For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

BIPARJOY : વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તે પહેલા ઘણા સ્થળે પડ્યો ભારે પવન સાથે વરસાદ, 74 હજારનું સ્થળાંતર

આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદની શક્યતા

પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કેન્સલ કરી દીધી, 350 બસો પર રદ

Updated: Jun 15th, 2023

BIPARJOY : વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તે પહેલા ઘણા સ્થળે પડ્યો ભારે પવન સાથે વરસાદ, 74 હજારનું સ્થળાંતર

બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકારથી લગભગ 290  કિ.મી.ના અંતરે રહી ગયું છે. 15 જૂનની સાથે તે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

09:45 PM

8 જિલ્લામાં 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

08:50 PM

વાવાઝોડાએ બે માસૂમ બાળકનો ભોગ લીધો

આજે જૂનાગઢના માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં ગંભીર ઘટના બની છે. ગામમાં ભારે પવન ફૂંકાતાં 1 બાળકી કેનાલમાં ખાબકી હતી, જેને બચાવવા માટે તેનો પિતરાઈ ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. કમનસીબે બંનેનાં મોત નિપજ્યા છે. બન્ને મૃતક પિતરાઈ ભાઈ-બહેન શાળાએ રમવા માટે ગયાં હતાં. શાળા પાસે જ કેનાલ પાસે ઊભાં હતાં ત્યારે ભારે પવન ફૂંકાતાં કૌસર ફારુક ખેબર નામની 6 વર્ષીય બાળકી કેનાલમાં ખાબકી હતી. તેને બચાવવા માટે તેની સાથે રહેલો તેનો પિતરાઈ ભાઈ અરશદ ઈલ્યાસ ખેબર કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે તે બચાવી શક્યો નહિ અને બંનેનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં.

08:45 PM

રાજકોટમાં વૃક્ષ ધરાશાયી થતાં 5 વાહનોનો કચ્ચરઘાણ

બિપોરજોય વાવાઝોડના કારણે રાજકોટમાં આજે સવારથી જ શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો... ભારે પનના કારણે શહેરમાં વૃક્ષ ધરાશાયી થતાં 5 વાહનોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. શહેરના ભાવનગર રોડ ઉપર બુધવારે સાંજે મહાકાય વૃક્ષ ધરાશાય થયું છે. આ વૃક્ષ નીચે 4 રીક્ષા દબાઈ હતી. રીક્ષાના કાચનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તો 1 બાઈકને પણ નુકસાન થયું છે. અહીં રિક્ષાના ગેરેજમાં રિક્ષામાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન જોરદાર પવન ફુંકાતા વૃક્ષની નીચે ગેરેજની કેબિન પણ દબાઈ ગઈ હતી.

08:40 PM

સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ

રાજ્યના ઘણા શહેરો અને જિલ્લાઓમાં વાવાઝોડા બિપરજોયની અસર જોવા મળી રહી છે. રાજ્યના ઘણા શહેરો અને જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે, તો રાજકોટમાં વીજળીની કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે. તો ભાવનગર, અરવલ્લી, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.

08:00 PM

બિપરજોય વાવાઝોડાને કારણે દરિયા કિનારે 3 દિવસ સુધી પ્રવેશ પર પ્રતિબંધ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે દમણના દરિયામાં ૫૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઊંચા મોઝા ઉછળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઇ પ્રસાશન દ્વારા પર્યટકો અને સ્થાનિક લોકોની સુરક્ષા અને સલામતી માટે તા.૧૭મી જૂન સુધી એટલે કે ત્રણ દિવસ સુધી દરિયા કિનારે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. બિપરજોય વાવાઝોડાને કારણે દમણ પ્રસાશન છેલ્લા ઘણા દિવસોથી સાબદું બની દરિયાઇ ગતિવિધી પર બાઝ નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગ દ્ધારા આગામી દિવસોમાં વાવાઝોડાની ગંભીર અસર થાય તેવી આગાહી કરી છે. જેમાં દમણના દરિયામાં પણ ૫૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઊંચા મોઝા ઉછળવાની આગાહી કરાઇ છે. જેને પગલે દમણ પ્રસાશન દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. પ્રસાશનને દમણના દરિયા કિનારે આવતા સહેલાણી અને સ્થાનિક લોકોની સુરક્ષા અને સલામતી સામે જોખમ ઉભું ન થાય તે માટે પરોઢના પગલાના ભાગરૂપે તા.૧૭મી જૂન સુધી ૩ દિવસ માટે દમણ દરિયા કિનારેનો રસ્તો, જમ્પોર બીચ, મોટી દમણથી લાઇટ હાઉસ સુધી, સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્સેસપાકઁ, દેવકા બીચથી નાની દમણ સુધીના રસ્તાઓ બંધ રાખવા અને લોકોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનારાઓ સામે કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરાશે.

07:00 PM

વાવાઝોડાની ગતિ ધીમી પડી, પણ સંકટ યથાવત્ : જાણો ક્યાં અને કેટલે પહોંચ્યું વાવાઝોડું, કયા જિલ્લાઓમાં અપાયું રેડ-ઓરેન્જ એલર્ટ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો...

06:32 PM

અમદાવાદમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ

હાલ અમદાવાદમાં ભારે પવન શરુ થઈ ગયો છે અને આ સાથે વરસાદ પણ ધોધમાર શરૂ થઈ ગયો છે. શહેરના સરખેજ હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાલ વરસાદ વરસી રહ્યો છે.

Article Content Image

06:25 PM

પાવાગઢ મંદિર કાલથી 16 જૂન સુધી રખાશે બંધ

બિપોરજોય વાવાઝોડાની આફતને ધ્યાને રાખી પાવાગઢ મંદિર આવતીકાલે બપોરે 12 વાગ્યાથી 16 જૂન બપોરે 12 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અગમચેતીનાં ભાગરૂપે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

05:30 PM

બિપોરજોયના સંકટ વચ્ચે કચ્છમાં ભૂકંપ

રાજ્યમાં બિપોરજોયના સંકટ વચ્ચે કચ્છમાં ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. કચ્છમાં 3.5ની ભૂકંપનો આંચકો આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિલોમીટર દુર નોંધાયું છે.

04:33 PM Update

આવતીકાલે દ્વારકાધીશ મંદિર બંધ રહેશે

બિપરજોય વાવાઝોડું આવતીકાલે 15 જુને સાંજે ત્રાટકશે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ કાંઠે જોવા મળશે. હાલ દ્વારકાના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય રહ્યો છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાની જાણ  SDM પાર્થ તલસાણીયા દ્વારા કરવામાં આવી હતી.

03:05 PM Update

કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રાખવા હૂકમ

સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત 9 ગામોની બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે.

03:00 PM Update

ભાજપ અધ્યક્ષ નડ્ડાની પદાધિકારીઓ સાથે બેઠક 

બિપોરજોય વાવાઝોડાને પગલે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમની સાથે બેઠક કરીને વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચનો કર્યા હતા. 

02:25 PM Update

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો ખેડૂલક્ષી નિર્ણય

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂલક્ષી નિર્ણય કર્યો હતો. લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી,જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદામાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

02:05 PM Update

47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે,રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

01:35 PM Update

દ્વારકાના જગત મંદિરની 52 ગજની ધજા ખંડિત

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય રહ્યો છે ત્યારે દ્વારકના જગત મંદિરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સતત બીજા દિવસે પણ દ્વારકાના જગત મંદિરે ધ્વજા ચડાવવામાં આવશે નહીં જે ઈતિહાસમાં પહેલીવાર બનશે.

01:25 PM Update

ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

વાવાઝોડા બિપરજોયને લઈને ઉત્તર ગુજરતમાં આગામી 16મી અને 17મી જૂન બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.   

01:05 PM Update

અમદાવાદમાં વાતાવરણમાં પલટો 

બિપરજોય વાવાઝોડાની અસર હવે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ ઝાપટાંની સ્થિતિ જોવા મળી હતી. તેની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 

12:50 AM Update

જામનગરમાં તોફાની પવનના કારણે વીજ પોલ પડતાં દાદા પૌત્ર ઘાયલ 

જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં ગઈકાલે એક વીજ થાંભલો ભારે પવનના કારણે તૂટી પડ્યો હતો, અને દાદા પૌત્રને તૂટી પડેલા વિજથાંભલાના કારણે ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી પૌત્રને વધુ ઇજા થવાથી અમદાવાદ ખસેડાયો છે.

12:40 AM Update

હાલાર વિજ વિક્ષેપ થયો

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાને કારણે 375 ગામોમાં વિજ વિક્ષેપ થયો છે હાલ 34 ગામોમાં વિજ સમારકામ ચાલૂ છે. વાવાઝોડાના કારણે 632 વિજ પોલ તેમજ 19 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થતા વિજ તંત્રને 1 કરોડ 23 લાખનું નુકસાન થયુ છે.

11:45 AM Update

આવતીકાલે 5 વાગ્યાની આજુબાજુ ત્રાટકશે બિપરજોય વાવાઝોડું : હવામાન વિભાગ

માંડવી અને કરાચી વચ્ચે જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાશે તેવા સ્પષ્ટ સંકેત મળી ગયા છે. આવતીકાલે બિપરજોય વાવાઝોડું સાંજના 4થી 5 વાગ્યાની વચ્ચે ટકરાશે. તેની સાથે ભારેથી અતિ ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બિપરજોય વાવાઝોડું સાંજના 5 વાગ્યાના સુમારે ટકરાશે.

11:20 AM Update

CMની સમીક્ષા બેઠક

વાવાઝોડા બિપરજોયને લઈને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રુમમા એક બેઠક મળી હતી જેમા વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. વાવાઝોડાએ દિશા ન બદલતા હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને જખૌથી 280 કિલોમીટર દૂર છે.

11:00 AM Update

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ

જખૌ બંદરેથી બિપરજોય વાવાઝોડું માત્ર 280 કિલોમીટર દૂર રહી ગયું છે. તેની તીવ્રતા પણ વધી જવાને કારણે ભારતના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આ પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 

10:54 AM Update

આજની કેબિનેટ બેઠક રદ

વાવાઝોડા બિપરજોયને પગલે આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે તેમજ તમામ મંત્રીઓને સોંપેલા જિલ્લામાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત બિપરજોય વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કરતા હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પડાયો છે કે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે.

10:45 AM Update

મુંબઈમાં મરીન ડ્રાઈવ પર દરિયો તોફાની બન્યો 

મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. બિપરજોયની ઈફેક્ટને લીધે મુંબઈના લોકપ્રિય સ્થળ મરીન ડ્રાઈવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

10:15 AM Update

બિપરજોય વાવાઝોડાને પગલે કચ્છમાં દરિયાકાંઠાના 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા રહેવાશીઓનું સ્થળાંતર કરવામાં આવશે. તંત્રએ આ નિર્ણય લીધો હતો. આ ઉપરાંત બચાવકામગીરી માટ જામનગરથી આર્મીના 78 જવાનો દ્વારકા જવા રવાના થયા હતા.

આજે ભારે વરસાદની ચેતવણી 

માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું કે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જોકે કેટલાક સ્થળોએ હવાથી મધ્યમ વરસાદ અને છુટાછવાયા વરસાદની પણ શક્યતા છે. જ્યારે 15 જૂને પણ આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 

બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી અલગ થયું, ચોમાસું નહીં બગાડે, IMDએ આપ્યા રાહતના સમાચાર .... વધુ અહેવાલ વાંચવા Click here 

હવામાન વિભાગે કર્યું બુલેટિન જાહેર 

હવામાન વિભાગના બુલેટિન અનુસાર બિપરજોય વાવાઝોડું હવે 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌ પોર્ટથી દક્ષિણ પશ્ચિમમાં 290 કિ.મી. દૂર રહી ગયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકારથી પશ્ચિમ-દ.પશ્ચિમમાં તે 300 કિ.મી.દૂર છે.  

69 ટ્રેન અને 350થી વધુ બસ કેન્સલ

માહિતી અનુસાર મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ દોડતી આશરે 350થી વધુ બસો પર રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના બંદર શહેર કરાચી વચ્ચે પહોંચશે. તે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગે તોફાનને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat