For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂપાલાની બબાલ ચાલે છે ત્યાં બીજા નેતાનું વિવાદાસ્પદ નિવેદન : રાજાની પટરાણીનો ગમે તેવો પુત્ર રાજા બની જતો

Updated: Apr 23rd, 2024

રૂપાલાની બબાલ ચાલે છે ત્યાં બીજા નેતાનું વિવાદાસ્પદ નિવેદન : રાજાની પટરાણીનો ગમે તેવો પુત્ર રાજા બની જતો

Lok Sabha Elections 2024: હાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે તેવામાં અમુક રાજકીય આગેવાનો જાણે માત્ર મત માટે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય છે. આજે જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું વિસાવદર ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન હતું ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતાં વધુ એકવાર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.

એક તરફ ભાજપના જ નેતાઓ રૂપાલાના કારણે થયેલા વિવાદને શાંત પાડવા મથામણ કરી રહ્યા છે તેવામાં શિસ્તબધ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જ આગેવાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનાં વિસાવદર ખાતેનાં કાર્યાલયનું આજે સવારે ઉદ્દઘાટન હતું. આ કાર્યક્રમમાં સાંસદ અને ભાજપના વર્તમાન ઉમેદવાર રાજેશ ચુડાસમા સહિતના આગેવાનો હાજર હતા. આ તબક્કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કાર્યકરોને સંબોધતી વખતે જાહેર મંચ પરથી કહ્યું, 'હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.'

કિરીટ પટેલે આવું નિવેદન કરતા સૌકોઈ ચોંકી ઉઠયા હતા કેમ કે, કિરીટ પટેલ અધર્લી એબલ્ડ લોકો વિશે જે શબ્દો બોલ્યા તે વર્ગને તેમના જ પક્ષના મોભી એવા વડાપ્રધાને 'દિવ્યાંગ' જેવું સન્માનજનક નામ આપી માન મોભો આપ્યો છે. તેની બદલે આવો વાણી વિલાસ કરી અપમાન કરતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 

આ ઉપરાંત, હાલ રાજા-રજવાડાઓ વિશે પુરૂષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને તે મુદ્દે સમગ્ર દેશમાં ભારે રોષ છે તેવા જ સમયે ભાજપના અન્ય એક આગેવાને રાજા-રજવાડાઓને વચ્ચે લઈ વાણીવિલાસ કરતા આ મુદ્દે નવો વિવાદ છેડાય તેવી ભીતિ નકારી શકાતી નથી. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે થોડા સમય પહેલા જ ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ ફરીવાર ન બોલવાનું બોલતા રાજકીય માહોલ ગરમાયો છે.

Article Content Image

Gujarat