છેતરાય શિવજી : બચાવે ગણેશજી !!
શિવજીએ એવી જ એક ભૂલ કરી હતી. રાવણ અને કુબેર બંન્ને ભાઈ હતા. ભલે સાવકા રહ્યા પણ ભાઈ તો ખરા જ. લંકા પર પહેલો અધિકાર કુબેરનો હતો. કેમકે તે મોટો હતો. પણ રાવણે છળ-કપટ અને યુક્તિ પ્રયુક્તિથી તેને ભગાડી મૂક્યો.
કુબેરને પહેલેથી જ સોનાનો શોખ હતો. આખી લંકાને તેણે જ સોનાની બનાવી હતી. કુબેરને ભગાડયા પછી સોનેરી કામ ચાલુ રાખ્યું. લંકા સોનાની કહેવાયેલી જ રહી.
કુબેરને ય સોનાનો લોભ હતો જ. તેણે હિમાલય પર જઈને કૈલાસ નગરી સોનાની બનાવી દીધી. અરે હિમાલયની આખી પહાડી સોનાથી ઝળહળાવી દીધી.
કુબેર જ્યારે શિવશંકરને મળવા જાય ત્યારે સુવર્ણની કોઈક કળાકૃતિ અવશ્ય લઈ જાય. એક વખત કુબેર ભંડારીએ શિવજીને 'સોનાના શિવજી'ની ભેટ આપી. એવી સરસ શિવશંકરની સોનાની મૂર્તિ કે તેની જોડ બ્રહ્માંડમાંય ક્યાંય ન મળે. પણ કુબેર ભક્તે ભગવાન શિવ સાથે શરત કરી કે,' ભગવાન ! આ અસભ્ય મૂર્તિ છે. કોઈને આપશો નહિ. પેલાં રાવણિયાને તો નહિ જ નહિ.'
રાવણે વારંવાર શિવજીને છેતર્યા હતા. તો પણ ફરી ફરીને તે તપસ્યા કરતો અને વારંવાર ભગવાન શિવ તેને વરદાન આપતાં. આ ભૂલ કે ભોળપણ કે ઉદારતા શિવશંકરને આ વખતે ભારે પડી ગઈ.
આ વખતે રાવણે ઘોર તપસ્યા કરી.
અગાઉની છેતરપિંડીની માફી માગી. હવે એવું નહિ કરૂ' ની પ્રતિજ્ઞા લીધી, કાન પકડીને અને કહ્યું :' ભગવાન આ વખતે તમારે મને ભેટ આપવી હોય તો પેલી સુવર્ણ- પ્રતિમા જ આપો.'
ભૂલ ઉપર ભૂલ ઉપર ભૂલ અને ભલાઈ કરનારા શિવશંકરે તો એ પ્રતિબંધિત શિવમૂર્તિ રાવણને આપી દીધી. સાથે તાકિદ કરી :' તારે ચાલતાં જ જવાનું હાથમાંથી એ મૂર્તિ કદાપી નીચે મૂકવાની નહિ. માર્ગમાં જેટલી નદી આવે તેટલી નદીઓમાં સ્નાન કરવાનું. જો સુવર્ણમૂર્તિ હેઠે મૂકી છે તો...
રાવણ કહે : નહિ મૂકું રે નહિ જ મુકું. વિશ્વાસ રાખો મારી ઉપર.'
સુવર્ણ શિવજી લઈને તે નીકળ્યો. આજે તે બહુ જ ખુશ હતો. કુબેરને હરાવ્યો, શિવજીને હરાવ્યા અમર પ્રતિમા પ્રાપ્ત કરી.'
તે ચાલ્યો ચાલ્યો ચાલ્યો. તેણે દક્ષિણ સુધી કોઈ ભૂલ ન કરી. પણ તે થાક્યો. હવે મૂર્તિ ભારે લાગવા માંડી. ચલાતું ય ન હતું.
એક સરિતા આવી. આ મૂર્તિ કોઈને અધ્ધર રાખવા આપું, તો સ્નાન કરી શકું.
દેખાયો એક રૂષ્ટપુષ્ટ બાળક વિનંતી કરી તે કિશોરને કહ્યું : 'વત્સ, આ અમર મૂર્તિ છે. ધરતી પર મૂક્તો નહિ. હું સ્નાન કરીને આવું એટલી વાર ઝાલી રાખ.'
બ્રહ્મભટ કહે : 'ભલે'
પણ જેવો રાવણ નદીમાં તાજોમાજો થવા ગયો કે એ કિશોર ભાગ્યો. એ તો છદ્મવેશમાં ગણેશકુમાર જ હતા.
ભારે દોડાદોડી જામી. પણ થાકેલો રાવણ ગણેશ કુમારને પકડી શક્યો નહિ. ગણેશે ભાગમ દોડ મચાવી. બેટમજી પહોંચ્યા પિતાજી પાસે. સુવર્ણમૂર્તિ શિવજીને સમર્પિત કરીને કહ્યું : 'પરમપ્રિય પિતાજી, વરદાન કે ભેટ આપો તો જોઈને આપો. નહિ તો આખી સૃષ્ટિ આ રાવણિયાઓથી અમર થઈ જશે. સાચવો સંભાળો સાવધ રહો.'
- હરીશ નાયક