For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી ઢંઢેરામાં પરમાણુ હથિયારોના ખાત્માનું વચન, PM મોદીએ કહ્યું ‘તેઓ દેશ નબળો પાડવા ઈચ્છે છે’

Updated: Apr 16th, 2024

ચૂંટણી ઢંઢેરામાં પરમાણુ હથિયારોના ખાત્માનું વચન, PM મોદીએ કહ્યું ‘તેઓ દેશ નબળો પાડવા ઈચ્છે છે’

PM Modi slams CPI(M)'s manifesto: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ 19મી એપ્રિલે થવાનુ છે ત્યારે હાલમાં જ વડાપ્રધાને રાજસ્થાન (Rajasthan)ના બાડમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશના પરમાણું હથિયારોને નાબૂદ કરવાના CPI(M)ના ચૂંટણી ઢંઢેરાને લઈને ઈન્ડિયા બ્લોક (India bloc) પર નિશાન સાધ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને સવાલો કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 'વિપક્ષી ગઠબંધનમાં સામેલ એક પાર્ટીએ ખતરનાક એલાન કરતા પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે તે ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેશે તેમજ સમુદ્રમાં ડુબાડી દેશે. ભારત જેવો દેશ જેના બંને બાજુના પાડોશીઓ પાસે પરમાણુ હથિયારો છે. શું દેશમાં પરમાણુ હથિયારો નાબૂદ કરવા યોગ્ય રહેશે? શું પરમાણુ હથિયારો નાબૂદ કરવા જોઈએ?' સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ (Congress)ને સવાલ કર્યો હતો કે' હું પૂછવા માગુ છું કે તમારા આ મિત્રો કોના કહેવા પર કામ કરી રહ્યા છે. આ કેવું ગઠબંધન છે, જે ભારતને શક્તિહીન બનાવવા માંગે છે? તમારું આ ગઠબંધન કોના દબાણ હેઠળ આપણા પરમાણુ હથિયારોને નષ્ટ કરવા માંગે છે? મોદી દેશને શક્તિશાળી બનાવવા માંગે છે. આ લોકો દેશને નબળો પાડવા માંગે છે. અમે નબળા દેશોને સ્વીકારતા નથી. દેશ તેમને સજા કરશે.'

ચૂંટણી પંચે આની નોંધ લેવી જોઈએ : કવિન્દ્ર ગુપ્તા

ભાજપના વરિષ્ઠ નેતા કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે સીપીએમ ચીનના ઈશારે કામ કરે છે. ચૂંટણી પંચે સીપીઆઈ(એમ)ના રાષ્ટ્ર વિરોધી વર્તનની નોંધ લેવી જોઈએ. આ ઉપરાંત ભાજપના મહાસચિવ તરુણ ચુઘે કહ્યું કે 'કોંગ્રેસ અને તેના સહયોગી પાર્ટીઓ ભારતને નબળો પાડવા ઈચ્છે છે. પરંતુ દેશની જનતા તેમના એજન્ડામાં સફળ થવા દેશે નહીં.' આ સિવાય સીપીઆઈ(એમ)ના પરમાણુ હથિયારોને નાશ કરવાના ચૂંટણી વચનની જનતા દળ યુનાઇટેડ (JDU) દ્વારા પણ ટીકા કરવામાં આવી હતી. જેડીયુના રાષ્ટ્રીય સચિવ રાજીવ રંજને ભારતના વ્યૂહાત્મક હિતો વિરુદ્ધ નિવેદનો કરવા બદલ વિપક્ષને આડે હાથ લઈ લીધા હતા. રાજીવ રંજને કહ્યું કે 'ભારત એક મજબૂત દેશ છે અને તેની ગતિ જાળવી રાખવાની જરૂર છે.'

શું છે CPI(M)ના ચૂંટણી ઢંઢેરામાં?

સીપીઆઈ(એમ)એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે જો તે સત્તામાં આવશે તો તે ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેશે. આ ઉપરાંત સૈન્ય મથકો પણ નાબૂદ કરવામાં આવશે. તેમજ ઘણા રાજ્યો દ્વારા બનાવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનું વચન પણ આપ્યું છે અને 'નવી પેન્શન યોજના' નાબૂદ કરવાનો પણ વાયદો કર્યો છે.

Article Content Image

Gujarat