For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં વધુ 130 ફોર્મ ભરાયાં, આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

Updated: Apr 19th, 2024

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં વધુ 130 ફોર્મ ભરાયાં, આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

Lok sabha Elections 2024: લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગુરુવારે વધુ ઉમેદવારોએ નામાંકન પત્રો દાખલ કર્યા હતા. લોકસભામાં કોંગ્રેસના 9 અને ભાજપના 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે.

અમદાવાદ પશ્ચિમમાં ચાર ફોર્મ ભરાયા

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે ગુરુવારે લોકસભાની બેઠકો માટે કુલ 130 અને વિધાનસભાની પાંચ બેઠકો માટે કુલ 14 ઉમેદવારી પત્રો ભરાયા છે. આજે ભરાયેલા પત્રોમાં કચ્છમાં 6, બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સાથે પાંચ, પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર સાથે ચાર, સાબરકાંઠામાં સાત, ગાંધીનગરમાં બાર, અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સાથે નવ, અમદાવાદ પશ્ચિમમાં ચાર ફોર્મ ભરાયા છે.

સૌરાષ્ટ્રમાં આટલા ફોર્મ ભરાયા

આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પાંચ, રાજકોટમાં બે, પોરબંદરમાં ચાર, જામનગરમાં છ, જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા અને ભાજપના રાજેશ ચુડાસમા સાથે પાંચ, અમરેલીમાં ભાજપના ભરત સુતરિયા સાથે સાત, ભાવનગરમાં ભાજપના નિમુબેન બાંભણિયા સાથે છ, આણંદમાં કોંગ્રેસના અમિત ચાવડા સાથે ચાર, ખેડામાં કોંગ્રેસના કાળુ ડાભી સાથે પાંચ, પંચમહાલમાં ત્રણ, દાહોદમાં ભાજપના જસવંતસિંહ ભાભાર અને કોંગ્રેસના પ્રભા તાવિયાડ સાથે છ, વડોદરામાં કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર સાથે દસ, છોટા ઉદેપુરમાં ત્રણ, ભરૂચમાં બે, સુરતમાં ભાજપના મુકેશ દલાલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી, નવસારીમાં ચાર અને વલસાડમાં ભાજપના ધવલ પટેલ સાથે પાંચ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે.

મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી 

આ સિવાય વિધાનસભાની પાંચ બેઠકો માટે આજે વિજાપુરમાં ત્રણ, માણાવદરમાં ચાર, ખંભાતમાં ચાર અને વાઘોડિયામાં ત્રણ ભરાયા છે. કોંગ્રેસના દિનેશ પટેલે વિજાપુર, ભાજપના અરવિંદ લાડાણીએ માણાવદર, ચિરાગ પટેલે ખંભાત અને કોંગ્રેસના કનુ ગોહિલે વાઘોડિયામાં ફોર્મ ભર્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી છે.

Article Content Image

Gujarat