For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Lok Sabha Elections 2024: આજે ક્ષત્રિયોના પ્રચંડ રોષ વચ્ચે રૂપાલા રાજકોટથી ઉમેદવારી નોંધાવશે

Updated: Apr 16th, 2024

Lok Sabha Elections 2024: આજે ક્ષત્રિયોના પ્રચંડ રોષ વચ્ચે રૂપાલા રાજકોટથી ઉમેદવારી નોંધાવશે

Lok Sabha Elections 2024: રતનપર-રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં પ્રચંડ અને ઐતહાસિક શક્તિપ્રદર્શન થતા ભાજપમાં દિલ્હી સુધી ઘેરા પ્રત્યાઘાતો પડયા છે પરંતુ, ક્ષત્રિય સમાજની એકમાત્ર માંગ માટે હજુ આજે ભાજપ ઝૂક્યું નથી. ક્ષત્રિયો હવે કરેંગે યા મરેંગેના ઝનુન સાથે મેદાને પડયા છે ત્યારે શહેર ભાજપના સત્તાવાર સૂત્રો અનુસાર આવતીકાલે બપોરે શુભ ચોઘડિયામાં  પરસોતમ રૂપાલા ભાજપના અધિકૃત ઉમેદવાર તરીકે નામાંકન રજૂ કરશે.

ભાજપના ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયા ફોર્મ ભરશે તેમ પણ જાહેર કરાયું છે. અર્થાત્ કોઈ પણ સંજોગોમાં રૂપાલાનું ફોર્મ રદ થાય કે પાછુ ખેંચાય તો કુંડારિયાને ઉમેદવારી પદની લોટરી લાગી શકે છે. જો કે શહેર ભાજપના નેતાઓએ જણાવ્યું કે હવે રૂપાલાની ટિકીટ રદ થાય તેવી શક્યતા જરાય જણાતી નથી, હવે આ અસંભવ નહીં તો અતિ મૂશ્કેલ છે. 

આવતીકાલે સવારે 9 વાગ્યે અહીંના યાગ્નિક રોડ પર આવેલા જાગનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના નેતાઓ ચૂસ્ત પોલીસ રક્ષણ સાથે એકત્ર થશે અને ત્યાંથી ભાજપના આ ઉમેદવારનું વિજય વિશ્વાસ સરઘસ, પદયાત્રા નીકળશે જે બહુમાળી ભવન ચોક પહોંચીને સભામાં ફેરવાશે. ત્યાંથી કલેક્ટર કચેરીએ જઈને રૂપાલા જ ઉમેદવાર તરીકે નામાંકન રજૂ કરશે અને કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે. 

આજે ભાજપે એક તરફ રૂપાલાની રેલી, સભા માટે તડામાર તૈયારીઓ કરી છે તો બીજી તરફ ગુપ્ત રીતે ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરવા તૈયારી કરી રહ્યાનું પણ જાણવા મળ્યું છે જેના પગલે પોલીસ તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ભાજપ આવતીકાલે શક્તિ પ્રદર્શન કરશે પરંતુ, તે ક્ષત્રિય મહાસંમેલન જેટલી મેદની તો ભેગી નહીં જ કરી શકે તેમ જાણવા મળ્યું છે.

Gujarat