મધપૂડો .
- ગણપતિ બાપ્પા મોરિયા
- શું ગણપતિ બાબાની મહેર ઉતરી ખરી?
- આ છોકરાને મૂર્તિ બનાવવાનો અધિકાર નથી!
ગ ણપતિના ભક્ત તરીકે રાવને ખ્યાતિ મળી હતી, પણ તે ગણપતિની સાથે રહેવાને લઈને.
ભગવાન તમને તેની પાસે ન રાખે તો તમે ભગવાનને તમારી પાસે રાખો. એ નીતિ ગણપતરાવે અમલમાં મૂકી. સમજણા થયા ત્યારથી ગણપતિઓની મૂર્તિ બનાવવા માંડી. નાની-મોટી વિવિધ આકાર અને સ્વરૂપની. બસ, રાવસાહેબ મૂર્તિઓ બનાવે જ જાય. ભગવાનની મૂર્તિઓ બનાવવામાં તેણે અડધું આયખું ખર્ચી નાખ્યું. પ્રશ્ન એ પૂછ્યો કે શું ગણપતિ બાબાની મહેર ઉતરી ખરી? એ માટે જ આ વિતકકથા સંભળાવી રહી. રાવનું બાળપણ ઝૂંપડપટ્ટીમાં વીત્યું. હજી એજ હાલત છે. પિતા શું કરતા હતા તેની તેને ખબર નથી. બાળપણનો એક પ્રસંગ યાદ છે. ઝૂંપડીના રતન જેવા રાવને ભણાવે તો કોણ? એક દિવસ તે ભટકતો હતો. અને જોયું તો તેના પિતાજી બાવાજીના પોશાકમાં ભીખ માગતા હતા. એટલે ઘેરથી રોજ નીકળી જતાં અમુક જગ્યાએ પોશાક બદલી સાધુ બાવા બની જતા. અને ભીખ માંગવાથી માંડી હરેક ધંધો કરતા. રાતના ગમે ત્યારે ઘેર આવે ત્યારે પાછા અસલ પોશાકમાં જ હોય.
રાવ કહે, શહેરના મોટા ભાગના લોકોનું આજ જીવન હોય છે. મૂળ તેમનો કયો ધંધો છે તે કોઈ ઓળખી શકે નહીં. ખેર! નાનકડા રાવને માટીના રમકડામાંથી ગણપતિઓ બનાવવાની પ્રેરણા મળી. ગણેશપૂજાના દિવસોમાં સહાયક છોકરાઓને પણ થોડા ઘણા પૈસા મળી જાય છે. એમાંથી હવે માટી ગૂંદવાના, રંગ કરવાના, પકવવાના, આકર્ષક બનાવવાના કિમિયાઓ તેણે શીખી લીધા.
ભગવાને તેને બનાવ્યો હતો અને તે ભગવાનને બનાવવા લાગ્યો. આ છોકરો સ્વતંત્રપણે ગણપતિઓ બનાવે છે એવી જાણ થતાં મૂર્તિકારો નારાજ થયા, કારણ કે ગણપતિ પ્રયોગલક્ષી હતા. એક વખત પડી રહેલાં પતરાં, તાર, પૂંઠા, ભૂંગળાં વગેરેમાંથી તેણે નવી જ જાતના ગણપતિ બનાવ્યા. પરિણામે મોટા મૂર્તિકારો તેને મારવા લાગ્યા. તેને હાનિ પહોંચાડવા લાગ્યા. તેની મૂર્તિ વિશેની અફવા ફેલાવવા લાગ્યા. તેની મૂર્તિ ભાંગી નાંખીને કહેતા ઃ તેને મૂર્તિ બનાવવાનો અધિકાર નથી. તેને ભગવાન સાથેના નીતિ-નિયમોનું ભાન નથી. એટલે ગણેશજીનો કોપ આપણી ઝૂંપડપટ્ટી પર ઉતરે છે.
રાવ કહે છે, એક વખત મેં જમણી સૂંઢના ગણપતિ બનાવ્યા. મને બહુ માર પડયો. બધા ગુસ્સે થઈ ગયા. જમણી સૂંઢના ગણપતિ અમુક જ કારીગરો બનાવી શકે છે, એવું કહેવાતું. નહીં તો શાપ ઉતરે છે. મારી પર તો મારા સાથીદારોના શાપ ઉતર્યાા જ. મારા મનમાં પણ એ ભ્રમ સવાર થઈ ગયો. ક્યાં સુધી એ ખ્યાલ રહ્યો જ. એના ભેદી પિતા વખતો વખત ઘરેથી અદ્રશ્ય થઈ જતા. કહે છે કે તેમને જેલ થતી. એક વખત લાંબો સમય ન દેખાયા. એટલું જ નહીં, ઉંમરમાં આવેલા ગણપતરાવને પણ પકડી લેવામાં આવ્યો. પિતા ઘરમાં જે વસ્તુઓ લાવતા, તેની માહિતી તેણે આપી નહીં.
તેને પણ પૂરી દેવામાં આવ્યો. જેલમાંય ગણપતે તો ગણપતિ જ બનાવ્યા. પહેલા ધૂળ-માટીના, પછી ચીકણી માટીના. જેલની દીવાલો ગણપતિનાં ચિત્રોથી ચીતરી નાખી. ગણેશચતુર્થીને દિવસે જેલમાં એના જ ગણપતિની પૂજા થઈ. ત્યાંથી જ એનું નામ ભગત પડયું. રાવ-ભગતને બીજી સૂઝ ન હતી, પણ તેને ગણપતિના સાથમાં ગમ્મત પડી.
બહાર આવીને તેણે એ જ ધંધો શરૂ કર્યો. એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ, ચોથી જગ્યાએ. એક કરતાં ગણપતિનું સંપૂર્ણ જીવન સાંભળી સાંભળીને યાદ કર્યું. ગણપતિ અભણ ન હતા. એમણે તો વ્યાસ લખાવે તેમ આખું ભાગવત લખેલું. પહેલા શોર્ટહેન્ડ લહિયા ગણપતિ જ હતા. રાવ જાતે પોતાની રીતે ભણવા લાગ્યો. ગણપતિના જીવનનાં વિવિધ દ્રશ્યો તૈયાર કરવા લાગ્યો. ભાગવત લખતા ગણપતિ. માતાપિતાની પ્રદક્ષિણા કરતા ગણપતિ. લાડુ-આરોગતા ગણપતિ, અરે! યુધ્ધકાળમાં શત્રુનો વિનાશ કરતા ગણપતિ પણ રાવ ભગતે તૈયાર કરી નાખ્યા.
જેવું તેવું ભણીને એણે ગણપતિની ચોપડીઓ ત્યારે છાપી હતી. પછી એને પોતાની રીતે રાગિણીમાં ઉતારી હતી.
પણ ગણપતિનું અનુકરણ તેને ફાવ્યું નહીં. એટલે કે, એક વખત રાવના લગ્ન થયાં. સ્ત્રી ઝઘડાળુ આવી. દાયકો કાઢતાં કાઢતાં તો દમ નીકળી ગયો. સાચા અર્થમાં ભગત બનવું જોઈએ. તેને બદલે બીજા સ્ત્રીનો મોહ થયો. રિદ્ધિ-સિદ્ધિ ભગવાનને પોષાય. માનવી તો કુટાય જ મરે. બિચારા રાવભગત એટલા દુઃખી થઈ ગયા કે, હે ગણેશ-જય ગણેશ કરવા લાગ્યા અને સમય જતાં બંને સ્ત્રીઓને છોડીને ભાગી છૂટયા. પછી તો સમસ્ત ભારતની તીર્થયાત્રા પાર પાડી. જ્યાં જાય ત્યાં ફુટપાથ પર ગણપતિ જ ચીતરે. જતાં આવતા લોકો પાઈ પૈસો નાખતા જાય. એમ યાત્રા આગળ વધે. કાશી મુકામે તેણે બીજી યુક્તિ કરી હતી. પણ એ ઉદરિયો દાવ નિષ્ફળ ગયો. ગણપતિની મૂર્તિ તેણે બનાવી. કિમિયો એવો અજમાવ્યો કે એ મૂર્તિ ઊંડા પાતાળમાંથી નીકળી છે. ગણપતિ બાપાએ તેને સપનું આપ્યું છે. મૂર્તિ કાઢી, ત્યાં જ મંદિર બનાવવાનું તેણે બીડું ઝડપ્યું. મંદિર બન્યું પણ ખરું. પણ રિદ્ધી-સિદ્ધીનો એક જાત્રાએ નીકળેલો સગો રાવભગતને ઓળખી ગયો. જૂના વિવાદો ઉભા થયા. ત્યાંથી એવું રમખાણ આવી પડયું કે રાવને એ ગણપતિ અને એ મંદિર છોડીને ભાગવું પડયું.
રાવભગત હરદ્ધાર પહોંચ્યા. ત્યાં સાધુસંતોની સેવા કરવા લાગ્યા. તેની મૂર્તિકળા જોઈ તેના ગુરુએ તેને કહ્યું, તું શંકરની મૂર્તિ બનાવ, ગણપતિના બાપને બનાવ. રાવભગત કદી ગણપતિના પિતા સુધી પહોંચેલા નહીં. ગુરુદેવ શવિભક્ત હતા. જય શંભુ. જય ભોળા કરનારા એ ગુરુદેવ ભાંગ-ગાંજો પણ ચડાવતા. ગુરુઆજ્ઞાાથી રાવે શિવશંકરની મૂર્તિ બનાવી. પણ મૂર્તિ પૂરી થવાની તૈયારી હતી ત્યાં જ ચમત્કાર થયો. એક નાગ-સર્પ રાવના દેહ પર થઈને ગુરુના દેહ પર કૂદ્યો. કરડયો તો નહીં, પણ ગુરુ એવા તો ડરી ગયા કે તેમણે રાવને મારીને હડસેલી મૂક્યો. તેમણે કહ્યું, તું મૂર્તિ બનાવવાને લાયક નથી. તું ગણપતિની મૂર્તિ બનાવે છે તો તેની જ બનાવ. ગણપતિને છોડીને શંકર સુધી જાય છે, એથી ગણપતિ પણ નારાજ થાય છે.
રાવે હરદ્વાર છોડયું. તે ઋષિકેશ પહોંચ્યા. એ ગુરુજીના કારસ્તાન રાવ જાણી શક્યો હતો. શિવશંકર નહીં જાણતા હોય? તેણેય ગાંઠવાળી કે આપણે દૂંદાળા દેવ સારા. તેના પિતા સુધી ન જવું.
વિખ્યાત પુષ્પક મંદિરમાં તેને એવો અનુભવ થયો કે મંદિરના ઉંદરડાઓ તેના દેહ પર દોડાદોડી કરી મૂકતા. અરે, પાઈડ-પાઈપર ઓફ હેમલીનની જેમ તે જ્યાં જાય ત્યાં તેનો પીછો કરતા. ગણપતિ ઉંદરને સહન કરી શકતા, રાવભગત ન કરી શક્યા. ત્યાંથીય ભાગ્યા.
છેવટે એક જગ્યાએ સ્થિર ન રહેવાનું તેમણે સ્વીકાર્યું. સાધુ તો ચાલતા ભલા. એ નિયમ અનુસાર ગણેશ ભગત રાવલ ફરતા જ રહે છે, એમની ખ્યાતિ બધે છે, પણ જ્યાં સ્થિર થાય છે ત્યાં જ ગણપતિ કહે છે કે, આગળ વધ.
નાની મોટી મૂર્તિઓ બનાવી ફુટપાથ કે જાહેર સડકો પર ગણપતિઓ ચિત્રો બનાવી, ગણપતિ સ્તવન સહિત, રાવભગત જિંદગીના છેલ્લા દિવસો પસાર કરે છે. તેમની ખ્યાતિ ઠેર ઠેર પણ ક્યાંય રોકાવું નહીં. એવી તેમને શીખ મળી છે.
રાવભગત કહે છે, તેમ ઈશ્વર બધું જ જુવે છે. તમારાં જ કારસ્તાનો તમને નડે છે. ભગવાનનું જીવન સમજવું મુશ્કેલ છે. ભગવાનની માત્ર ભક્તિ થઈ શકે, તેમનું અનુકરણ તો ન જ થઈ શકે. જય ગણેશ.
બાળમિત્રો, આ આવા ગણપતિને તમેય રસ્તા વચ્ચે ગણેશ, શિવશંકર, હનુમાન કે રામ બનાવતા જોયા
જ હશેને?