For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હર્ષ સંઘવી બાદ પાટીલના ડેમેજ કંટ્રોલના પ્રયાસ, ક્ષત્રિયો સાથેની બેઠકમાં રૂપાલાને માફ કરવા વિનંતી

Updated: Apr 25th, 2024

હર્ષ સંઘવી બાદ પાટીલના ડેમેજ કંટ્રોલના પ્રયાસ, ક્ષત્રિયો સાથેની બેઠકમાં રૂપાલાને માફ કરવા વિનંતી

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, પરંતુ રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદનનો મામલો હજુ થાળે પડ્યો નથી. ભાજપ દ્વારા આ વિવાદને શાંત પાડવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે. ત્યારે આજે (25મી એપ્રિલ) ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ પાટીલે જણાવ્યું હતું કે, 'જે નિવેદનથી ક્ષત્રિય સમાજને દુ:ખ થયું તે સ્વભાવિક છે. તેઓ માફી આપવામાં માને છે. તેમણે રોષ સિમિત રાખવાની જે વાત કરી છે આના માટે હું તેઓનો આભારી છું.'

ક્ષત્રિય આગેવાન શૈલેન્દ્ર સિંહ ભાજપના સમર્થનમાં 

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે આ આંદોલન શાંત પડે, ક્ષત્રિય સમાજને રૂપાલા સામે રોષ છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રોષ નથી. રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરી દે તેવી વિનંતી કરૂ છું.' આ ઉપરાંત ક્ષત્રિય આગેવાન શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, રૂપાલા સામે અમારો વિરોધ છે, પરંતુ એ ભાજપ નથી. અમે બધા ભાજપ, ભાજપ સરકાર અને અહીં પાટીલ સાથે છીએ.'

બંધ બારણે બેઠકમાં ક્ષત્રિયોઓને મનાવવા પ્રયાસ 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિયોને મનાવવા માટે બંધ બારણે બેઠક શરૂ કરી દીધી છે. જો કે, તેમાં શું પરિણામ આવે છે એ જોવાનું રહ્યું. ક્ષત્રિયો અત્યાર સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ ભાજપે આ મુદ્દે પીછેહઠ ન કરતાં હવે ચૂંટણી મેદાને જંગ જોવાની રહેશે. 

ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ વિવિધ ગામોમાં ફરશે

આજે ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. આ ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોમાં ફરશે. આ ધર્મરથમાં જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, 'પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા કોંગ્રેસનો ટેકો જાહેર કરવામાં આવશે અને ભાજપ વિરોધ મતદાન કરવાની પણ જાણ કરવામાં આવશે.'

Article Content Image

Gujarat