For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ત્રી ધન પર પતિ કે સાસરિયાંનો હક નથીઃ સુપ્રીમ કોર્ટ, જાણો તેમાં કઈ કઈ ચીજવસ્તુ સામેલ હોય છે

Updated: Apr 26th, 2024

સ્ત્રી ધન પર પતિ કે સાસરિયાંનો હક નથીઃ સુપ્રીમ કોર્ટ, જાણો તેમાં કઈ કઈ ચીજવસ્તુ સામેલ હોય છે

Women Streedhan: વડાપ્રધાને ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, 'જો કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ લોકોની સંપત્તિ લઈને વધુ બાળકો પેદા કરનારા અને ઘૂસણખોરી કરનારાઓને વેચી દેશે. જ્યારે તેમની (કોંગ્રેસ) સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક છે. તેનો અર્થ એ કે, આ સંપત્તિ એકઠી કરી કોને વેચશે? જેના વધુ બાળકો છે તેમને વહેંચી દેશે... શું તમારી મહેનતના નાણાં ઘૂસણખોરી કરનારાને આપી દેવાશે? શું આ તમને મંજૂર છે?'

તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસનો ઢંઢેરો કહે છે કે તેઓ માતા-બહેનોના સોનાનો હિસાબ કરશે. તેના વિશે માહિતી લેશે અને પછી તેનું વિતરણ કરશે. એવામાં પ્રશ્ન થાય કે સ્ત્રી ધન શું છે?

સુપ્રીમે સ્ત્રી ધન વિષે કહ્યું..

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્ત્રી ધન બાબતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો, કે 'મહિલાઓનું સ્ત્રી ધન તેમની સંપત્તિ છે અને તેમને તેની ઈચ્છા મુજબ સ્ત્રી ધન ખર્ચ કરવાનો અધિકાર છે. આ સ્ત્રી ધનમાં પતિ તેનો ભાગીદાર બની શકે નહિ. પરંતુ સંકટ સમયે પત્નીની સંમતિથી તેનો ઉપયોગ કરી શકે છે.'  

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સ્ત્રી ધન બાબતે જણાવ્યું હતું કે સ્ત્રી ધનમાં લગ્ન પહેલા, લગ્ન દરમિયાન કે પછી માતા-પિતા, સાસરિયાં, સગાંવહાલાં અને મિત્રો પાસેથી મળતી દરેક ભેટ, પૈસા, ઘરેણા, જમીન અને વાસણ જેવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. 

સ્ત્રી ધન શું હોય છે?

સ્ત્રી ધનનો અર્થ થાય છે સ્ત્રીના હકના પૈસા, મિલકત, દસ્તાવેજ કે અન્ય વસ્તુઓ. એક એવી માન્યતા પણ છે  કે લગ્ન દરમિયાન મહિલાઓને ભેટમાં જે કંઈ મળે છે તેને સ્ત્રી ધન માનવામાં આવે છે જે ખોટું છે. 

હકીકતમાં બાળપણથી જે વસ્તુઓ મળે છે તે દરેક સ્ત્રી ધનનો જ ભાગ છે. જેમાં રોકડા, સોનું, ભેટ, મિલકતો અને બચતનો સમાવેશ થાય છે. આ સિવાય માત્ર પરિણીત મહિલાઓનું સ્ત્રી ધન હોય એવું પણ નથી, અપરણિત મહિલાઓનો પણ સ્ત્રી ધન પર કાયદેસર અધિકાર છે. 

કયા કાયદા હેઠળ સ્ત્રી ધનનો અધિકાર છે?

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 14 અને હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 27 હેઠળ સ્ત્રી ધનનો અધિકાર આવે છે. જે સ્ત્રીઓને લગ્ન પહેલા કે લગ્ન પછી સ્ત્રી ધન રાખવાનો અધિકાર આપે છે. તેમજ જો મહિલા ઈચ્છે તો પોતાની મરજીથી કોઈને પોતાનું સ્ત્રી ધન આપી કે વેચી શકે છે. તેમજ જરૂરિયાત સમયે મહિલા તેના પતિને પણ સ્ત્રી ધન આપી શકે છે. જે પુરુષે પરત પણ કરવાનું રહે છે. 

તેમજ ઘરેલુ હિંસા અધિનિયમ 2005ની કલમ 12 હેઠળ ઘરેલું હિંસાનો ભોગ બનનાર સ્ત્રી પણ કાયદાની મદદથી તેમનું સ્ત્રી ધન પાછું મેળવી શકે છે. ઘણા કિસ્સાઓમાં સાસરીપક્ષ સ્ત્રીના મંગલસૂત્ર સિવાયના મોટા ભાગના સ્ત્રી ધનને સુરક્ષાના ભાગરૂપે પોતાની પાસ રાખી લેતા હોય છે. જેમાં કાયદો તેમને સ્ત્રી ધનના ટ્રસ્ટી માને છે. આથી જો ક્યારેય પણ મહિલા પોતા સ્ત્રી ધન પરત માંગે તો તેની ના પાડી શકાય નહિ. 

જો કોઈ મહિલાનું સ્ત્રી ધન બળજબરીથી પોતાની પાસે રાખે છે, તો મહિલાને તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

સ્ત્રી ધન અને દહેજમાં તફાવત શું?

સ્ત્રી ધન પ્રેમથી આપવામાં આવે છે જયારે દહેજ માંગના રૂપમાં આપવામાં કે લેવામાં આવે છે. જો મહિલાની સંપત્તિ તેના સાસરિય દ્વારા બળજબરીથી કબજે કરી લેવામાં આવે તો મહિલા તેના પર દાવો કે દહેજ ઉત્પીડનનો કેસ પણ દાખલ કરી શકે છે. પરંતુ ઇસ્લામમાં સ્ત્રી ધનનો કોન્સેપ્ટ નથી. 

Article Content Image

Gujarat