Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

પલ મેં બદલ જાતે હૈ યે રિશ્તે

માતાના યુવાવયે નિધન બાદ દિનાનો ઉછેર ઝીણા અને કાકી ફાતિમાએ કર્યો હતો.

૪૨ વર્ષના ઝીણા અને તેમના ૧૮ વર્ષની વયના પત્ની રતનબાઈનું એકમાત્ર સંતાન દિના વાડિયાનું નિધન... ઇતિહાસની આરસી પર નજર

પાકિસ્તાનના ગવર્નર જનરલ ઝીણાએ પુત્રી દિનાના પાકિસ્તાન આવવા માટેના વિઝા રીજેક્ટ કરવાની અધિકારીને સૂચના આપી

ભાગલા વખતે દિનાએ પાકિસ્તાન જવાનો ઇન્કાર કરતા ઝીણાને કાપો ત્યાં લોહી ના નીકળે તેવી ઠેંસ પહોંચેલી

જે મની સ્વપ્નસૃષ્ટિ પાકિસ્તાન હતી તેના સ્થાપક અને સ્વાભાવિકપણે તેના પ્રથમ ગવર્નર જનરલ મોહમ્મદ ઝીણાના પુત્રી દિના વાડિયાનું ૯૮ વર્ષની વયે ગયા અઠવાડિયે ન્યુયોર્કમાં નિધન થયું. ઝીણા અને દિના વચ્ચેના સંબંધો છેક સુધી વણસેલા જ રહ્યા હતા.

તેમના પિતાએ પાકિસ્તાનને જન્મ આપ્યો છતા ભાગલા વખતે દિનાએ ભારતમાં જ રહેવાનો નિર્ધાર કર્યો તેનાથી વિશેષ પિતા માટે આકરી સજા શું હોઈ શકે.

આપણે કોઈ બાળકનો જન્મ ટ્રેન કે વિમાનમાં થયો હોય તે જાણ્યું છે પણ ફિલ્મના થિયેટરમાં સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડે અને ચાલુ ફિલ્મે મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવી પડે તેની ગણતરી મિનિટોમાં જ બાળકનો જન્મ થાયતેવું સાંભળ્યું છે ખરૃં ? દિનાનો જન્મ આ રીતે થયો હતો.

જોગાનુજોગ ૧૪મી ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ ઝીણા અને તેમના સગર્ભા પારસી પત્ની રતનબાઈ પેટિટ લંડનના થિયેટરમાં નાટક માણી રહ્યા હતા. ત્યારે આ અનોખી ઘટના આકાર પામી હતી. જોગાનુજોગ, બરાબર ૨૮ વર્ષ પછી  આ જ બે તારીખો વચ્ચે પાકિસ્તાનને ઝીણાએ જન્મ આપ્યો હતો.

દિનાએ તેના પિતાને ખૂબ જ નજીકથી જીદ્દી, મહત્ત્વાકાંક્ષી અને કટ્ટર માન્યતાના આગ્રહી તરીકે જોયા હતા.

ઝીણાનાં સાથી રહી ચૂકેલા મહોમ્મદઅલી કરીમ ચાગલાએ 'રોઝિસ ઇન ડિસેમ્બર' શિર્ષક ધરાવતી આત્મકથામાં લખ્યું છે કે, ઝીણા અને દિના વચ્ચે સૈધ્ધાંતિક મતભેદ તો હતા જ પણ દિનાએ પારસી યુવાન જોડે લગ્ન કરવાનો નિર્ણય કર્યો તે પછી જે દરાર પડી તે ક્યારેય સાંધી ના શકાઈ. દિનાએ જ્યારે તે નેવિલ વાડિયા જોડે લગ્ન કરવા માંગે છે તેમ જણાવ્યું તે સાથે જ ઝીણા અને દિના વચ્ચે વિશાળ ખંડો ધરાવતા બંગલામાં પડઘા પડે તેમ જામી હતી.

ઝીણાએ તાડૂકતા હોય તેમ દિનાને ખખડાવી કે 'ભારતમાં લાખો મુસ્લિમ યુવાનો છે તને આ જ યુવક દેખાયો છે જે મુસ્લિમ નથી.'

દિના પણ મજબુત મનોબળ ધરાવતા યુવતી હતી. તેણે વળતો જવાબ આપ્યો કે 'તો તમે વળી ક્યાં મુસ્લિમ યુવતી જોડે લગ્ન કર્યા છે. તમને લાખો મુસ્લિમ યુવતીઓ છોડી મારી મમ્મી બનેલી પારસી યુવતી જ દેખાયા? તમે પણ મારા મમ્મી એવા રતનબાઈ જોડે લગ્ન કર્યાં તે પારસી જ છે તેમ મેં પણ તે જ ધારીને પારસી યુવક પસંદ કર્યો છે.'

ત્યારે ઝીણાએ રાતાપીળા થઇ જતા દિનાને સંભળાવી દીધું કે 'તારી માતા પારસી હતી, લગ્ન માટે મેં મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની ફરજ પાડી હતી. તું તારા પતિને આમ કરવા સમજાવી શકીશ ?'
દિનાએ ઠંડકથી પ્રત્યુત્તર આપેલો કે 'ના તે આવું કંઇ પરિવર્તન કરવાના મતની નથી.'

દિના આજીવન પારસી ધર્મી જ રહ્યા એટલું જ નહી તેના સંતાનો, પૌત્ર, પ્રપૌત્રનો વિશાળ પરિવાર મૃત્યુવેળા તેની પડખે હતો તેમના મોટાભાગના કુટુંબીઓ મુંબઇમાં રહે છે જ્યારે દિના થોડા વર્ષો લંડન અને તે પછી ચાર દાયકાથી ન્યુયોર્કમાં જ સ્થાયી થયા હતા. કોઈ કોઈ વખત મુંબઇ આવતા જતા રહેતા.
ઝીણાની મરજી વિરૃધ્ધ દિનાએ ૧૯૩૮માં લગ્ન કર્યા. તિરાડ વધતી ચાલી. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા અને ઝીણાને સ્વાભાવિકપણે એમ જ હતું કે દિના તો પાકિસ્તાન સાથે જ આવે ને... પણ દિનાએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

તે વખતે ઝીણાને ઘણું જ અપમાનજનક અને નીચું જોવાપણું લાગ્યું. પુત્રી જ ભારત માટે પિતાને ઠુકરાવી દે છે તેવી વાતો થવા માંડી. પાકિસ્તાનનું સર્જન એકમાત્ર વડાપ્રધાન બનવાની જીદને લીધે થયું તેવો ઇરાદોનો પર્દાફાશ દિનાએ તેના નિર્ણય થકી કરી દીધો હતો.

પિતા માટે સહાનુભૂતિ અને પ્રેમની લાગણી ઉભરતાં દિનાએ તેમને અભિનંદન આપતો પત્ર પણ લખ્યો હતો અને સબંધોમાં મૃદુતા ઉમેરાય તે માટે પહેલ કરી હતી. દિનાએ લખ્યું હતું કે 'તમને સૌપ્રથમ તો અભિનંદન પાઠવું છું.

પાકિસ્તાન આઝાદ દેશ બનતા તમે સૈધ્ધાંતિક રીતે યોગ્ય છો તે બાબતનો સ્વિકાર થયો છે મને તમારા માટે ગૌરવ છે. તમે તમારા સ્વપ્ન માટે કઇ હદે સંઘર્ષ કર્યો છે તેની હું સાક્ષી છું. તમારા અંગેના સમાચારો હું અખબારોમાંથી જાણી લઉં છું. સંતાનોને ખાંસીની તકલીફ છે પણ એકંદરે મજામાં છે.'

ઝીણાએ પુત્રીને કોઈ પત્ર લખ્યો હોય તે રેકોર્ડમાં નથી.

ઝીણા કઇ હદે જક્કી હતા તેનું વધુ એક ઉદાહરણ પણ જાણી લો. પુત્રી દિના પુન:સંબંધો પ્રસ્થાપિત કરવાના સંકેત આપતી હતી. ભલે તેના પત્રોના જવાબ ઝીણાએ નહોતા આપ્યા પણ જ્યારે દિનાએ જાણ્યું કે (૧૯૪૮માં) પિતાશ્રીની તબિયત કથળી છે અને તે ક્ષયની બીમારીથી બચી નહીં શકે ત્યારે તેણે પાકિસ્તાન જવાની તૈયારી કરી. તેને એમ કે કમ સે કમ પિતાજી દમ તોડતા હોય ત્યારે તેમની સાથે રહુ.

દિનાએ પાકિસ્તાન જવા માટે વિઝાની અરજી કરી પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઝીણાએ મરણ પથારીમાં ખાંસતા ખાંસતા તેની પુત્રી દિનાના વિઝા રીજેક્ટ કરજો તેવી સુચના આપી દીધી. મારા જીવવા સુધી તો નહીં જ તેમ તેણે આદેશ આપેલો. આવા જાકાર છતાં દિનાએ તેની સંસ્કારતા જાળવી રાખી. ઝીણાનું નિધન તે પછી ગણતરીના મહિનામાં જ થયું અને પુત્રી દિનાએ તેમની દફનવિધિમાં હાજર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી.

આ વખતે વિઝા નામંજૂર કરાવે તેવા કઠોર પિતા નહીં હોઈ દિના પાકિસ્તાન જઇ શક્યા. તે પછી છેક ૫૬ વર્ષના વહાણા વીતી ગયા અને દિના તેના સપરિવાર ૨૦૦૪માં પાકિસ્તાન ગયા હતા. ઝીણાની કબર પર તેણે ફુલ મુકી પ્રાર્થના કરી હતી. તમારા સ્વપ્ન સમાન પાકિસ્તાન દેશ આબાદ અને સુખી થાય તેવી દુઆ પણ માંગી હતી.

ઝીણાના નિધન બાદ જીવનપર્યંત દિના મુંબઇમાં મલબાર હિલ્સ વિસ્તારમાં આવેલ બંગલો તેના નામે થાય, તેની માલિકીનો થાય તે માટે કોર્ટમાં કેસ લડતા રહ્યા હતા. પણ તેમની આવી મહેચ્છા પૂરી નહતી થઇ શકી. આ બંગલો ઐતિહાસિક 'ઝીણા હાઉસ' તરીકે ઓળખાય છે.

આ એ જ બંગલો છે જ્યાં ગાંધીજી, નહેરૃ અને ઝીણા વચ્ચે આઝાદીના સંગ્રામની રણનીતિથી માંડી આગળ જતા અલગ પાકિસ્તાનના ખ્યાલ અંગે બેઠકો થતી હતી.

ઝીણા કોઈ વસિયતનામુ લખીને નહતા ગયા. આથી કેન્દ્ર સરકારે આ મિલકતને 'બિન વારસી' દરજજો આપીને તેમના હસ્તક રાખી છે. આટલા વર્ષોથી તેમાં સમયાંતરે ચૂનાથી ધોળવામાં આવે છે પણ બીજા કોઈ ફેરફાર નથી કરાયા.

દિનાએ પોતે ઝીણાની પુત્રી હોવાને લીધે તેને સહજ માલિક માનવામાં આવે તેવી કોર્ટમાં દાદ માંગી હતી જેમાં તેઓ સફળ નહતા રહ્યા. દિના કોર્ટને એવી રજૂઆત કતા રહ્યા હતા કે તેનું બાળપણ, કિશોરાવસ્થા અહીં વીતી હોઈ તેની જોડે આત્મિયતા ધરાવે છે.

દરિયો જોઈ શકાયતેવા મોકાની જગાનો આ બંગલાની 'સાઉથ કોર્ટ' તરીકે ઝીણા ઓળખ આપતા પણ આગળ જતા ૧૯૩૬માં બ્રિટનના જાણીતા આર્કિટેક ક્લોડ બેટલે દ્વારા ડિઝાઈન થયેલો અને ૨.૫ એકરમાં જમીન પર બનેલ બંગલાની ઓળખ 'ઝીણા હાઉસ' જ થઇ ગઈ હતી. તે જમાનામાં તે રૃ. બે લાખમાં બન્યો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાન મુશર્રફ ભારતના રાજકીય પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે તત્કાલીન વડાપ્રધાન વાજપાઈ પાસે ઝીણા હાઉસની માલિકી પાકિસ્તાનને મળે તેવી માંગણી કરી હતી. મુશર્રફે એમ પણ કહ્યું હતું કે 'અમે આ બંગલામાં પાકિસ્તાનનું કોન્સ્યુલેટ બનાવીશું.'

ઝીણા ૪૦ વર્ષના હતા ત્યારે રતનબાઈ પેટિટ કે જે પ્રતિષ્ઠીત પેટિટ અને તાતા પરિવારના વંશ જ હતા તેમની વય માત્ર ૧૬ વર્ષના જ હતા તેઓ વચ્ચે ખેંચાણ થયું. બે વર્ષ તેઓનો પ્રેમ વધુ પાંગર્યો. ઝીણા અને રતનબાઈ (રૃટ્ટી)ના પિતા બંને મિત્રો હોઈ ઘેર આવન જાવન રહેતી.

ઝીણાએ પેટિટની પુત્રી પર નજર ઠેરવી. મુગ્ધ વયના રતનબાઈ પણ મોહાંધ બની ગયા હતા. સમગ્ર પારસી સમાજ જ નહી ભારત ચોંકી ગયું હતું. ઝીણા તેના મિત્ર (કે જેની પુત્રી જોડે જેમણે લગ્ન કર્યા) કરતા ત્રણ વર્ષ જ વયમાં નાના હતા. લગ્ન વખતે ઝીણા ૪૨ અને રતનબાઈ ૧૮ વર્ષના હતા.

પિતાએ પુત્રી માટે ૧૮ વર્ષની જન્મ દિનની ઉજવણીની તાજ હોટલમાં પાર્ટી આપી ત્યારે જ રતનબાઈએ ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં ફિલ્મી સ્ટાઇલથી બોંબ ધડાકો કર્યો હતો કે 'તે ઝીણા જોડે લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂકી છે. લગ્નના એક વર્ષ બાદ જ દિનાનો જન્મ (૧૫ ઓગસ્ટ ૧૯૧૯) થયો. રતનબાઈનું કેન્સરની બીમારીને લીધે માત્ર ૨૮ વર્ષની વયે જ નિધન થયું હતું.'

ઝીણાનો (રતનબાઈ) રૃટ્ટી પરત્વેનો પ્રેમ પણ બંનેના પ્રતિક સમાન દિના ના જોડી શકી. દિનાનું નિધન થતા ઝીણાના પરિવાર પર પર્ણ વિરામ મૂકાઈ ગયું. ઝીણા જાહેરમાં બે વખત રડયા છે. એક તેમની પત્ની રતનબાઈનું નિધન થયું ત્યારે અને બીજી વખત ભાગલા પડયા ત્યારે કાયમ માટે પાકિસ્તાન જતા અગાઉ ભારત સ્થિત મરિયમ (રતનબાઈનું ધર્મ પરિવર્તન બાદનું નામ)ની કબર પર આખરી વખત ગયા ત્યારે.

ઉદ્યોગપતિ નુસ્લી વાડિયા, સોશ્યલાઇટ ડાયના વાડિયા, પૌત્ર નેસ અને જહાઁગીર વાડિયાનો વડલો મુકીને દિનાએ પણ જીવનલીલા સંકેલી. ભારતમાં જ રહેવાના નિર્ણય માટે ઝીણા જેવા ધરખમ પિતા જોડે પણ છેડો ફાડી નાંખનાર દિના વાડિયા કમ સે કમ ભારત અને પાકિસ્તાનના ઇતિહાસના ઓફ બીટ પ્રકરણ તરીકે તો સ્થાન પામી જ શકે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments