વાવાઝોડાના સાયક્લોન, હરિકેન વગેરે નામ કેવી રીતે પડયા?
- મેઘાડંબર સાથેની આંધીને સ્પેનિશ ભાષામાં 'ત્રોનાદા' કહે છે. તે ગણતરીની મિનિટોમાં વ્યાપક નુકસાન કરનાર ચક્રવાત છે તેનું નામ ટોર્નેડો પડયું.
વ રસાદ અને પવનના તોફાનને વાવાઝોડુ કહેવાય છે. વંટોળિયાને ચક્રવાત. આ સામાન્ય નામ છે પરંતુ વિજ્ઞાાનીઓએ વાવાઝોડાના ઉદ્ભવ, અસર અને તીવ્રતાના આધારે વિવિધ નામ પડયા છે.
રેડ ઈન્ડિયન લોકો તોફાનના દેવને હુર્રકન કહેતા. તેનો અર્થ વિરાટ પવન હતો. સ્પેનના લોકોએ પવનના તોફાનને હરિકેન નામ આપ્યું. ચીનમાં તાઈફુંગ એટલે ટકરાતો પવન તેથી તેણે કુદરતી તોફાનને ટાયફૂન નામ આપ્યું.
મેઘાડંબર સાથેની આંધીને સ્પેનિશ ભાષામાં 'ત્રોનાદા' કહે છે. તે ગણતરીની મિનિટોમાં વ્યાપક નુકસાન કરનાર ચક્રવાત છે તેનું નામ ટોર્નેડો પડયું. ટોર્નેડો ચક્રાકાર ફરતી હવાનો ૫૦ મીટર વ્યાસનો સ્તંભ બનાવે છે. તેમાં હવાની ગતિ માપવાના સાધનો પણ ઊડી જાય છે. અમેરિકામાં ટેક્સાસથી કેનેડા સુધીનો ભૌગોલિક પટ્ટો ટોર્નેડો ગ્રસ્ત છે. જ્યાં ગમે ત્યારે ગમે તે ઋતુમાં અચાનક ટોર્નેડોનુ તોફાન થાય છે.
ચક્રાકાર ફરતા વંટોળિયાનું સાયક્લોન વૈજ્ઞાાનિક નામ છે. તેની તીવ્રતા પ્રમાણે ટ્રોપિકલ સાયક્લોન, પોલર સાયક્લોન, મેસોસાયક્લોન તેવા નામ છે. ટોર્નેડોને અમેરિકામાં ટ્વિસ્ટર પણ કહે છે.
તોફાનના બીજા નામ પણ જાણવા જેવા છે. ૧૦ મીટર પહોળા અને હજાર મીટર ઊંચા ઓછી તીવ્રતાના વંટોળ ધૂળને ઘૂમરી લઈને ઉપર ફંગોળે છે તેને ડસ્ટડેવિલ કહે છે.
સમુદ્ર કાંઠે વંટોળિયામાં પાણી પણ ઊંચે ચઢે છે તેને વોટર સ્પાઉટ કહે છે.
જંગલામાં દાવાનળ ફાટી નીકળે ત્યારે ગરમ થયેલી હવા પણ ચક્રવાત સર્જે છે. આ ચક્રવાતમાં સળગતા અંગારા અને રાખ ચક્રાકાર ફરતી ઉપર ચઢે છે. તેને ફાયર ટોર્નેડો કે ફાયરનાડો કહે છે.