Aaj Kal

પ્રજ્ઞાચક્ષુએ અજવાળ્યો નવો માર્ગ

By GS Team
28 Nov 20267 mins read
પ્રજ્ઞાચક્ષુએ અજવાળ્યો નવો માર્ગ
  • આજકાલ-પ્રીતિ શાહ
  • જીવનમાં કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ જો તમને વિશ્વાસ હોય કે કોઈ સમસ્યા હલ થઈ શકે તેવી છે તો યુનિવર્સ તમને કોઈ ને કોઈ રીતે સાથ આપશે

આં ધ્ર્રપ્રદેશના વુયુરુ નામના નાના શહેરમાં વસતા દંપતીને ત્યાં નાગાબાબુ જન્નુનો જન્મ થયો. પુત્રજન્મના આનંદના સમાચારની સાથે જ ડૉક્ટરોએ માતા-પિતાને જણાવ્યું કે તેમનો પુત્ર ક્યારેય જોઈ શકશે નહીં. પ્રજ્ઞાચક્ષુ બાળકના જન્મની વાત સાથે જ સગાંવહાલાં અને આસપાસના લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો કે, 'અરેરે ! આની જિંદગી કેવી હશે ?' ધીમે ધીમે આવાં વચનો માતાના કાને પડવા લાગ્યા. નાગાબાબુના પિતા તો સાઇકલ મિકેનિકનું કામ કરતા હતા અને એમને દારુનું વ્યસન વળગેલું હતું. જ્યારે નાગાબાબુની માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મોડી રાત સુધી કપડાંની થેલીઓ સીવતી હતી. માતાએ બિલકુલ હતાશ થયા વિના કુટુંબીજનોને કહ્યું, 'મારો દીકરો ન ભીખ માગશે કે ન તો લાચારીભર્યું જીવન જીવશે. એના માટે જે કંઈ કરવું પડશે તે કરીશ, પણ કોઈના પર નિર્ભર નહીં રહેવા દઉં.'
હૈદરાબાદમાં આવેલી પ્રજ્ઞાચક્ષુઓ માટેની સરકારી સ્કૂલમાં નાગાબાબુને અભ્યાસ માટે પ્રવેશ કરાવ્યો અને પરિવાર પણ હૈદરાબાદ રહેવા લાગ્યો. ત્યારબાદ દેવનાર સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં અભ્યાસ કર્યો. અહીં શિક્ષકોમાં પ્રજ્ઞાચક્ષુઓના જીવનની જે સીમાઓ હતી, તેને સંભાવનાઓમાં પરિવર્તિત કરવાનો અભિગમ જોવા મળ્યો. શિક્ષણની સાથે ટૅક્નૉલૉજી શીખવા મળી. નાગાબાબુ ૨૦૦૧માં નવમા ધોરણમાં હતો, ત્યારે પહેલીવાર કમ્પ્યૂટરની સામે બેઠો. તે સમયે કમ્પ્યૂટરની બોલબાલા હતી અને એમાંય નાના શહેરમાંથી આવનાર તેમજ પ્રજ્ઞાચક્ષુઓ માટે તો ખાસ એક રોમાંચક બાબત હતી. એ વખતે પહેલીવાર તેમને ખબર પડી કે પ્રજ્ઞાચક્ષુ પણ કમ્પ્યૂટર પર કામ કરી શકે છે.
દસમા ધોરણ પછી નાગાબાબુએ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે પહેલાં પોલિટેક્નિકમાં ડિપ્લોમાનો અભ્યાસ કરવો. તે સમયે એપ્લીકેશનની પ્રક્રિયા ઑફલાઇન જ હતી. તે અને તેની માતા ફોર્મ લેવા ગયા, ત્યારે એમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ચાળીસ ટકાથી વધારે વિકલાંગતાવાળી વ્યક્તિ ફોર્મ ભરી શકશે નહીં, પરંતુ તેમણે અરજી કરી. રોલ નંબર મેળવ્યો અને એક રાઈટર સાથે પરીક્ષા પણ આપી. પાસ થયા, પરંતુ કાઉન્સિલમાં તેમને આગળ અભ્યાસ માટે મંજૂરી આપવામાં ન આવી. નાગાબાબુ ટૅક્નિકલ એજ્યુકેશન કમિશનર પાસે ગયા અને પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ, ૧૯૯૫નો સંદર્ભ ટાંકીને સમાન તકની વાત કરી. એમણે કહ્યું, 'હું કોઈ નોકરીની માગણી નથી કરી રહ્યો, પરંતુ હું કંઈક શીખવા માગું છું. હું મારો અભ્યાસ ચાલુ રાખવા માગું છું.' કમિશ્નરે પાંચ મિનિટમાં જ મંજૂરી આપી અને કૉલેજમાં પ્રવેશ મળ્યો. પરંતુ ફરી એક મુશ્કેલી આવી. સ્ટેટ બોર્ડ ઑફ ટૅક્નિકલ એજ્યુકેશને તેમને પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની મંજૂરી ન આપી. આને માટે તેઓ હાઈકોર્ટમાં ગયા અને ૨૦૦૫ના જુલાઈ મહિનામાં સરકારી ડિપાર્ટમેન્ટ સામે પ્રેઝન્ટેશન આપ્યું.
૨૦૦૫ના ઑક્ટોબર મહિનામાં નાગાબાબુને એન્જિનિયરીંગ કરવાની મંજૂરી મળી ગઈ એટલું જ નહીં, પરંતુ અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે માર્ગ મોકળો થયો. તેમણે પોલિટૅક્નિક ડિપ્લોમા અને કમ્પ્યૂટર સાયન્સમાં બી.ટેક્. - એમ બંને ડિગ્રી હાસલ કરી અને એ રીતે તેઓ આ બે ડિગ્રી મેળવનાર ભારતના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ બન્યા. માતા અને દાદી સતત તેની સાથે રહ્યા. અનેક મુશ્કેલીઓ વચ્ચે પિતાએ એને કમ્પ્યૂટર લાવી આપ્યું. નાગાબાબુને ૨૦૦૭માં કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું. ૨૦૦૯માં વિપ્રો ટૅક્નૉલોજીસ્ટમાં કામ શરૂ કર્યું. એક નાના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું, પણ તેમનું કામ જોઈને તેમને પ્રોજેક્ટ એન્જિનિયર બનાવ્યા.
છેલ્લા સત્તર વર્ષમાં ઘણી કંપનીઓમાં કામ કર્યા બાદ આજે તેઓ એક ગ્લોબલ ફાયનાન્શિયલ ઇન્સ્ટિટયૂટમાં વાઈસ પ્રેસિડન્ટ અને અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. જોઝ અને એનવીડીએ જેવા સ્ક્રીન-રીડિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, જોકે નાગાબાબુને એમની સાથે થયેલા વ્યવહારનું દુઃખ છે. ૨૦૧૦માં બૅંકના મેનેજિંગ ડિરેક્ટરને મળ્યા પછી ખાતું ખોલી આપ્યું. લોન માટે બઁકનો સંપર્ક કર્યો, ત્યારે 'અમે પ્રજ્ઞાચક્ષુ સાથે કામ નથી કરતા' તેવા જવાબ પણ મળ્યા. ૨૦૨૩માં નાગાબાબુની સ્પાઇનલ ફ્યુઝનની મોટી સર્જરી થઈ અને આજે ક્રોનિક નર્વ પેઇન સાથે કામ કરી રહ્યા છે. તેમણે પોતાનાં સ્મરણો 'ધ અનસીન પાથ' નામના પુસ્તકમાં આલેખ્યા છે. તેઓ માને છે કે વિઝન અને નજર બંને એક બાબત નથી. વિઝન એક એવી કાબેલિયત છે કે જેમાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં આગળ વધતા રહેવાનું છે. તેઓ કહે છે કે, 'જીવનમાં કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ જો તમને વિશ્વાસ હોય કે કોઈ સમસ્યા હલ થઈ શકે તેવી છે તો યુનિવર્સ તમને કોઈ ને કોઈ રીતે સાથ આપશે. મહેનત પર વિશ્વાસ કરો, કિસ્મત પર નહીં.'

પ્લાન્ટ લેધર પર એમ્બ્રોઇડરી!
પ્લાન્ટ લેધર પર કોઈ એમ્બ્રોયડરી નથી કરતું. તેને એમ્બ્રોયડરી કરાવવાનો વિચાર આવ્યો, પરંતુ એમ્બ્રોયડરી કરતાં કાં તો મશીન બગડી જાય કે સોય તૂટી જાય તેવું બનવા લાગ્યું

ગા યત્રી વરુણ એક દિવસ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે તેની બેગનું હેન્ડલ તૂટી ગયું. એણે વિચાર્યું કે નવી બેગ ખરીદવી જ છે તો કંઈક જુદા પ્રકારની કેમ ન ખરીદવી, જે મજબૂત હોય અને લાંબા સમય સુધી ચાલે, જે વાપરવામાં પર્યાવરણને પણ હાનિ ન પહોંચે. તેેણે બજારમાં તેના વિકલ્પ શોધ્યા, પરંતુ ઓફિસ લઈ જવાય તેવી બેગમાં ખાસ વિકલ્પ મળ્યા નહીં. આ દરમિયાન તેને પ્લાન્ટ લેધર વિશે ખબર પડી અને તેના નમૂના મંગાવ્યા. તેને એવો અંદાજ નહોતો કે ઑફિસે લઈ જવાની પોતાની બેગનું તૂટેલું હેન્ડલ એને એક નવા વ્યવસાય તરફ દોરી જશે ! ગાયત્રી વરુણનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ માતા-પિતા સાથે નાનપણથી જ જુદા જુદા દેશો અને શહેરોમાં રહેવાનું બન્યું. બાર વર્ષની ઉંમરે માતા-પિતા સાથે મિડલ ઈસ્ટ ગઈ. ત્યાં ત્રણ વર્ષ રહ્યા પછી ભારત આવી અને પિલાનીની રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ માતા-પિતા ઝિમ્બાબ્વે હોવાથી ત્યાં જઈને અભ્યાસ પૂરો કર્યો. ૨૦૧૪માં પૂણેની સિમ્બોયસિસમાંથી કાયદાનો અભ્યાસ કરીને એક કંપનીમાં લીગલ કાઉન્સેલ તરીકે કામ શરૂ કર્યું, પરંતુ તે છોડીને ફરી માતા-પિતા પાસે આફ્રિકા ગઈ. ૨૦૧૫માં યુગાન્ડામાં ક્લાઈમેટ ચેન્જ અને સસ્ટેનેબિલિટી સેન્ટરમાં કામ કરતી વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ. તેને આ કામ એટલું ગમી ગયું કે કાર્બન એટલે શું તે જાણવાથી શરૂઆત કરી અને ચાર વર્ષ સુધી યુગાન્ડા, રવાંડા, કેન્યા અને તાંઝાનિયામાં કામ કર્યું. તેને એમ લાગ્યું કે અનુભવની સાથે તેનો ઊંડો અભ્યાસ અને ડિગ્રી હોવા જોઈએ. તેથી તેણે બ્રિટનની યુનિવર્સિટી ઑફ લીડ્સમાંથી ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ભારત આવીને આ ક્ષેત્રમાં કામ કરવા લાગી, પરંતુ હવે એને પ્લાન્ટ લેધરની બેગ બનાવવામાં રસ પડયો. તેથી સૌથી પહેલું કામ તેણે પોતાની કોર્પોરેટ ક્ષેત્રની નોકરી છોડી દીધી અને ૨૦૨૧માં ગ્રીન હમટેજની સ્થાપના કરી. આ એક લક્ઝરી સસ્ટેનેબલ એક્સેસરીઝ બ્રાન્ડ છે, જે માત્ર પ્લાન્ટમાંથી બનેલા લેધરનો ઉપયોગ કરીને પર્સ, ટોટ બેગ જેવા ઉત્પાદનો બનાવે છે.
પ્લાન્ટ લેધર પર સંશોધન કરતા ગાયત્રીએ કેકટસ, સફરજન, કેળાં અને અન્ય છોડમાંથી બનેલા નમૂના મેળવ્યાં. આ બધી સામગ્રીને ચકાસી. શરૂઆતમાં જે કારીગરો આવ્યા તેને આ પ્લાન્ટ લેધર સાથે કેવી રીતે કામ કરવું તે ફાવતું નહોતું. તેનું કટિંગ કરીને સિલાઈ કરવામાં મુશ્કેલી પડતી, પરંતુ પ્રથમવાર જ્યારે તેના દોરા, સાધનો અને સિલાઈ મશીનમાં સફળતા મળી, ત્યારે વર્કશોપમાં ડાન્સ પાર્ટી કરી. એવી જ ઘટના યાદ કરતાં તે કહે છે કે પ્લાન્ટ લેધર પર કોઈ એમ્બ્રોયડરી નથી કરતું. તેને એમ્બ્રોયડરી કરાવવાનો વિચાર આવ્યો, પરંતુ એમ્બ્રોયડરી કરતાં કાં તો મશીન બગડી જાય કે સોય તૂટી જાય તેવું બનવા લાગ્યું. એક દિવસ તેણે નક્કી કર્યું કે એમ્બ્રોયડરી કરવાનો વિચાર પડતો મૂકવો તે જ દિવસે કારીગરે તેમને સમાચાર આપ્યા કે આ લેેધર પર એમ્બ્રોયડરી થઈ શકશે.
આઠ મહિના સુધી મટીરીયલ્સ, મેન્યુફેક્ચરિંગ યુનિટ ગોઠવવામાં ગયા. પ્લાન્ટ લેધર માટેના માપદંડોમાં એન્વાયરમેન્ટલ પેરામીટર્સ જોવામાં આવે છે. ત્યારબાદ લેબ રીપોર્ટ, પીટા પ્રૂવ વિગન સર્ટિફિકેટ અને ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવે છે. એ પછી એની કંપનીના એણે બાવીસ પેરામીટર્સ બનાવ્યા છે, જેમાં ભેજ, પાણી, કેમિકલ, ડીટરજન્ટ, અતિશય ગરમી, અતિશય ઠંડી પરિસ્થિતિમાં તે ટકી શકે છે કે કેમ તેની ડિઝાઈન બનાવવામાં આવે છે. મહિલાઓ અને પુરુષોના બેગની ડિઝાઈન તેની ઉપયોગિતાને આધારે નક્કી કરવામાં આવે છે. આ ડિઝાઈન મુખ્ય કારીગર પાસે જાય છે અને તેમાં ફેરફાર કરવાના હોય તો તે સૂચવ્યા પછી કટ આઉટ, સ્ટીચ, લાઈનિંગ, મેટલ પાર્ટ વગેરેથી બેગ તૈયાર કરવામાં આવે છે. બેગ તૈયાર કર્યા પછી ટેસ્ટિંગ માટે ટીમ પાસે જાય તે ત્રણથી છ મહિના વાપરે. ટ્રાવેલ માટેની, લેપટોપ માટેની, રોજેરોજ વાપરવાની બેગની ચકાસણી કરવામાં આવે છે અને તેના પર ક્લાઈમેટ ચેન્જની કોઈ અસર થાય છે કે નહીં તે ચકાસવામાં આવે છે. ગાયત્રીને સૌથી મોટી મુશ્કેલી ગ્રાહકોને સમજાવવામાં પડે છે. વર્ષોથી પ્રાણીના ચામડામાંથી બનેલી વસ્તુઓ વાપરી હોવાથી તેમના મનમાં તે લેધર વધુ સારું હોવાની માન્યતા ઘર કરી ગઈ છે, પરંતુ આ પ્લાન્ટ લેધર થોડું મોંઘું છે, પણ પાંચ-દસ વર્ષ સુધી તે ટકી રહે છે. આજે પંચાણું ટકા મટીરીયલ ભારતમાંથી જ ખરીદે છે. વિશ્વમાં આજે ડારમિલાનો, નાપાડોરી અને માઈકલ કોર્સ કોચ સારી બ્રાંડ તરીકે નામના ધરાવે છે, પરંતુ એના જેવી બ્રાંડ શા માટે બનાવવી ? લોકો ભારત આવે અને આ સસ્ટેનેબલ લક્ઝરી બ્રાંડ ખરીદે તેવી તેની ઇચ્છા છે. વેબસાઇટ અને અન્ય પ્લેટફોર્મ પર ઉપરાંત દિલ્હી-મુંબઈમાં તેના સ્ટોર પણ છે. એક સમયે તેની બીમારી અને ફંડિંગના અભાવે ગ્રીન હર્મિટેજને બંધ કરવાનો વિચાર કરેલો, પરંતુ આજે હવે મિડલ ઇસ્ટ, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર અને અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. તેની કંપનીનો ઉદ્દેશ બધી પ્રક્રિયાને સો ટકા સસ્ટેનેબલ બનાવવાનો છે.