવા દેશોમાં પણ હિટ થઈ ગઈ હતી.
૧૯૫૧માં બનેલી 'આવારા' રશિયામાં ૧૯૫૪માં રિલીઝ થતાંની સાથે ચાર જ દિવસમાં ૧૫ લાખ લોકોએ જોઇ કાઢી હતી ! અને સાંભળો, 'આવારા'ની ટોટલ કમાણીનો એ રેકોર્ડ છેક ૧૯૬૪ની એક 'એમ્ફિબિયન મેન' નામની રશિયન ફિલ્મથી જ તૂટયો હતો! દસ દસ વરસ સુધી ટોપ પર, બોસ!
ચીનમાં પણ 'આવારા' ૧૯૫૫માં રિલીઝ થઈ ત્યારે પહેલા જ વીકમાં ચાર લાખ લોકોએ જોઇ હતી ! એ તો ઠીક, ૧૯૭૮માં એ ફરી રિલીઝ થયેલી. તે વખતે પણ કુલ ચાર કરોડ ટિકીટો વેચાયેલી!
અભી તો રૂકો…. 'આવારા'ના તો વિદેશમાં રિ-મેક પણ થયા છે ! (રાજ સાહેબને રોયલ્ટી આપ્યા વિના જ ને !) તૂર્કીયેમાં ૧૯૬૪માં પહેલીવાર એનો રિમેક બન્યા પછી ૧૯૭૭ સુધીમાં એના ને એના આઠ વાર રિ-મેક બની ચૂકયા છે ! (આ તુર્કી ફિલ્મ મેકરોને બીજી વારતાઓ જ નહીં મળતી હોય ?)
અને હા, સોશિયલ મિડીયામાં તમે કદાચ 'આવારા હું'… ગાયન કોઈ વિદેશી એકટરના મોઢે ગવાતું જોયું હશે. એમાં તો સીન બાય સીન સરખાપણું છે કે હીરો પેલી ટ્રકમાં ચડી જાય છે, જ્યાં મજુરણ ટાઇપની સુંદર યુવતીઓ હિરોને બહુ ભાવ આપે છે..
આ વિડીયો સાથે એવી કોમેન્ટ આવતી હતી કે 'જુઓ! રાજ કપૂરે ઉઠાંતરી કરી છે!' પરંતુ હકીકત એ છે કે તૂર્કીવાળાએ જ બિન્દાસ નકલ મારી હતી ! (પણ આપણું તો ગુલામી માનસ રહ્યું ને? એટલે ફટ લેતાંકના માની લઇએ કે રાજ કપૂર જ ચોર છે!)
એમ તો ૧૯૬૭માં ઇરાની ફિલ્મ 'વ્હીલ ઓફ ધ યુનિવર્સ'ને તુર્કી ફિલ્મ 'એવરે'ની નકલ માનવામાં આવે છે, જે 'આવારા'ની હિટ થયેલી રિ-મેક હતી! મતલબ કે ઝેરોક્સની પણ ઝેરોક્સ! બોલો.
'આવારા'નું મ્યુઝિક તો આજે પણ એવરગ્રીન છે. તો સાથે સાથે એ પણ જાણી લો કે 'આવારા હું' ગાયન તો લગભગ દરેક ભાષાની રિ-મેકમાં વપરાયું છે. આ ગીતની લોકપ્રિયતાનો આંખે દેખ્યો પરચો અમે એનઆઇડીમાં ૧૯૭૯માં જોયો હતો. એક ઇન્ટરનેશનલ ડિઝાઇન કોન્ફરન્સમાં આવેલા એક ઝેકોસ્લોવેકિયન સજ્જને રીતસર જીદ કરી હતી કે મારે તમારા સ્ટેજના માઇકમાં 'આવારા હું..' ગાવું છે! એમણે પોતાની સંગત માટે જાતે જ હાર્મોનિયમ પણ વગાડયું હતું! (પેલું 'ટેં…ણેણેણે…' વાગે છે ને, એ!)
અચ્છા, આફ્રિકન દેશો, વેસ્ટ ઇન્ડીઝના દેશો અને અફઘાનિસ્તાનમાં તો 'આવારા' હિટ હતી જ, પણ ગ્રીસમાં એક લોકગાયકે તો 'તેરે બિના આગ યે ચાંદની..' ગાયનની ધૂન પરથી પોતાનું નવું ગીત બનાવ્યું હતું. (એ પણ
હિટ, હોં!)
અચ્છા, આટલા બધા ઇન્ટરનેશનલ વ્યાપનું કારણ શું? શું રાજ કપૂરે પોતાના જોખમે તેને રશિયામાં રિલીઝ કરેલી? ના. કહાણી કંઈ અલગ છે…
વાત એમ હતી કે તે વખતે નહેરુજીના યુગમાં ભારત રશિયાની ઘણું નજીક હતું. નહેરૂજી ભારતને અમેરિકન કેપિટાલિસ્ટ માર્ગે નહીં પણ રશિયાના 'સોશિયાલિસ્ટ' મોડેલ તરફ લઈ જવા માગતા હતા. આ દરમ્યાન ભારતના અનેક બુધ્ધિજીવીઓ, લેખકો, વિદ્વાનો પત્રકારો તથા પ્રોફેસરોને સોવિયેત સંઘના સાંસ્કૃતિક પ્રવાસે લઇ જવામાં આવતા હતા. આવામાં કોઇ રાજદ્વારીની નજરમાં 'આવારા' આવી ગયું ! એમને થયું કે ભારત અને સોવિયેત સંઘને જોડવા માટે આ બેસ્ટ મુવી છે.
એટલે 'આવારા'ને 'સોશિયાલિસ્ટ' થિમવાળી ફિલ્મ તરીકે રશિયામાં પ્રોજેકટ કરવામાં આવી. (આજે પણ ભારતના અમુક વિવેચકોને એમાં 'સમાજવાદ' દેખાય છે !) ખરેખર જોવા જાવ તો 'આવારા'માં સમાજવાદનાં ના તો કોઈ ગુણગાન હતાં કે ના તેનાં કોઈ ભાષણ હતાં. બલ્કે જો કોઇ 'સંદેશ' જેવું હોય તો એ હતું કે 'માણસ જન્મથી નહીં, સંજોગોથી ગુનેગાર બને છે.'
પરંતુ એકવાર સોશિયાલિસ્ટ થિમનું લેબલ ચાલ્યું એટલે ચીને પણ 'આવારા'ને ખભે ઉપાડી લીધી. બીજી તરફ યુરોપના જે દેશોમાં સામ્યવાદનો પ્રભાવ હતો તેમણે રશિયાનું જોઇને 'આવારા'ને આવકાર આપ્યો.
ખેર, જે હોય તે, આપણે તો એમ જ માનવાનું કે બોસ, રાજ કપૂરની સ્ટોરીમાં અને એની માવજતમાં જે તાકાત હતી એનાથી જ ત્યાંની આમજનતા મેસ્મેરાઇઝ થઇ ગઈ હતી.
જોવાની વાત એ પણ ખરી કે રશિયાના આ સામ્યવાદી પ્રભાવમાં આવીને રાજ સાહેબે 'જાગતે રહો' અને 'બૂટ પોલીશ' જેવી બે 'સોશિયાલિસ્ટ' ફિલ્મો બનાવી. પરંતુ રાજ સાહેબ બહુ સિફતપૂર્વક એના દિગ્દર્શનથી દૂર રહ્યા હતા.
અચ્છા, બીજી રસપ્રદ વાત એ હતી કે જ્યારે ચીનમાં 'આવારા' પહેલીવાર રિલીઝ થઈ ત્યારે એમાંથી પેલી ભવ્ય ત્રણ ગાયનોવાળી ડ્રિમ સિકવન્સ (તેરે બિના આગ યે ચાંદની… યે નહીં હૈ, યે નહીં હૈ જિંદગી…. અને ઘર આયા મેરા પરદેસી) કાઢી નાખવામાં આવી હતી, એમ વિચારીને કે આવાં બધાં ગાયનોની શી જરૂર? પણ જ્યારે ૧૯૭૮માં ફરી રિલીઝ થઈ ત્યારે એ ડ્રીમ સિકવન્સ રાખવામાં આવેલી. અને કમાલ જુઓ… બીજી વાર રિલીઝ થયેલી 'આવારા'એ પહેલાં કરતાં ડબલ કમાણી કરી હતી !

= લેખક કે. એ.અબ્બાસે આ સ્ટોરી પહેલાં મહેબૂબ ખાનને સંભળાવી હતી. તે અશોક કુમાર અને દિલીપ કુમારને લઇને 'આવારા' બનાવવા માગતા હતા પણ કે.એ. અબ્બાસને આ વાત જામી નહીં.
= જ્યારે 'આવારા'નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પૈસાના અભાવે આરકે સ્ટુડિયોની દીવાલો અધૂરી રહી હતી અને છત તો બની જ નહોતી. એટલે ત્યાં માત્ર રાતના ટાઇમે જ શૂટીંગ થતું હતું.
= 'આવારા'ની ડ્રિમ સિકવન્સનાં ગાયનમાં જે જમીન પર ફેલાતું આટલું બધું ધૂમ્મસ (કે વાદળ) શી રીતે બનાવ્યું હશે તેનું આજે પણ લોકોને તાજ્જુબ છે !
= તે વખતે ડ્રાય આઇસ વડે કેમિકલ રિએકશનથી ગોટેગોટા બનતા હતા. પરંતુ આટલી મોટી માત્રામાં સફેદ ધૂમાડો પેદા થવાથી ડાન્સરોને વારંવાર શ્વાસની તકલીફ થતી હતી.
= આ ડ્રિમ સિકવન્સનાં ત્રણ ગીતોનું શૂટિંગ સેટ્સના નિર્માણ સાથે ત્રણ મહિના જેટલું ચાલ્યું હતું જેનું બજેટ એટલું મોટું હતું કે એ જમાનાની એકાદ આખી ફિલ્મ બની શકે!