For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપના કાર્યકરોએ માત્ર ખુરશીઓ જ સાફ કરવાની છે, કાછડિયા એક દિવાસળી છે, હજુ આગ બાકી છે : કોંગ્રેસ

Updated: May 10th, 2024

ભાજપના કાર્યકરોએ માત્ર ખુરશીઓ જ સાફ કરવાની છે, કાછડિયા એક દિવાસળી છે, હજુ આગ બાકી છે : કોંગ્રેસ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાના મતદાન પૂરું થયા બાદ હવે ભાજપમાં આંતરિક ભડકો જાહેર થયો છે. અમરેલીના હાલના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાએ પક્ષ સામે બળાપો કાઢ્યો હતો. તેમણે કોંગ્રેસ અને આપમાંથી આવતા પેરાશૂટ નેતાઓને લઈને કહ્યું હતું કે, 'આ નેતાઓ સવારે ભાજપમાં આવે છે અને બપોરે ટિકિટ મળી જાય છે. ભાજપે પોતાના સંનિષ્ઠ કાર્યકર્તાઓની કદર કરવી જોઈએ.' ત્યારે હવે નારણ કાછડિયાના આ નિવેદન પર કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર, મનીષ દોષી અને પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થતા જ ભાજપમાં આંતરિક કલેહ સામે આવ્યો છે. આવામાં કોંગ્રેસને હાલ ભાજપ પર પ્રહાર કરવા માટેની સારી તક મળી ગઈ છે.

મૂળ કાર્યકરનું અપમાન થાય છે આ તેનો આક્રોશ છે : મનીષ દોશી

કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશીએ કહ્યું કે, 'ભાજપમાં એક પછી એક પત્તા ખૂલી રહ્યાં છે. અસંતોષની ભાજપની આક્રોશ યાત્રા વડોદરા, સાંબરકાંઠા, આણંદ, વલસાડ, રાજકોટ બાદ હવે અમરેલી પહોંચ્યો છે. ભાજપમાં પત્રિકાકાંડ થયો છે. સાંસદ નારણ કાછડીયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. અમરેલીનાં સાંસદ નારણ કાછડીયા ખુલીને સામે આવ્યા આ તેમની વ્યથા છે. ભાજપમાં ત્રણ પ્રકારના જૂથ પક્ષપલટો કરીને આવેલા લોકો મુદ્દે વ્યથા છે. મૂળ કાર્યકરનું અપમાન થાય છે આ તેનો આક્રોશ છે. પક્ષમાં જે ગોઠવણ ચાલે છે તેની વાત તેમને કરી છે. ભાજપમાં ખરીદ વેચાણ, નાણાં સહિતના ખેલ થઈ રહ્યા છે, જેની સામે મૂળ કાર્યકરો નારાજ છે.'

ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા છે : જેની ઠુંમર

તો કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરે કહ્યું કે, 'સાંસદ કાછડિયા ભાજપની આંતરિક પરિસ્થિતિનું સત્ય સામે લાવ્યા તે બદલ અભિનંદન. જયેશ રાદડિયાની જીત બદલ દિલીપભાઈ સંધાણીને અભિનંદન. ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને સત્યનો સાથ આપ્યો. ભારતીય જનતા પાર્ટીને હાથના કર્યા હૈયે વાગ્યા છે. '

આ તો ફક્ત શરૂઆત છે, પિક્ચર હજુ બાકી છે : પ્રતાપ દુધાત

કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'કાછડિયા તો માત્ર દિવાસળી છે, આગ હજુ બાકી છે. ભાજપના કાર્યકરોએ માત્ર ખુરશીઓ જ સાફ કરવાની છે અને ભાજપમાં તો હજુ ઘણાં ધારાસભ્યો પણ નારાજ છે.' તો પ્રતાપ દુધાતે કહ્યું કે, નારણ કાછડિયાએ સાચી વાત કરી છે. આ તો ફક્ત શરૂઆત છે, પિક્ચર હજુ બાકી છે.

નારણ કાછડિયાએ પક્ષના જ કાર્યક્રમમાં બળાપો ઠાલવ્યો હતો

ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નારણ કાછડિયાએ સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'જે સરખું બોલી ન શકે, ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે, તેવાને ટિકિટ આપી છે. જે સરખું થેન્ક યુ બોલી ન શકે તેવાને ટિકિટ આપી છે. પરંતુ અહીં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યો છે. અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાત્રે પણ ફોન કરજો હું તમારી માટે દોડતો આવીશ. હું તમારી સાથે કાયમી જોડાયેલો છું અને રહેવાનો છું. તમારે કોઇપણ પ્રકારનું કામ હશે તો રાત્રે બે વાગે પણ તમારું કામ થશે. મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે કહેવું પડે છે. કોઇપણ કાર્યકર્તાને ભાજપનો કાર્યકર્તા ઊભો કરતા-કરતા 10 વર્ષ લાગે છે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે.' નોંધનીય છે કે, અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠકથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા છે. 

પેરાશૂટ ઉમેદવારો પર ભડક્યા નારણ કાછડિયા

તેમણે ખાસ કરીને પેરાશૂટ ઉમેદવારો પર નિશાન તાકતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. નારણ કાછડિયાએ કહ્યું કે, 'કોંગ્રેસ અને આપમાંથી નેતાઓ ભાજપમાં સવારે આવે છે અને બપોરે તેમને ટિકિટ મળી જાય છે. ભાજપે પોતાના સંનિષ્ઠ કાર્યકરોની કદર કરવાની જરૂર છે.'

જિલ્લા પંચાયત કે એકપણ ધારાસભ્ય ન હતા છતાં ભાજપને લીડ મળી: નારણ કાછડીયા

કાછડિયાએ ઓછા મતદાન અંગે કહ્યું કે, 'આ ચૂંટણીમાં ખાલી અમરેલી લોકસભાની અંદર દોઢ લાખ મત ઓછા પડ્યા છે. તેનું કારણ છે મતદારોની નિરસ્તા, કાર્યકર્તાઓની ઉદાસિનતા. એ ઉદાસિનતા અને નિરસ્તા એટલા માટે છે કે, આજે તમે જે કંઇ કરી રહ્યા છો તેનાથી કાર્યકર્તાને નારાજગી છે. અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા. ભાજપે 23 લાખની વસ્તી અને 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો. 2019માં આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે કોઇ ધારાસભ્ય આપણો ન હતો છતાં 2 લાખ કરતા વધુ મતથી જીત્યા હતા.'

અમરેલી બેઠક પર ભાજપમાં અસંતોષ

ઉલ્લેખનીય છે, અમરેલી બેઠક પર જ્યારે ભરત સુતરિયાનું નામ જાહેર થતા જ ભાજપમાં અસંતોષ સામે આવ્યો હતો. અમરેલીમાં ઠેરઠેર ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી દોડાવવામાં આવ્યા હતા અને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી.https://www.gujaratsamachar.com/election-2024

Gujarat