Cyclone Biparjoy : વાવાઝોડાની ગતિ અડધી થઈ, પોરબંદરમાં રાહત તો ઉત્તર ગુજરાતમાં આવી આફત
હાલ વાવાઝોડાની ગતિ પ્રતિકલાકે 6થી 9 કિમીથી ઘટીને 3 કિમી થઈ હોવાના અહેવાલ
હાલ બિપરજોય કચ્છ-જખૌ બંદરેથી 280, દ્વારકાથી 290, નલિયાથી 300, કરાંચીથી 340 કિમી દૂર
અમદાવાદ, તા.14 જૂન-2023, બુધવાર
ગુજરાતને ઘમરોળવા આવી રહેલું બિપરજોય વાવાઝોડાને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે. હાલ વાવાઝોડાની ગતિ ધીમી હોવાની વિગતો સામે આવી છે, જોકે હજુ આફત ટળી નથી. હાલ મળતા અહેવાલો મુજબ વાવાઝોડાની ગતિ ધીમી પડી ગઈ છે. વાવાઝોડાની ગતિ હાલ પ્રતિકલાકે 3 કિલોમીટરની થઈ ગઈ છે. અગાઉ આ ગતિ પ્રતિકલાક 6થી 9 કિલોમીટરની હતી.
જાણો વાવાઝોડું કેટલે પહોંચ્યું ?
વાવાઝોડા અંગે વધુ વિગતોની વાત કરીએ તો અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડું બિપરજોય કચ્છ-જખૌ બંદરેથી 280 કિલોમીટર દુર છે, તો દ્વારકાથી 290 કિલોમીટર, નલિયાથી 300 કિલોમીટર, પાકિસ્તાનના કરાંચી બંદરેથી 340 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે.
જાણો કયા કયા જિલ્લાઓમાં અપાયું રેડ અને ઓરેન્જ એલર્ટ
સૌથી વધુ અસર ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો તેમાં કચ્છ, દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠાનો સમાવેશ થાય છે અને 15 જૂન માટે અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઓછી અસર ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ, મોરબી, પોરબંદર અને જૂનાગઢમાં જૂન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ ફંટાયું
અગાઉ વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેની સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની શક્યતા હોય, જોકે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ ફંટાયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.