Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

NDAના સાથીઓ છૂટી રહ્યા છે : ઉધ્ધવ; ચંદ્રાબાબુ, પાસવાન, મહેબુબા

ભાજપના નેતૃત્વવાળા NDA માટે આત્મનિરીક્ષણનો સમય : ૨૦૧૯ પહેલાં ઘણી તડ-જોડ જોવા મળશે

NDA છોડનારા યુપીએમાં જોડાય તો રાહુલની તાકાત વધશે; મહેબુબાને કોંગ્રેસનો કડવો અનુભવ છે પણ રાજકારણમાં તક જોવાય છે..

જેમ જેમ ૨૦૧૯નો લોકસભાનો જંગ નજીક આવી રહ્યો છે એમ એમ નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (એનડીએ)ના સાથી પક્ષો આઘા-પાછા થઇ રહ્યા છે. સૌથી પહેલાં શિવસેનાએ છેડો ફાડયો છે; હવે તેલુગુ દેશમના વડા ચંદ્રાબાબુ નાયડુ છેડો ફાડવાની દિશામાં છે, તો આવતી કાલે રામ વિલાસ પાસવાન બંડ પોકારવા દંડ-બેઠક કરી રહ્યા છે, તો મહેબુબા મુફતી ગમે ત્યારે ફસકે એમ છે. એનડીએથી સાથી પક્ષો નારાજ છે કેમકે તેમના ધાર્યા કામો થતા નથી.

જેવી દશા એનડીએની છે એવી દશા કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએની છે. યુપીએમાં બે મજબૂત પક્ષો છે. એક છે કોંગ્રેસ અને બીજી છે તૃણમુલ કોંગ્રેસ !!

લોકસભાની ચૂંટણીઓમાં સાથી પક્ષો સાથે મજબુત સંગઠન જરૃરી છે. બહુમતી મેળવવામાં પનો ટૂંકો પડે તો સાથી પક્ષોનો ટેકો આસાનીથી મળી રહે છે.

શિવેસેનાએ એનડીએ છોડયું એ ભાજપ માટે આઘાતજનક એટલા માટે છે કે આ બંને હિન્દુ લેબલવાળા પક્ષોમાં તિરાડ પડી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના ટેકાવાળી સરકાર ભાજપે બનાવી છે. છેલ્લા એક વર્ષથી શિવસેના ભાજપ સાથે છેડો ફાડવાના મૂડમાં હતું. પોતે એકલા હાથે મહારાષ્ટ્ર જીતી શકે છે એવા ભ્રમમાં રાચતી શિવસેનામાં ભાજપ વિરોધી તત્વોએ પવન પૂર્યો હોવાનું મનાય છે.

વાચકોને યાદ હશે કે જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને જનતા દળ (યુ)એ જાહેરમાં છેડો ફાડીને ભાજપને મૂંઝવણમાં મૂકી દીધું હતું. જોકે ભાજપે રાજકીય ચાલ રમીને લોકજનશક્તિ પાર્ટીના વડા રામ વિલાસ પાસવાન સાથે સેટીંગ કરી દીધું હતું. ભાજપ સાથે કોઇ પક્ષ નહીં જોડાય એવી વાતો કરતા યુપીએ ગઠબંધને પણ રામ વિલાસ પાસવાનને ભાજપ સાથે હાથ મીલાવતા જોઇ આંચકો અનુભવ્યો હતો.

એનડીએ શાસનની શરૃઆતમાં એનડીએના કટ્ટર વિરોધી તરીકે નીતીશ કુમાર ઉપસી આવ્યા હતા. જો નીતીશ કુમારનો પક્ષ ભાજપ સાથે ના જોડાયો હોત તો આજે વિપક્ષના ગઠબંધન યુપીએના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નીતિશ કુમાર હોત !! વડાપ્રધાન પદના જંગમાં નરેન્દ્ર મોદીની સામે ઊભા રહેવા માટે નીતીશ કુમાર એક માત્ર સક્ષમ ઉમેદવાર હતા.

જોકે ભાજપે નીતીશ સામે લડવાના બદલે નીતીશને પોતાની સાઇડમાં ખેંચી લઇને એક કાંકરે બે પક્ષી માર્યા હતા. એક તો ભાજપ બિહારમાં સત્તા પર આવી ગયું હતું અને બીજું એ કે યુપીએ સરકારે પોતાનો ધૂરંધર સાથી ગુમાવ્યો હતો.

કહે છે કે શિવસેનાને મનાવવાનું કામ છેલ્લા ઘણા વર્ષોથી નીતીન ગડકરી કરી રહ્યા છે. આ વખતે પણ શિવસેનાને મનાવવા નીતીન ગડકરીને કામે લગાવ્યા છે. ભાજપ કોઇ સાથી પક્ષ ઓછો થાય તેમ નથી ઈચ્છતું.

ચંદ્રાબાબુ નાયડુ ઈચ્છે છે કે કેન્દ્ર સરકારમાં દક્ષિણનું પ્રભુત્વ રહે. ચંદ્રાબાબુ આંધ્રપ્રદેશને ટેકનો સેવી બનાવવામાં સફળ થયા છે. ચંદ્રાબાબુને પણ દેવગૌડા જેવું છે. દેવગૌડાને કોઇ જ્યોતિષે કહ્યું છે કે હજુ તમે એકવાર વડાપ્રધાન બનશો. એવું જ ચંદ્રાબાબુના કીસ્સામાં હોવાનું કહેવાય છે. ચંદ્રાબાબુ નાયડુ શિવસેનાના પંથે છે. શિવસેનાએ એનડીએ છોડી દેવાની ધમકી આપી હતી એમ ચંદ્રાબાબુ નાયડુ કરી રહ્યા છે.

ચંદ્રાબાબુ કે શિવસેનાના ઉધ્ધવ ઠાકરે એનડીએ છોડી શકે પણ તે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએમાં જોડાય તો તે બ્રેકીંગ ન્યુઝ બની શકે. આ બંને નેતાઓ કોંગ્રેસના કટ્ટર વિરોધી છે. જોકે સત્તા આગળ કોઇ કટ્ટર પંથ ચાલતો નથી, બધા જ કમરેથી વળી જાય છે. મહેબુબા કોંગ્રેસ કલ્ચરનો અનુભવ કરી ચૂક્યા છે.

આ વાતનું લેટેસ્ટ ઉદાહરણ નીતીશ કુમાર છે. તેમણે વડાપ્રધાન મોદીની રીતિ-નીતિ સામે સખત અવાજ ઊઠાવ્યો હતો પરંતુ એક સવારે તેમણે મોદીને ભેટીને તેમની પ્રશંસા શરૃ કરી દીધી હતી.

રામ વિલાસ પાસવાન એનડીએ સરકાર છોડવા તૈયાર એટલા માટે થયા છે કે તે તેમના પુત્રને બિહારમાં ટોપનો હોદ્દો અપાવવા મથે છે. અહીં ટોપનો હોદ્દો એટલે મુખ્ય પ્રધાન એમ સમજવું. નીતીશને કેન્દ્રમાં પ્રધાન બનાવાય તો તેમના દિકરા ચિરાગ પાસવાનને મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાન બનાવવો જોઇએ એવી તેમની રજૂઆત છે. તેમની રજૂઆતનો કોઇ ટેકેદાર નથી.

જો કે રામ વિલાસ પાસવાન રાજકીય જોખમ ઊઠાવનારાઓમાં છે. આ રાજકારણી જોખમ ઊઠાવી-ઊઠાવીને જ કેન્દ્રમાં પ્રધાનપદું મેળવે છે.

દરેક પક્ષમાં આગલી હરોળમાં આવવા ધક્કા-મુક્કી ચાલે છે, જે કોલ્ડવોર સમાન હોય છે. પ્રાદેશિક પક્ષોમાં નેતાઓ પોતાની પેઢીની જેમ પક્ષ ચલાવે છે. જેમાં બહુજન સમાજવાદી પક્ષથી માંડીને સમાજવાદી પક્ષ સુધીના અને તૃણમુલ કોંગ્રેસથી માંડીને ઓડીસાના નવીન પટનાયકના બીજુ જનતા દળ પક્ષ સુધીનાઓનો સમાવેશ થાય છે.

પ્રાદેશિક પક્ષોની કામ કરવાની સ્ટાઇલ એવી હોય છે કે આ લોકો કુટુંબવાદ ઊભો કરે છે અને કોઇ નંબર-ટુ ઊભો નથી થવા દેતા. રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના ટોપ-ફાઇવ નેતાઓના નામ પણ શોધી શકાતા નથી. આવા પક્ષો પિતા-પુત્રો ચલાવતા હોય છે.

એટલે જ પ્રાદેશિક પક્ષો બે મુખ્ય જાયન્ટ પક્ષો કોંગ્રેસ અને ભાજપને અટકાવી શકતા નથી. મુખ્ય પક્ષો પણ પ્રાદેશિક પક્ષોનો ટેકા તરીકે ઉપયોગ કરે છે. આ મોટા પક્ષો પ્રાદેશિક પક્ષોનો 'યુઝ એન્ડ થ્રો'ની જેમ ઉપયોગ કરે છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુફતી અને ભાજપના વિચારો જુદા છે. મહેબુબા તોફાની તત્વોની તરફેણમાં છે. તે માને છે કે ગમે તે થાય પણ લશ્કરના જવાનોએ પ્રજા પર હાથ ના ઉપાડવો જોઇએ તો કેન્દ્ર સરકાર માને છે કે જવાનો પર પથ્થરમારો કરતા તત્વો સામે સખત પગલાં લેવા જોઇએ.

જે રીતે કાશ્મીરમાં લશ્કર કડક બન્યું છે તે જોઇ મહેબુબા ત્રસ્ત છે. તે ભલે મોં પર સ્મિત લાવીને પ્રજા સમક્ષ આવે પણ અંદરથી તે ભાજપ સાથે જોડાણની વિરૃધ્ધ હોય એમ લાગે છે.

જમ્મુ-કાશ્મીરમાં જ્યારથી પીડીપી અને ભાજપનું જોડાણ થયું છે ત્યારથી તેને ઉત્તર-દક્ષિણનું જોડાણ કહે છે. બંનેની વિચારસરણી અલગ છે. દરેક મુદ્દે બંનેના વિરોધાભાસી વલણ છે. જ્યારે ભાગલાવાદી તત્વોને ફંડીંગ કરનારા પર દરોડા પડયા ત્યારે તે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણેના હતા. મહેબુબા સમસમીને બેસી રહ્યા હતા.

મહેબુબાની કમનસીબી એ છે કે તેમના કટ્ટર હરીફ નેશનલ કોન્ફરન્સના ઓમાર અબ્દુલ્લા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના  ખાસ મિત્ર છે.

યુપીએ સરકારના શાસન વખતે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સની સરકાર હતી. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નેશનલ કોન્ફરન્સ સાથે છેડો ફાડીને પીડીપી સાથે જવાનું નક્કી કર્યું હતું. જેમાં મહેબુબા મુફતીને મુખ્યપ્રધાન બનાવવાના હતા. પડદા પાછળના આ રાજકારણની ઓમારને ખબર પડતાં જ તેમણે રાહુલ ગાંધીને ફોન કર્યો હતો. રાહુલે એક જ ફોન કર્યો કે તરત જ પીડીપી  સાથ ે જોડાણની વાત પડી ભાંગી હતી. મુખ્ય પ્રધાન બનવાના સપનાં જોતાં મહેબુબા લીલાતોરણે પાછા ફર્યા હતા.

પીડીપી છેડો ફાડે તો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન આવે પણ ભાજપના થેલામાંથી એક રાજ્ય સરકી જાય તે પણ હકીકત છે. આ બંને વચ્ચેનું જોડાણ એ રાજકીય કજોડું છે છતાં બંને ચીટકું છે. મહેબુબાને કોંગ્રેસ સ્વીકારે એમ નથી એટલે તેમના માટે ગઠબંધન છોડી શકાય તેમ નથી. તેમ છતાં મહેબુબા ભાજપની વધતી તાકાતથી નારાજ છે. એટલે ગમે ત્યારે તે છેડો ફાડી નાખશે.

એનડીએના જોડાણમાંથી શિવસેના છૂટી પડી ચૂકી છે, ચંદ્રાબાબુ નાયડુ ફૂંફાડા મારી રહ્યા છે; રામ વિલાસ પાસવન તકસાધુ છે અને મહેબુબા અનિશ્ચિત વિચારવાળા છે. જ્યારે ગઠબંધનમાંથી કોઇ તૂટે ત્યારે ભાજપે આત્મનિરીક્ષણની જરૃર છે. અહીં તો એકાદ નહીં પણ ચાર-ચાર પક્ષો સાથ છોડી રહ્યા છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએ માટે ચેતવાનો સમય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments