હાથીભાઈ રીક્ષાવાળા

- હાથીભાઈએ વિચાર્યું કે નવરા બેસી રહેવું અને બધાં પશુ-પંખીઓનાં ટોણા સાંભળવા તેનાં કરતાં લાવને એક રિક્ષા લઈ લઉં! આખો દિવસ જંગલમાં ફર્યા કરવાનું અને બે પૈસા પણ મળશે !
- મેહુલ સુતરિયા
એક વિશાળ જંગલમાં હાથીભાઈ રહેતા હતા. હાથીભાઈ આખો દિવસ નવરા જ બેઠા હોય. જંગલનાં બીજાં પશુ-પંખીઓ જયારે પણ હાથીભાઈને આમ નવરાં બેસેલા જુએ કે તરત કહે,'હાથીભાઈ, તમારે જલસા છે. હેય…ને આખો દિવસ બેસી રહેવાનું!'
હાથીભાઈ તો રોજ આવા ટોણા સાંભળીને કંટાળ્યા. તેમણે વિચાર્યું કે નવરા બેસી રહેવું અને બધાં પશુ-પંખીઓનાં ટોણા સાંભળવા તેનાં કરતાં લાવને એક રિક્ષા લઈ લઉં! આખો દિવસ જંગલમાં ફર્યા કરવાનું અને બે પૈસા પણ મળશે !
હાથીભાઈ તો બીજા જ દિવસે બાજુના શહેરમાં જઈને નવી રિક્ષા લઈ આવ્યાં. હાથીભાઈ તો રિક્ષા લઈને જંગલમાં નીકળે અને ગાતાં જાય-
'રિક્ષાની તમે કરો સવારી,
જુઓ કેટલી મસ્ત-મજાની,
રિક્ષા મારી સરરર…જાય,
સૌને મોજ કરાવતી જાય!'
જંગલના બધાં પશુ-પંખીઓને પણ મજા પડી ગઈ. હવે ક્યાંય પણ જવું હોય હાથીભાઈની રિક્ષા તૈયાર જ હોય.
એક દિવસ હાથીભાઈ રિક્ષા લઈને નીકળ્યા. હાથીભાઈ તો પોતાની મોજમાં ખૂબ તેજ ગતિએ રિક્ષા ચલાવી રહ્યા હતા. તેઓ રિક્ષા ચલાવવામાં એટલા તો મશગૂલ હતાં કે જંગલમાં આવેલા ચાર રસ્તા પરના સિગ્નલની લાલ લાઈટ પણ તેમણે જોઈ નહીં.
ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ જિરાફભાઈ ઊભા જ હતા. તેમણે તરત જ સીટી વગાડીને હાથીભાઈને રિક્ષા બાજુમાં લેવા કહ્યું. હાથીભાઈ તો ગભરાઈ ગયાં.
જિરાફભાઈ બોલ્યાં,'હાથીભાઈ, લાવો તમારું લાયસન્સ બતાવો.'
હાથીભાઈ તો મુશ્કેલીમાં પડી ગયાં, કારણકે તેમને તો ખબર જ નહોતી કે રિક્ષા ચલાવવા લાયસન્સ લેવું પડે!
હાથીભાઈ બોલ્યાં, 'સાહેબ, લાયસન્સ તો મારી પાસે નથી. મને માફ કરી દો.'
જિરાફભાઈ ગુસ્સે થતાં બોલ્યા,'શું કહો છો, હાથીભાઈ? એક તો ફુલ સ્પીડમાં રિક્ષા ચલાવીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો અને કહો છો કે લાયસન્સ નથી! તમને દંડ અને સજા પણ થશે અને તમારી રિક્ષા પણ જપ્ત થશે.'
હાથીભાઈ તો બિચારા રડવા જેવા થઈ ગયાં. રડમસ ચહેરે તેમણે જિરાફભાઈને વિનંતી કરી, 'હવેથી હું આવી ભૂલ નહીં કરું અને લાયસન્સ વગર રિક્ષા નહીં ચલાવું.'
હાથીભાઈની રિક્ષામાં બેસેલાં જંગલના પશુ-પંખીઓ પણ બહાર આવી ગયાં અને જિરાફભાઈને આજીજી કરવા લાગ્યાં.
જિરાફભાઈએ જોયું કે હાથીભાઈને ખરેખર પસ્તાવો થયો છે. તેમણે હાથીભાઈને કહ્યું, 'હાથીભાઈ તમારી આ પહેલી ભૂલ છે એટલે હું તમને જવા દઉં છું, પણ તમે નિયમ તોડયા છે એટલે તમારે દંડ તો ભરવો જ પડશે.'
હાથીભાઈના તો જીવમાં જીવ આવ્યો. તે બોલ્યા, ' હા, હા, સાહેબ હું અત્યારે જ દંડ ભરી દઉં છું.'
જિરાફભાઈએ ચેતવણી આપીને હાથીભાઈને જવા દીધાં.
હાથીભાઈની સાથે બીજા પશુ-પંખીઓ પણ રિક્ષામાં બેઠાં અને ગાવા લાગ્યાં-
'ટ્રાફિકના નિયમોનો જો કરશો ભંગ, તો ભરવો પડશે મોટો દંડ!'




