જંગલ રાજ

- રાજા સિંહે સભા બોલાવીને કહ્યું, 'આપણે મોટી ભૂલ કરી છે. પક્ષીઓ વિના આપણું જંગલ અધૂરું છે. આપણે તેમના પર જોહુકમી નહોતી ચલાવવી જોઈતી.' હાથીએ કહ્યું, 'સાચી વાત છે રાજાજી, આપણે તેમની પાસે ક્ષમા માગવી જોઈએ.'
- દીપક જગતાપ
એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં કોયલ, મોર, કબૂતર, ચકલી, પોપટ અને ગૌરૈયા સહિત અનેક પક્ષીઓ સંપથી રહેતાં હતાં. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જંગલના કદાવર પ્રાણીઓ આ નિર્દોષ પક્ષીઓને ખૂબ હેરાનથપરેશાન કરી રહ્યાં હતાં.
જંગલનો રાજા સિંહ હંમેશાં પક્ષીઓના ટોળાંને વિખેરી નાખતો. હાથીઓ વૃક્ષો હચમચાવીને પક્ષીઓનાં માળારૂપી ઘરો તોડી પાડતા. વાઘ અને ચિત્તો પક્ષીઓનો શિકાર કરવા તેમની પાછળ દોડતા. નાનાં પંખીઓ સતત ભયના ઓથાર હેઠળ છુપાઈને રહેવા લાગ્યાં. આ ત્રાસને કારણે કોયલે ગાવાનું છોડી દીધું, મોરે થનગનવાનું બંધ કર્યું અને ચકલીઓનો ચીંથચીં કલરવ પણ શાંત થઈ ગયો.
એક દિવસ પોપટે હિંમતપૂર્વક કહ્યું, 'સાથીઓ, આમ મૂંગા મોઢે અન્યાય સહન કરવાથી કંઈ નહીં વળે. આપણે આનો કોઈ કાયમી ઉપાય શોધવો પડશે.'
બીજે દિવસે વહેલી સવારે બધાં પક્ષીઓ એક વિશાળ વડલાની ડાળીઓ પર એકઠાં થયાં. પોપટે સભા શરૂ કરતાં કહ્યું, 'મિત્રો, જંગલનાં પ્રાણીઓ આપણને કેટલાં હેરાન કરે છે તે આપણે જાણીએ છીએ. હવે આપણે શું કરી શકીએ?'
કોયલે હતાશ થઈને કહ્યું, 'આપણે આ જંગલ છોડીને બીજે ક્યાંય ચાલ્યાં જઈએ.'
ચકલીએ દ્રઢતાથી વિરોધ કર્યાે, 'ના, આપણું વતન આપણે શા માટે છોડવું? આપણે આ જંગલમાં જ રહીશું, પણ અહંકારી પ્રાણીઓને સબક શીખવીશું!'
મોરે પણ સમર્થન આપ્યું, 'ચકલીની વાત સાચી છે. આપણે સૌએ સાથે મળીને પ્રાણીઓને એ અહેસાસ કરાવવો પડશે કે પક્ષીઓ પણ આ જંગલનો જ અવિભાજ્ય હિસ્સો છે.'
બધાં પંખીઓએ એકસૂરે નિર્ણય કર્યાે કે તેઓ પ્રાણીઓને પાઠ જરૂર ભણાવશે, પરંતુ તેમાં હિંસાનો કોઈ આશરો નહીં લેવાયત માત્ર બુદ્ધિ અને અહિંસક એકતાથી જ કામ લેવાશે.
તેમણે એક અનોખી યોજના બનાવીથ કોયલ અને અન્ય ગાયક પક્ષીઓએ સવારે મધુર ગીતો ગાવાનું બંધ કરી દીધું - ચકલીઓએ પ્રાણીઓના ખોરાકવાળી જગ્યાઓ પરથી બીજ અને ચણ દૂર કરી નાખ્યાં, મોર અને પોપટે પ્રાણીઓને સતત સાવચેત કરતા તીણા અવાજો કરવાનું બંધ કર્યું, અને કબૂતરોએ સૂકાં પાંદડાં તથા કાંકરીઓ પ્રાણીઓના રહેઠાણ તરફ ખંખેરવાનું શરૂ કર્યું.
બીજા જ દિવસે જંગલમાં એક અજીબ સન્નાટો જોવા મળ્યો. કોયલની કૂહૂ-કૂહૂ નહોતી, મોરનાં ટહુકા નહોતા કે ચકલીઓનો મીઠો કલરવ નહોતો. પક્ષીઓના અવાજથી સદા ધમધમતું જંગલ આજે સાવ સૂમસામ બની ગયું હતું. આ ભયાનક શાંતિ જોઈ પ્રાણીઓ અંદરોઅંદર મૂંઝાયાં.
સિંહરાજાએ ગંભીર થઈને પૂછયું, 'આ જંગલને શું થઈ ગયું છે? કોયલ કેમ ગાતી નથી? મોર કેમ ટહૂકતો નથી?'
હાથીએ માથું હલાવતાં કહ્યું, 'મહારાજ, લાગે છે કે પક્ષીઓ આપણાથી નારાજ થઈ
ગયાં છે.'
વાઘે સ્વીકાર કર્યાે, 'આપણે એમનાં માળા તોડયાં અને એમને સતાવ્યાં, તેથી જ કદાચ તેઓ આપણને પોતાની કિંમત સમજાવી રહ્યાં છે.'
થોડા જ દિવસોમાં સમગ્ર પ્રાણીજગતને સમજાઈ ગયું કે પક્ષીઓના મધુર અવાજ અને કલરવ વિના જંગલનું અસ્તિત્વ સાવ નીરસ અને ઉદાસીન બની ગયું છે. આ શાંતિમાં કોઈ આનંદ નહોતો, માત્ર ગમગીની હતી.
રાજા સિંહે સભા બોલાવીને કહ્યું, 'આપણે મોટી ભૂલ કરી છે. પક્ષીઓ વિના આપણું જંગલ અધૂરું છે. આપણે તેમના પર જોહુકમી નહોતી ચલાવવી જોઈતી.'
હાથીએ કહ્યું, 'સાચી વાત છે રાજાજી, આપણે તેમની પાસે ક્ષમા માગવી જોઈએ.'
બીજે દિવસે સિંહરાજા તમામ પ્રાણીઓને લઈને પક્ષીઓની સભા સમક્ષ પહોંચ્યા. સિંહે નમ્રતાપૂર્વક કહ્યું, 'પક્ષીમિત્રો, અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ અને ક્ષમા યાચીએ છીએ. હવેથી કોઈ પ્રાણી તમારા માળાને કે તમારા જીવનને નુકસાન નહીં પહોંચાડે.'
પોપટે આગળ આવીને કહ્યું, 'રાજાજી, અમારો હેતુ કોઈ વેરભાવ રાખવાનો નહોતો, માત્ર આપ સૌને પક્ષીઓનું મહત્ત્વ સમજાવવાનો હતો.'
પ્રાણીઓએ પોતાની ભૂલ સુધારી લીધી. એ દિવસથી જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ વચ્ચે પરસ્પર સન્માન અને સહકારનો નવો અધ્યાય શરૂ થયો. કોયલે ફરી મધુર તાન છેડી, મોરે કળા કરી અને ચકલીઓનો મીઠો કલબલાટ ગૂંજી ઊઠયો. આખું જંગલ ફરીથી હરિયાળું અને જીવંત બની ગયું.
બોધ
પ્રકૃતિ કે સમાજમાં કોઈ એક વર્ગની જોહુકમી લાંબો સમય ચાલી શકતી નથી. હિંસા વગર, પરસ્પર સમજણ, એકતા અને બુદ્ધિમત્તાથી કામ લેવાથી મોટામાં મોટી સમસ્યાનો પણ કાયમી અને સુંદર ઉકેલ લાવી શકાય છે.




