For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘડાયો પ્લાન : જો ક્ષત્રિયોનો વિરોધ કામ કરી ગયો તો ભાજપને આ 8 બેઠકો પર નુકસાનની શક્યતા

Updated: Apr 23rd, 2024

ઘડાયો પ્લાન : જો ક્ષત્રિયોનો વિરોધ કામ કરી ગયો તો ભાજપને આ 8 બેઠકો પર નુકસાનની શક્યતા

Lok Sabha Elections 2024: ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. આ જોતાં ગુજરાતમાં આઠેક બેઠકો પર ક્ષત્રિયો ભાજપના પાંચ લાખના માર્જીનના લક્ષ્યાંક પર બ્રેક મારી શકે છે. આ ભીતિને જોતા ક્ષત્રિયોનો રોષ ઠારવા ભાજપે ડેમેજ કંટ્રોલ માટે દોડધામ મચાવી છે. ભાજપના મહામંત્રી પ્રભારી રત્નાકરે સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા છે. એટલું જ નહીં, ભાજપે ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠકો કરવા માંડી છે. મહત્વની વાત એ છેકે, ક્ષત્રિયો ભાજપ વિરૂધ્ધ મતદાન ન કરે તે માટે ભાજપે ક્ષત્રિય ધારાસભ્યો-નેતાઓને જ જવાબદારી સોંપી છે.

ક્ષત્રિયોના વિરોધ વંટોળ વચ્ચે પણ પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવી નથી. આ જોતાં ક્ષત્રિયો હવે ભાજપને મતના માધ્યમથી સબક શિખવાડવામાં મૂડમાં છે. અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવનમાં ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે, હજુય ક્ષત્રિયોનો વિરોધ વંટોળ યથાવત રહ્યો છે. સાબરકાંઠામાં ઈડર-વડાલીમાં ભાજપના ધારાસભ્ય રમણ વોરાને ક્ષત્રિયોએ ધક્કે ચડાવ્યા હતાં. આ ઉપરાંત વડોદરામાં મુખ્યમંત્રીનો કાફલો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિરોધ વંટોળ વચ્ચે ગઈકાલે રાજકોટ નજીક એક હાઈવે પરની ખાનગી હોટલમાં રત્નાકરે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટ બાદ જામનગરમાં ય ક્ષત્રિયનેતાઓ સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો.

આજે ભાવનગર તથા કચ્છમાં ભાજપના ઉમેદવારની ઉપસ્થિતીમાં રત્નાકરે ભાજપના ક્ષત્રિય નેતાઓને સાથે બંધબારણે બેઠક યોજી હતી. સૂત્રોના મતે, આ ત્રણેય બેઠકોમાં સ્પષ્ટ કહેવાયુ કે, પક્ષના નેતાઓ વિવાદાસ્પદ નિવેદન કરવુ નહી. સોશિયલ મિડીયામાં કોઈ મુદ્દે કોમેન્ટ સુધ્ધાં કરવી નહી. આ ઉપરાંત ક્ષત્રિયો ભાજપ વિરૂધ્ધ મતદાન ન કરે તેની કાળજી રાખવી. ભાજપને ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારોમાં નુકશાન થવાની દહેશત છે. 

આ જોતાં ભાજપે ક્ષત્રિય ધારાસભ્યો, નેતા, કાર્યકરોને મેદાને ઉતાર્યા છે. હવે ભાજપના ક્ષત્રિય ધારાસભ્ય-નેતાઓ પક્ષને સાચવે છે કે સમાજને સાચવે છે તે જોવુ રહ્યું. દરમિયાન, એવી ચર્ચાએ  જોર પકડયુ હતુકે, રત્નાકર સાથેની બેઠકમાં ક્ષત્રિય કોર કમિટીના સભ્યો ય ગૂપચૂપ રીતે હાજર રહ્યા હતાં. આ ચર્ચાને લઈને ક્ષત્રિય કોર કમિટીના સભ્ય રમજુભા જાડેજાએ સ્પષ્ટ ઈન્કાર કરી જણાવ્યું હતું કે, હવે સરકાર કે ભાજપ સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. આ બધીય અફવા છે. ક્ષત્રિય કોર કમિટીનો એકેય સભ્ય આ બેઠકમાં હાજર રહ્યો નથી.

Article Content Image

Gujarat