વેળાવદરનું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

- જ્યારે કાળિયાર તેની મહત્તમ ગતિએ દોડતું હોય ત્યારે તે ૬.૬૦ મીટર જેટલા લાંબા કુદકા મારી દોડી શકે છે તેવું તેના પગ ચિન્હો પરથી નોંધાયું છે
વે ળાવદર ખાતે આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરમાં એક જ વિસ્તારમાં સ્થિત કાળિયાર (કૃષ્ણ મૃગ)ની સૌથી મોટી વસ્તી માટે સુવિખ્યાત છે. વેળાવદરનું અજોડ પરિસરતંત્ર કાળિયાર, ભારતીય વરુ, ખડમોર (લેસર ફલોરીગ્ન) અને પટ્ટાઈ (હેરિયર) જેવા વિલુપ્તિના આરે પહોંચી ચૂકેલા વન્યજીવોનું ઘર છે. આ સુંદર પરિસરતંત્ર એક તરફ આ વિસ્તારની નૈસર્ગીંક વારસાની ઝાંખી કરાવે છે. તો બીજી તરફ જેમનાં પર વિલુપ્તિનું જોખમ છે તેવી વન્ય પ્રાણી સંપદાનું સંરક્ષણ અને જતન કરે છે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સુપુષ્પ વનસ્પતિની ૯૫ પ્રજાતિ, સસ્તન પ્રાણીઓની ૧૪ પ્રજાતિ, સરીસૃપ (રેપટાઇલિ)ની ૭ પ્રજાતિ અને ૧૪૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ અહિ જોવા મળે છે. જેમાની ઘણી તો વરસાદ અને શિયાળામાં જ સ્થળાંતર કરી અહિં આવે છે.વેળાવદર ઘાસવાળી જમીન, નાના ઝાડવાળી જમીન ખારાશવાળી જમીન અને કિચડના થર કે ભરતી આવતી હોય તેવી જમીન એમ ચાર વિવિધ પ્રકારના પ્રદેશમાં વહેંચાયેલી છે.
વેળાવદર એ ઐતિહાસિક રીતે સંરક્ષિત સમુદ્રિ ઘાસીયા મેદાનોનું વિશિષ્ટ પરિસરતંત્ર છે. આઝાદી પહેલાં વેળાવદર અને તેની આસપાસનો ઘાસવાળો જમીનનો વિસ્તાર વિશાળ પ્રદેશ ભાવનગરના દેશી રાજ્ય હસ્ત હતો. આ જમીન તત્કાલિન મહારાજાનાં પશુધન માટેનો ખાનગી ગૌચર વિસ્તાર હતો. તે સમયે પણ વેળાવદર વિશ્વમાં સૌથી મોટો એક જ સ્થળે કાળિયારની વસ્તી ધરાવતો વિસ્તાર હતો. ભાવનગરનાં તે વખતના મહારાજા શ્રી ભાવસિંહજી ખુદ પર્યાવરણની જાળવણીનાં પુરસ્કર્તા હતા. આ પ્રમાણે ભાવનગરના મહારાજાશ્રીઓએ આ વિસ્તારના સંરક્ષણ માટે બહુ મહત્વની ભુમિકા અદા કરેલ. આઝાદી બાદ મોટા ભાગની ઘાસવાળી જમીનને ખેતીની જમીનમાં ફેરવી નાખવામાં આવેલી જેના કારણે કાળિયારનાં અસ્તિત્વ પર બહુ મોટું જોખમ ઉદ્ભવેલું અને વિવિધ કારણોસર એક સમયે તો કાળિયારની વસ્તિ ઘટીને માત્ર ૨૦૦ થઇ ગઇ હતી આથી અહિંની વન્યસૃષ્ટીના સંરક્ષણ અને સંવર્ધન માટે ૧૯૭૬માં અહિના ૩૪.૫૨ ચો.કિ.મી. વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આરક્ષિત કરવામાં આવેલ.
કાળિયાર - ઝડપનો સોદાગર
કાળિયર પ્રજાતિ વિશિષ્ટ ઐતિહાસિક, કલાત્મક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. કાળિયાર વૈદિક દેવતાઓ ચંદ્ર અને વાયુના વાહન તરીકે પુરાણોમાં વર્ણિત છે. ભારતીય શાસ્ત્રીય કંઠય સંગીતના વિખ્યાત રાગ ભીમ પ્લાસી અને રાગ તોડી સાથે પણ સંકળાયેલ છે. વેળાવદરમાં કાળિયારની જે વિશિષ્ટ જાત જોવા મળે છે તે વૈજ્ઞાાનિક ભાષામાં ‘‘Antilope Cervicapra Rajputane” તરીકે ઓળખાય છે. આ એક એવું પ્રાણી છે જે ટોળાઓમાં રહે છે. આ પ્રાણી કલાકના ૮૦ કિ.મી.ની ઝડપે દોડી શકે છે. જે તેને પૃથ્વી પર ચાર પગ વાળા પ્રાણીઓમાં ચિત્તા પછી સૌથી ઝડપી પ્રાણી બનાવે છે. જ્યારે કાળિયાર તેની મહત્તમ ગતિએ દોડતું હોય ત્યારે તે ૬.૬૦ મીટર જેટલા લાંબા કુદકા મારી દોડી શકે છે તેવું તેના પગ ચિન્હો પરથી નોંધાયું છે.
ંસંવનન કાળ દરમ્યાન કાળિયાર એક ખુલ્લા વિસ્તારમાં એકત્ર થઇ પોતાનો વિસ્તાર સ્થાપિત કરી દે છે. જે પ્રચલિત પણ થઇ પોતાનો વિસ્તાર સ્થાપિત કરી દે છે. જે પ્રચલિત પણ ‘‘Lekking” (ઈશ્વરન-૧૯૯૫) તરીકે ઓળખાય છે. કાળિયારના બચ્ચાંઓ સામાન્યરીતે સપ્ટેમ્બર - ઓકટોબર અને માર્ચ - એપ્રિલમાં જન્મે છે.
હવાઈ શિકારી - પટ્ટાઈ
પટ્ટાઈ શિકાર કરતાં પક્ષીઓનું એક એવું જુથ છે જે જમીન પર આરામ કરે છે. હવામાં જ ખોરાકની વહેચણી કરે છે. શિકારની શોધમાં લાંબા અને ઊંચા અંતર સુધી ઊડવું, સાંભળવાની સચોટ શક્તિ, એકથી વધુ સાથીઓ સાથે શારીરિક સંબંધ વગેરે... આ પક્ષીના વિશેષ લક્ષણો છે. પટ્ટાઈ ચપળ અને કુશળ શિકારી છે. જે તીડ, માછલી, સાપ, ગરોળી, કાચિંડા પક્ષીઓ અને નાના ઊંદરોનો શિકાર કરે છે. કાળિયાર રાષ્ટ્રિય ઉદ્યાન આ પક્ષીઓનું સૌથી મોટું સામુહિક રાત્રી રહેણાક (Resting) વિસ્તાર છે. અહિ પાન પટ્ટાઈ, ઉત્તર પટ્ટાઈ, ઊજળી પટ્ટાઈ, પટ્ટી પટ્ટાઈ વગેરે પ્રજાતિની પટ્ટાઈ જોવા મળે છે. જેમાં મોટા ભાગના યાયાવાર પક્ષીઓ છે.
ત્યાં જોવા મળતાં પ્રાણીઓમાં ભારતીય વરુ, ઝરખ, ખડમોર, સસિસૃપો તથા જળ પ્લાવિત વિસ્તારોમાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે.
- જયસિંહજી વી. ગોહિલ

