Updated: Mar 17th, 2023
- બધા જાનવરો શિયાળ પાસે આવ્યાં અને કહ્યું : કેમ, શિયાળભાઈ! મધ કેવું મીઠું લાગે છે? બીજાનું વગર મહેનતે ખાવાની કેવી મજા આવે છે?
હસમુખ રામદેપુત્રા
એ ક જંગલ હતું. આ જંગલમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું. તે બધાં પશુ-પક્ષીઓની વસ્તુઓ ખાઈ જતું! બધાં જાનવરો આ શિયાળથી ત્રાસી ગયાં હતાં.
એક વાર પશુ-પક્ષીઓની સભા ભરાઈ. તેમાં આ લુચ્ચા શિયાળને બોધપાઠ આપવાનું નક્કી થયું. મધમાખીએ બીડું ઝડપ્યું. તેણે કહ્યું : હું આ શિયાળના ત્રાસમાંથી બધાને છોડાવીશ. આ સાંભળી બધાં ખુશ થઈ ગયાં.
બીજા દિવસે મધમાખીએ લુચ્ચા શિયાળને થોડું મધ આપ્યું. શિયાળે મધ ખાધું. તેને ખૂબ જ ભાવ્યું. વધારે મધ ખાવાની લાલચ થઈ. તેણે મધમાખીને કહ્યું : મારે વધારે મધ ખાવું છે. મને આપશો ?
મધમાખીએ હસતાં હસતાં કહ્યું : શિયાળભાઈ, તમારે મધ ખાવું હોય તેટલું આપીશ. તમે મારી સાથે ચાલો.
મધમાખી લુચ્ચાં શિયાળને મધપૂડા પાસે લઈ ગઈ. ઝાડ પર મોટો મધપૂડો જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું! આ ઝાડની આજુબાજુ જંગલનાં પશુ-પક્ષીઓ છુપાઈને બધું જોઈ રહ્યાં હતાં.
શિયાળે કહ્યું : માખીબહેન, મારે મધ કેમ ખાવું?
મધમાખીએ કહ્યું : અરે શિયાળભાઈ, એમાં શું? પહેલાં માખીઓને ભગાડો ને પછી શાંતિથી મધ ખાવ.
શિયાળે મધપૂડા પાસે આવી માખીઓ ઉડાડી. બધી માખીઓ તો લુચ્ચાં શિયાળના શરીરે વળગી તેને કરડવા લાગી. શિયાળ તો આ હુમલાથી બૂમો પાડવાં લાગ્યું : બચાવો, મને કોઈ બચાવો. બધા જાનવરો શિયાળ પાસે આવ્યાં અને કહ્યું : કેમ, શિયાળભાઈ! મધ કેવું મીઠું લાગે છે? બીજાનું વગર મહેનતે ખાવાની કેવી મજા આવે છે? શિયાળને બધી વાત સમજાઈ ગઈ. તેણે કહ્યું : હવે હું કોઈ દિવસ કોઈનું કંઈ જ નહીં ખાઉં! મહેનત કરીને જે મળશે તે જ ખાઈશ. આ સાંભળી મધમાખીઓએ શિયાળભાઈને છોડી મૂક્યાં!
લુચ્ચાં શિયાળનો ત્રાસ બંધ થયો ને સૌ પશુ-પક્ષીઓ જંગલમાં આનંદથી રહેવાં લાગ્યાં.