For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'કોંગ્રેસની નજર દેશના લોકોની સંપત્તિ પર...' PM મોદીએ સામ પિત્રોડાના નિવેદનનો આપ્યો જવાબ

Updated: Apr 24th, 2024

'કોંગ્રેસની નજર દેશના લોકોની સંપત્તિ પર...' PM મોદીએ સામ પિત્રોડાના નિવેદનનો આપ્યો જવાબ

Lok Sabha Elections 2024 | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢના સુરગુજામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ અંગેના નિવેદન પર આક્રમક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઈરાદા સારા નથી. હવે તેના ખતરનાક ઈરાદાઓ ખુલ્લેઆમ બધાની સામે આવી ગયા છે. એટલા માટે તે વારસાગત ટેક્સ વિશે વાત કરી રહ્યા છે.

કોંગ્રેસ સામે તાક્યું નિશાન 

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઈરાદા યોગ્ય નથી અને બંધારણ અને સામાજિક ન્યાયને અનુરૂપ પણ નથી. કોંગ્રેસ તમારી કમાણી, તમારા ઘર, દુકાન, ખેતરો અને જમીન પર પણ નજર રાખી રહી છે. કોંગ્રેસના શહેજાદા કહે છે કે તેઓ દેશના દરેક ઘર, દરેક તિજોરી અને દરેક પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે. આપણી માતાઓ અને બહેનો પાસે જે સ્ત્રીધન, આભૂષણો છે તેની કોંગ્રેસ તપાસ કરાવશે. 

આ પણ વાંચો...  | 'મૃત્યુ બાદ અડધી સંપત્તિ લોકોને...' સામ પિત્રોડાની 'વારસાગત ટેક્સ'ની ભલામણથી નવી ચર્ચા છંછેડાઈ

આદિવાસી મહિલાઓને સંબોધ્યાં 

પીએમ મોદીએ કહ્યું કે સુરગુજામાં આપણી આદિવાસી માતાઓ અને બહેનો હંસુલી અને મંગળસૂત્ર પહેરે છે. કોંગ્રેસ તમારી પાસેથી આ બધું છીનવીને વહેંચશે. હવે તમે જાણો છો કે તે આ વસ્તુઓ છીનવીને કોને આપશે? મારે કહેવાની જરૂર છે કે શું? કોંગ્રેસનું કહેવું છે કે સત્તામાં આવ્યા બાદ તે એક પછી એક ક્રાંતિકારી પગલાં લેશે. અરે, આ સપના ન જોશો. દેશની જનતા તમને આવી તક નહીં આપે.

કોંગ્રેસના ખતરનાક ઇરાદા જાહેર થયા: મોદી

મોદીએ કહ્યું કે કોંગ્રેસના ખતરનાક ઈરાદા એક પછી એક ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. મોદીએ કહ્યું કે રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે આપણા દેશના મધ્યમવર્ગ પર વધારે ટેક્સ લાદવો જોઈએ. તેમણે જાહેરમાં આવું કહ્યું છે. હવે તેઓ આ મામલે આગળ વધી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારી સંપત્તિ પર ઈનહેરિટન્સ ટેક્સ એટલે કે વારસાગત ટેક્સ લગાવવામાં આવશે. 

તમારી મહેનતને છીનવી લેવા માગે છે : મોદી 

વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ નથી ઈચ્છતા કે તમારા બાળકોને એ સંપત્તિ વારસામાં મળે જે તમે તમારી મહેનતથી મેળવી છે. તેઓ નથી ઈચ્છતા કે ભારતીયો તેમની મિલકત તેમના બાળકોને આપે. આ પાર્ટી શહેરી નક્સલીઓના નિયંત્રણમાં છે. તેઓ તમારી બધી દુકાનો અને ઘરો છીનવી લેશે. કોંગ્રેસ તમારા માતા-પિતાનો વારસો છીનવી લેશે.

સામ પિત્રોડા શું બોલ્યાં હતાં...? 

કોંગ્રેસ નેતા પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈની પાસે 100 મિલિયન ડૉલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે. જોકે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 55 ટકા સંપત્તિ સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમે તમારા જીવન દરમિયાન સંપત્તિ કમાઇ અને હવે તમે જઇ રહ્યા છો, તમારે તમારી સંપત્તિથી અડધો હિસ્સો પ્રજા માટે છોડવો જોઈએ. આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે. 

Article Content Image

Gujarat