શરીરમાં લોહી પહોંચાડતી રક્તવાહિનીની અદભૂત રચના
હૃદય સતત ધબકતું રહીને આખા શરીરમાં લોહી મોકલે છે અને શરીરમાંથી અશુધ્ધ થયેલું લોહી પાછું હૃદયમાં આવે છે. લોહીને શરીરમાં ફેરવવા માટે રક્તવાહિનીઓનું સુઆયોજીત તંત્ર છે. લોહી વહન કરનારી જાડી પાતળી, નાની મોટી આ નળીઓની રચના અને કામ પણ ગજબના છે.
હાથના કાંડા ઉપર આંગળી મૂકી જૂઓ. ચામડી નીચે કંઈક ધબકતું હોય તેમ લાગશે. આ ધબકતી લોહીની નસ કે નાડી છે. હૃદયના ધબકવાથી લોહીને ધક્કો લાગે છે અને લોહી આગળ વધે છે. નસોમાં એક જ તરફ લોહી વહે તે માટે વાલ્વ હોય છે.
હૃદયમાંથી શુધ્ધ લોહી લઈ જનારી નળીને ધમની અને અશુધ્ધ લોહી હૃદય તરફ લઈ જનારી નળીને શિરા કહે છે. ચામડી નીચે દેખતી લીલી નસ શિરા છે. ધમનીઓ જાડી હોય છે. તેમાં ફાંટા પડી પાતળી રક્તવાહિની બને છે. તેના છેડે શરીરના કોશો સાથે લોહીમાંથી પોષક દ્રવ્યો અને ઓક્સિજનની લેવડ દેવડ થાય છે.