For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'રાહુલ ગાંધીનું નિવેદન ચલાવી નહીં લેવાય, રૂપાલાનું પણ જતું નહીં કરીએ', વિવાદિત નિવેદનોને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

Updated: Apr 28th, 2024

'રાહુલ ગાંધીનું નિવેદન ચલાવી નહીં લેવાય, રૂપાલાનું પણ જતું નહીં કરીએ', વિવાદિત નિવેદનોને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

Lok Sabha Elections 2024: ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધ વંટોળ ટાળવા ભાજપે એડીચોટીનુ જોર લગાવયું છે પણ હજુ કોઈ મેળ પડ્યો નથી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનની પ્રતિક્રિયા સામે આવી છે.

પી.ટી.જાડેજાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના વિવાદિત પર ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા કહ્યું કે, 'રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા-રજવાડાઓએ તો ઘણું આપ્યું છે, કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે, અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે.'

રાહુલ ગાંધીના નિવેદનથી દુઃખ થયું છે: તૃપ્તિબા

રાહુલ ગાંધીના રજવાડા અંગેના નિવેદન પર બારડોલીમાં ક્ષત્રિય સંમેલનમાં તૃપ્તિબાએ પ્રતિક્રિયા આપી હતી. તૃપ્તીબાએ કહ્યું હતું કે, 'રાહુલ ગાંધીના નિવેદનને વખોડું છું. આવા નિવેદનો ચલાવી નહીં લેવાય,તેઓ માફી માગે. રાહુલ ગાંધીના નિવેદનથી દુઃખ થયું છે. પરંતુ રૂપાલાના નિવેદનને જતું નહીં કરીએ.'

ભાવનગરના યુવરાજની પ્રતિક્રિયા સામે આવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણી પર હવે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે 'તેમના જ દાદી કાયદો લઈને આવ્યા હતા જેના કારણે હજારો-લાખો રાજપૂતોની જમીન જતી રહી હતી. તેમનો શું વાંક હતો?'

રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ: પદ્મિનીબા

રાહુલ ગાંધીના નિવેદન પર પદ્મિનીબા વાળીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમના શબ્દો પાછા ખેંચવા જોઈએ. રાહુલ ગાંધીએ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ક્ષત્રિય સમાજ વિશે બોલી જાય છે, તે ક્ષત્રિય સમાજને સમજે છે શું? આ મામલે આગામી સમયમાં વિરોધ કરશે.'

શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહારો

ઉલ્લેખનીય છે કે, આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ભાજપે પહેલા બહેન-દીકરીનું અપમાન કર્યું. પછી અહંકાર રાખીને ઉમેદવારની ટિકિટ રદ ન કરી. હવે જે વાત ન થઈ હોય તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહી છે. સમાજ ભોળો જરૂર છે પણ મૂર્ખ નથી. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળ્યું છે. ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં બહેન-દીકરીઓનું અપમાન કરી રહ્યા છે, તેથી દરેક જ્ઞાતીના લોકોમાં રોષ જોવા મળ્યો છે.' 

રાહુલ ગાંધીનું રાજા-મહારાજા પર નિવેદન

શનિવારે (27મી એપ્રિલ) રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા.' 


Gujarat