Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

હંસની દૃષ્ટિ રાખવાથી જીવન ગુણોનો ખજાનો બનશે.. કાકની દૃષ્ટિ રાખવાથી જીવન દોષોનો ખજાનો બનશે..

આ માટે યાદ રાખીએ આ મજાનું સૂત્ર કે ' હંસની દૃષ્ટિ રાખવાથી જીવન ગુણોનો ખજાનો બનશે. કાકની દૃષ્ટિ રાખવાથી જીવન દોષોનો ખજાનો બનશે.''

સ્ફૂટિકરત્ન ?? આમ તો એનો વર્ણ સંપૂર્ણ શ્વેત હોય છે અને આરપાર જોઈ શકાય તેવી નિર્મલતા એને વરી હોય છે. પરંતુ આ સ્ફટિકરત્નની ખાસિયત એ હોય છે કે એની બાજુમાં જે વર્ણનો પદાર્થ આવે એ વર્ણનું રૃપ- સ્વરૃપ તે સમય પૂરતું સ્ફટિકરત્નનું પણ થઈ જાય.

જો તેની બાજુમાં લાલ વર્ણનું પુષ્પ મુકાય તો સ્ફટિકરત્ન તે સમયે લાલ વર્ણમય બની જાય અને જો પીળા વર્ણનું પુષ્પ આવે તો તે પીતવર્ણમય બની જાય.

બસ, આ સ્ફૂટિકરત્ન જેવી લાક્ષણિકતા છે આપણા સહુની- સ્ફટિક જેમ આસપાસના વર્ણનું પ્રતિબિંબ ઝીલે, તેમ આપણે સહુ પણ આસપાસની વ્યકિતની- વાતાવરણની અસરો ઝીલતા હોઈએ છીએ.

નિકટની વ્યકિતના  વિચાર- ઉચ્ચાર- આચાર- વ્યવહાર ઉચ્ચસ્તરીય હશે તો આપણે યથાશક્ય એ ઝીલીશું અને જો તે નિમ્નસ્તરીય- હલકા હશે તો આપણે એ ઝીલીશું. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ મજાની કથા :

કોઈ રાજકુમારને એક વાર પુરોહિતનાં આંગણે આવવાનું થયું. ત્યાં એક પોપટ પાળેલો હતો. એ રાજકુમારને જોતાં જ 'સુસ્વાગતમ.. ભલે પધારો' જેવાં વચનો અને આશીર્વચનના શ્લોકો ઉચ્ચારવા માંડયો. એની મીઠી બોલી અને પ્રેમભર્યા આવકારવચનોથી રાજકુમાર ખુશખુશાલ થઈ ગયો. થોડા દિવસો બાદ રાજકુમાર જંગલી લુંટારુઓની પલ્લી તરફ ગયો.

પલ્લીની સીમના એક વૃક્ષ પર પેલા પોપટ જેવો જ નાક- નકશો ધરાવતો પોપટ હતો. આ એજ પોપટ છે કે બીજો એ નક્કી ન કરી શકાય એટલી હદે બેયમાં સામ્ય હતું.

રાજકુમાર હજુ કાંઈ વિચારે તે પૂર્વે એ પોપટે સ્પષ્ટ માનવભાષામાં ગંદી ગાળો- અપશબ્દો ઉચ્ચારવા માંડયા. 'મારો..કાપો..લૂંટી લો' શબ્દો તો એ ચિલ્લાઈ ચિલ્લાઈને ઉચ્ચારતો હતો. રાજકુમાર આઘાત પામી ગયો. એણે એના પ્રાજ્ઞા મિત્રને આ બન્ને અનુભવ કહ્યા .

મિત્રે પૂરી તપાસ કરીને માહિતી આપી કે ''બન્ને પોપટ જોડિયા  ભાઈઓ હોવાથી એક સમાન લાગે છે. એક પોપટ વિદ્વાન પુરોહિતના સંસ્કારી પરિવારના સંપર્કથી મધુર આવકાર વચનો બોલતો થઈ ગયો અને બીજો પોપટ લૂંટારુઓના સંપર્કથી ખૂનની- મારામારીની ભાષા બોલતો થઈ ગયો છે..'

શું સમજાવે છે આ ? એ જ કે સ્ફૂટિકની જેમ આપણે પણ વ્યકિતની- વાતાવરણની અસરો ઝીલીએ છીએ. ફર્ક માત્ર એમાં બે છે. એક, સ્ફૂટિકરત્ન વર્ણની અસર તે સમય પૂરતી જ ઝીલે છે, જ્યારે આપણે વ્યકિત આદિની અસરો દીર્ઘકાલ યાવત્ કાયમી પણ ઝીલીએ છીએ.

બે, એમાં પણ સારી અસરો જેટલી ત્વરાથી ને તીવ્રતાથી ઝીલીએ છીએ એના મુકાબલે ગલત અસરો વધુ ત્વરાથીને તીવ્રતાથી ઝીલીએ છીએ. આ ભૂમિકા પર વિચારીએ તો 'માર્ગાનુસારી' જીવોનો બીજો ગુણ ખૂબ ઉપકારક લાગશે.
એ ગુણનું નામ છે

' શિષ્ટાચાર પ્રશંસા'. કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય એનું અર્થઘટન કરતાં યોગશાસ્ત્રની સ્વોયજ્ઞા વૃત્તિમાં જણાવે છે કે શિષ્ટ એટલે એવી વિશિષ્ટ વ્યકિત કે જે વ્રત- તપાદિ ધર્મ કરનાર અનુભવીજનો- જ્ઞાાનવૃદ્ધ જનોની સેવા દ્વારા હિતશિક્ષા પામી હોય. આવી વ્યકિતઓનાં ઉત્તમ વર્તનને કહેવાય શિષ્ટાચાર.

એની પ્રશંસા- હાર્દિક અનુમોદના કરવાની વૃત્તિને કહેવાય શિષ્ટાચારપ્રશંસા. વસ્તુત : આ ગુણ દ્વારા આપણે તે તે શિષ્ટ વ્યકિતઓના ઉત્તમ વિચાર- ઉચ્ચાર- આચારોના પ્રતિબિંબ આપણામાં ઝીલવાનો સબળ પ્રયાસ કરીએ છીએ.

'યોગબિંદુ' નામના એક જૈન ગ્રન્થમાં શિષ્ટ વ્યકિતના ઉત્તમ આચારોનો ઝલકરૃપ અંગુલિનિર્દેશ આવો કરાયો છે કે

૧) લોકનિંદાનો ભય

૨) દીન: દુ:ખીનો ઉદ્ધાર

૩) ઉપકારીજનોના ઉપકારો પ્રત્યે હૃદયપૂર્વકનો સ્વીકારભાવ

૪) લજ્જાશીલતા

૫) સર્વત્ર નિંદાત્યાગ

૬) સજ્જનોની પ્રશંસા

૭) આપત્તિમાં અદીનતા- લાચારીનો અભાવ

૮) સંપત્તિમાં- સફળતામાં નમ્રતા

૯) અવસરે જરૃર પૂરતું કથન

૧૦) પરસ્પર અવિરોધી ભાષણ

૧૧) વચનપાલન

૧૨) કુલધર્મ- કુલાચારનું પાલન

૧૩) ખોટા ખર્ચનો ત્યાગ

૧૪) યોગ્ય સ્થાને યોગ્ય પ્રવૃત્તિ

૧૫) મુખ્ય કાર્યમાં લક્ષ્ય- પ્રધાનતા

૧૬) પ્રમાદનો આળસનો ત્યાગ

૧૭) લોકાચાર પાલન

૧૮) સર્વત્ર ઐચિત્યનું- વિવેકનું પાલન અને

૧૯ ) ગળે પ્રાણ આવી જાય તોય નિંધ પ્રવૃત્તિનો ત્યાગ. ઠેર ઠેર નિર્દિષ્ટ કરાયેલ આ ઓગણીશ પ્રકારના શિષ્ટ આચારોમાંથી દરેકનું વિસ્તૃત વિશ્લેષણ અહીં- એક લેખમાં શક્ય નથી.

વળી વર્ષો પૂર્વે આ જ વિભાગમાં એ તમામ આચારોનું વિસ્તારથી વિશ્લેષણ થઈ ચૂક્યું હોવાથી આજે આપણે એમાંના બે-ત્રણ આચારો પર અલગ નવાં ઉદાહરણો દ્વારા વિચાર વિહાર કરીશું.

ઉપરોક્ત ઓગણીશ આચારોમાં બીજા ક્રમનો આચાર છે દીન-દુ:ખી જીવોનો ઉદ્ધાર. એ દુ:ખી જીવ વ્યકિત પણ હોઈ શકે અને અબોલ પશુ-પંખી પણ હોઈ શકે. ' ભગવદ્ગીતા' માં અભિલાષા દર્શાવાઈ છે કે ' કામયે દુ:ખતપ્તાનાં, પ્રાણિનામર્તિનાશનમ્.'' મતલબ કે ''હું માત્ર દુ:ખસંતપ્ત જીવોના દુ:ખનાશની જ અભિલાષા રાખું છું.' તો જૈન શાંતિસ્નાત્રવિધિમાં આ ભાવનાને પ્રકાશંતરે રજૂ કરાઈ છે કે ' શામ્યન્તુ સર્વરોગા : યો કે ચિદુપદ્રવાલોકે.'' ભાવાર્થ કે ' આ જગતમાં જે જે ઉપદ્રવો અને જે જે રોગો હોય તે તમામ ઉપશાંત થા. સહુ નિરુપદ્રવી- નિરોગી બનો.'' આ અને આવી આવી અભિલાષાને સક્રિય કરવાનો યથાશક્તિ પુરુષાર્થ એટલે જ દીન-દુ:ખીના ઉદ્ધારનો પેલો આચાર.

શિષ્ટ વ્યકિતનાં જીવનમાં આ આચાર કેવો મસ્ત- ચુસ્ત હોય એનાં બે અમારી નજર સમક્ષનાં પ્રત્યક્ષ ઉદાહરણો માણીએ :

તાજેતરનું ચાતુર્માસ એમ જ્યાં પૂર્ણ કર્યું તે ઘાટકોપર- પૂર્વસંઘના એક ટ્રસ્ટી પ્રકાશભાઈ મનસુખલાલ શાહ. સાધુ- સાધ્વીભગવંતોની વૈયાવચ્ચ માટેની એમની દિલચશ્પી ખરેખર કાબિંલેદાદ છેજ, ઉપરાંત અબોલ જીવો માટેની એમની કરુણા પણ તારીફલાયક છે.

એ પ્રતિદિન સવારે વહેલા નીકળે. પહેલા કબુતરખાના પાસે જાતે કિલોબંધ જુવાર નાંખે. પછી ત્યાંથી કૂતરાઓને દૂધ પાવા માટે જાય.

સાત વાગતા સુધીમાં આ બન્ને કાર્ય અચૂક થઈ જ જાય. પછી અન્ય કાર્યો- જવાબદારીઓનો પ્રારંભ થાય... બે વર્ષ પૂર્વે એક સંપન્ન ભાઈ એવા મળ્યા હતા કે નિશ્ચિત સમયાંતરે ગ્રામ્ય વિસ્તારોમાં આ દીનોદ્ધાર જેવાં સેવાકાર્યો માટે જાય. શિયાળામાં ઘાબળાં- ગરમ વસ્ત્રો લઈને જાય, ઉનાળામાં કેરીના કરંડિયા લઈને જાય, તો વળી ચોમાસામાં છત્રી- રેઈનકોટ લઈને જાય.

રજાના દિવસોમાં પોતાના બારવર્ષીય દીકરાને સાથે રાખી એના હાથે આ વિતરણ કરાવે. એટલા માટે કે એનામાં દયા- સેવાના સંસ્કારો રોપાય. આવી આવી પ્રવૃત્તિને જૈન શાસ્ત્રો ' શિષ્ટાચાર' શબ્દથી બિરદાવે છે. ના, એ શિષ્ટાચારનો અર્થ ' ફોર્માલીટી' નથી. એનો અર્થ શિષ્ટ વ્યકિતનો ઉત્તમ આચાર છે...

આ શિષ્ટાચારમાં અઢારમા ક્રમે છે ઔચિત્યનું પાલન. ઔચિત્યશબ્દનો અર્થ વિવેક પણ થાય છે અને એનો અર્થ સમયને  અનુરૃપ ઉચિત પ્રવૃત્તિ પણ થાય છે. વ્યકિતમાં આ શિષ્ટ ગુણ વિકસે તો કેવો શાલીન વ્યવહાર થાય એનું એક મસ્ત ઉદાહરણ જોઈએ.

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના એક લોકપ્રિય નેતાની મીટીંગ એક ભવ્ય વિશાલ હોલમાં હતી. હકડેઠઠ મેદની હતી, ખુરશીની દરેકલાઈન ભરચક હતી અને મંચ પર પેલા નેતા પાસે જઈને બોલ્યા : '' મારી માતાને આપને એક મિનિટ રૃબરૃ મળવાની વર્ષોની પ્રબળ ઇચ્છા છે.

એ આ હોલમાં આવ્યા છે. અહીં એમને લઈ આવું તો એક મિનિટ મુલાકાત કરશો ?'' નેતાએ સૌજન્યથી હા કહી. પેલા ભાઈ ત્યાંથી એમની માતા પાસે ગયા અને હાથ પકડીને લાવવા તત્પર થયા.

અચાનક નેતાની નજર ત્યાં ગઈ. એ હોલમાંની છેલ્લી લાઈન હતી અને માજી નેવુંથી ય વધુ વર્ષના હોય એવો અંદાજ થયો. તુર્ત જ એમણે માઈક પરથી પેલી વ્યકિતને જણાવ્યું : '' તમારી માતાને અહીં સુધી લાવવાનું કષ્ટ ન આપશો.

હું જ ત્યાં એમને મળવા આવું છું.'' એ તુર્ત મંચ પરથી ઉતરીને માજી તરફ ચાલવા માંડયા. સમગ્ર સભા આ દૃશ્યથી એવી પ્રભાવિત થઈ ગઈ કે સતત પાંચ મિનિટ તાળીઓનો વણથંભ્યો ગડગડાટ ત્યાં ગાજી ઊઠયો. કહેવું જ જોઈશે કે આ ઔચિત્ય નામના શિષ્ટાચારનું પરિણામ હતું.

શિષ્ટ આચારોમાં અઢારમા ક્રમે દર્શાવાયો છે નિંદાપાત્ર પ્રવૃત્તિનો ત્યાગ. ' ભલે ને કારમી નાણાંભીડ હોય, પણ ચોરી ન જ કરવી' આવો દૃઢ નિર્ણય સંસ્કારી હોય છે. ' ભલેને ગમે તેવો વિરોધ હોય, પરંતુ સામી વ્યકિતનું ખૂન તો ન જ કરવું.

હત્યાની સોપારી ન જ આપવી' આવો મક્કમ નિશ્ચય સજ્જન વ્યકિતમાં હોય છે. કારણ એ જ કે ચોરી- હત્યા વગેરે સૌથી નિંદાપાત્ર પ્રવૃત્તિઓ છે. માટે એ ન જોઈએ. કેટલીક નિંદા પ્રવૃત્તિઓ આના કરતા હળવી પણ હોય.

છતાં વિવેકી શિષ્ટ વ્યકિત એનાથી દૂર રહે : રવીન્દ્રનાથ ટાગોરની જેમ. કહેવાય છે કે રવીન્દ્રનાથ ટાગોર અને શરદ બાબુએ માનવતાપ્રધાન નવીન શૈલીની નવલકથાઓ લખી ત્યારે બંગાળી સાહિત્ય જગતમાં એની સામે ભયંકર  ઊહાપોહ થયો.

અમૂક વિરોધી વર્ગે સણસણતા આક્ષેપો કરતી તીખી- તમતમતી ભાષાની ચોપાનિયાંબાજી પૂરજોશથી શરૃ કરી. એનાથી ઉશ્કેરાઈને ચાહક વર્ગ એવી જ ભાષામાં જડબાતોડ પત્રિકાબાજી શરૃ કરવાની વાત લઈ ટાગોર પાસે આવ્યો.

એમણે એનો ઇન્કાર કરતા કહ્યું : '' જે પ્રવૃત્તિને હું નિંદાપાત્ર ગણું છું એ જ પ્રવૃત્તિનો  સમર્થક હું કઈ રીતે બનું ? મારાથી એ ન જ થાય'' આ હતો શિષ્ટ આચાર. જે કહે છે કે કંઠે પ્રાણ આવી જાય તો ય નિંદાપાત્ર પ્રવૃત્તિ  ન જ કરવી...

વ્યકિત આ ઉમદા- ઉત્તમ આચારોનું પાલન કરી સ્વયં શિષ્ટ બને તો બહુ સારી વાત છે. પરંતુ એટલે સુધી ન પહોંચાય તો ' માર્ગાનુસારી' નો આ ગુણ કહે છે કે કમ સે કમ એ શિષ્ટાચારીની પ્રશંસા તો અવશ્ય કરો જ.  આજે કરાતી શિષ્ટ આચારોની પ્રશંસા કાલે એ શિષ્ટ આચારોને અમલમાં લાવવાનું સત્ત્વ પ્રગટાવશે જ.

આપણે આત્મનિરીક્ષણરૃપે જાતને એક પ્રશ્ન કરીએ કે આપણને શિષ્ટ આચારોની પ્રશંસામાં રસ છે ખરો ? આપણે અન્યના સારા આચારો પર દૃષ્ટિ ઠેરવીએ છીએ કે નબળા આચારો પર ? જો નબળા આચારો પર દૃષ્ટિ ઠેરવીએ છીએ તો આપણે કાકદૃષ્ટિ ધરાવનાર ગણાઈએ અને જો સુંદર આચારો પર દૃષ્ટિ ઠેરવીએ છીએ તો હંસદૃષ્ટિ ધરાવનાર ગણાઈએ. કાકની- કાગડાની ખાસિયત એ છે કે તે હંમેશા નબળું જ નિહાળશે. સંપૂર્ણ નિરોગી બનાવશે.

જ્યારે હંસની ખાસિયત એ છે કે તે હંમેશા સારું જ નિહાળશે- ગ્રહણ કરશે. જલમિશ્રિત દૂધ એની સમક્ષ રખાશે તો એ પાણી અલગતારવી માત્ર દૂધ જ ગ્રહણ કરશે. આપણી કક્ષા કઈ ? કાકની કે હંસની ?

એક મહત્ત્વની વાત. દરેક છદ્વાસ્થ વ્યકિત માટે કહી શકાય એ સર્વથા ગુણવાન પણ નથી કે સર્વથા દોષભંડાર પણ નથી હોતી : '' દૃષ્ટં કિમપિ લોકેસ્મિન્, નિ નિર્દોષં ન નિર્ગુણમ્.'' આપણે કાક જેવા બની એના દોષોને પ્રાધાન્ય ન આપીએ. બલ્કે હંસ જેવા બની એના ગુણોને પ્રાધાન્ય આપીએ.

તો જ શિષ્ટાચારપ્રશંસાનો ગુણ પૂર્ણપણે આત્મસાત્ થઈ શકશે. આ માટે યાદ રાખીએ આ મજાનું સૂત્ર કે ' હંસની દૃષ્ટિ રાખવાથી જીવન ગુણોનો ખજાનો બનશે. કાકની દૃષ્ટિ રાખવાથી જીવન દોષોનો ખજાનો બનશે.''

આચાર્ય વિજયરાજરત્નસૂરિ
 

Post Comments