ગટુ અને દરિયાભાઇ .
- 'કાલે મારા ઘરે બધા દોસ્તો આવશે. કેક કાપીશું. ડાન્સ કરીશું. ખૂબ મસ્તી ને મોજ કરીશું! દરિયાભાઇ, આ પાર્ટીમાં તમારે પણ ખાસ આવવાનું છે!'
કિરીટ ગોસ્વામી
ના નકડો ગટુ રજાઓમાં દરિયાભાઇને મળવા ગયો. આવડા મોટા દરિયાભાઇને જોઈને એ તો રાજીના રેડ થઈ ગયો! ઘડીકવાર તો એ દરિયાભાઇની સામે એકીનજરે જોઇ જ રહ્યો! પછી હરખભેર ગાવા લાગ્યો-
'મોટા-મોટા દરિયાભાઇ!
જાડા-જાડા દરિયાભાઇ!
તોફાની છે થોડા-થોડા...
થોડા ગાંડા દરિયાભાઇ!'
આ સાંભળીને દરિયાભાઇ હસી પડયા! એક નાનકડું મોજું મોકલીને એમણે ગટુ સાથે દોસ્તી કરવા હાથ લંબાવ્યો અને બોલ્યા- 'ગટુ, ચાલો, આપણે આજથી દોસ્ત બનીએ!'
દરિયાભાઇનાં મોજાંને હાથ અડાડતાં ગટુ બોલ્યો- 'હા,હા, દરિયાભાઇ, ડન! ચાલો! આજથી આપણે બન્ને દોસ્ત!'
ગટુ અને દરિયાભાઇની તો મજાની દોસ્તી થઇ ગઇ. પછી તો જ્યારે પણ રજા હોય ત્યારે ગટુ દરિયાભાઇ પાસે જ ચાલ્યો જાય.
દરિયાભાઇની પાસે રેતીમાં રમવાનું, એમાં ઘર બનાવવાનું કે ચિત્રો દોરવાનું તેને ખૂબ ગમે! દરિયાભાઇ રાજી થઇને ગટુને મસ્ત કોડી આપે, શંખલા અને છીપલાં પણ આપે! ગટુ તો દરિયાભાઇએ આપેલી આ બધી ગિફ્ટ જીવની જેમ સાચવીને રાખે!
ક્યારેક દરિયાભાઇ પાસે બેસીને ગટુ પોતાનું હોમવર્ક પણ કરે અને ક્યારેક સ્પેલિંગ પણ પાક્કા કરે. ક્યારેક દરિયાભાઇની સામે કલાકો સુધી ચૂપ બેસીને પાણીને જોયા કરે! તો ક્યારેક દરિયાભાઇને દોસ્તીનું ગીત પણ સંભળાવે..
'રેતીમાં કાર્ટૂન બનાવું, દરિયાભાઇ...
તમને ચાલો,ખૂબ હસાવું, દરિયાભાઇ!
બોલો, તમને શું ભાવે છે? દરિયાભાઇ!
ઊંઘ કદી તમને આવે છે? દરિયાભાઇ!
કોણ તમારાં મમ્મી- પપ્પા? દરિયાભાઇ!
પવનની સાથે મારો ગપ્પાં? દરિયાભાઇ!
વાદળનાં શું સગ્ગા થાઓ? દરિયાભાઇ!
મામાને ઘર, તમેય જાઓ? દરિયાભાઇ!
મોજાં સાથે હાથ મિલાવું, દરિયાભાઇ!
દોસ્ત થવા, હું દોડી આવું, દરિયાભાઇ!'
દરિયાભાઇને ગટુનું આ મીઠું ગીત, એના અટપટા સવાલો અને કાલીઘેલી વાતો બધું ખૂબ જ ગમે! ગટુનું આ ગીત સાંભળીને દરિયાભાઇ ઘૂ... ઘૂ... કરીને પોતાનો રાજીપો દર્શાવે. દરિયાભાઇ ખુશ તો ગટુ ખુશ! ને ગટુ ખુશ તો દરિયાભાઇ પણ ખૂબ ખુશ!
એક સવારે ગટુ દરિયાભાઇને મળવા ગયો ત્યારે ખૂબ આનંદમાં હતો. દરિયાભાઇએ તેને પૂછયું- 'શું વાત છે, ગટુ? આજે તો બહુ આનંદમાં છે ને કાંઈ! કોઈ ખાસ વાત?'
'હા, દરિયાભાઇ! હું ખૂબ જ ખુશ છું આજે! કારણ કે આવતીકાલે મારો બર્થ ડે છે!' ગટુએ જવાબ આપ્યો.
દરિયાભાઇ પણ ગટુની આ વાત સાંભળીને આનંદમાં આવી ગયા અને બોલ્યા- 'વાહ! હેપ્પી બર્થ ડે, એડવાન્સમાં જ!'
ગટુ બોલ્યો, 'થેન્ક યુ! પણ એમ આજે માત્ર વિશ કરી દેવાથી નહીં ચાલે, દરિયાભાઇ! કાલે તો મારા ઘરે પાર્ટી રાખી છે. મારા બધા દોસ્તો આવશે. કેક કાપીશું. ડાન્સ કરીશું. ખૂબ મસ્તી ને મોજ કરીશું! આ પાર્ટીમાં તમારે પણ ખાસ આવવાનું છે!'
ગટુની આ વાતનો દરિયાભાઇએ કોઈ જવાબ ન આપ્યો. ગટુએ ફરીથી કહ્યું- 'તમારે મારી બર્થડે પાર્ટીમાં આવવું જ પડશે, દરિયાભાઇ! આવશોને, યાર?'
'હું ત્યાં ન આવી શકું, યાર!' દરિયાભાઇ બોલ્યા.
આ સાંભળીને ગટુનું મોઢું પડી ગયું. તેને ગુસ્સો પણ આવ્યો. તે બોલ્યો- 'કેમ ન આવી શકો? મારા બધા દોસ્તો આવશે અને તમે ન આવો તો પાર્ટી અધૂરી રહેશે! મને જરાય મજા નહીં આવે!'
'પણ હું તારે ઘેર ન આવી શકું, ગટુ!' દરિયાભાઇએ એટલું કહ્યું ત્યાં તો ગટુ ધૂંધવાઇ ઉઠયો. રીસ ચડાવીને તે બોલ્યો- 'તમે મારા દોસ્ત જ નથી! હું જાઉં છું!' એટલું કહીને ગટુ ત્યાંથી ઘેર ચાલ્યો ગયો.
સાંજ પડી. ગટુનો ગુસ્સો થોડો ઠંડો પડયો. તેને થયું- 'હું દરિયાભાઇને ગુસ્સામાં જેમ તેમ બોલીને આવતો રહ્યો એ સારી વાત ન કહેવાય! એ મારા દોસ્ત છે! મારે એમને બર્થડે પાર્ટીમાં આવવા માટે રિકવેસ્ટ કરવી જોઈએ! હા, મારા દોસ્ત દરિયાભાઇને હું ગમે તેમ કરીને કાલે પાર્ટીમાં લાવીશ જ!'
મનોમન નિર્ધાર કરીને ગટુ સાંજે પાછો દરિયાભાઇ પાસે ગયો. રેતીમાં બેસીને તે બોલ્યો- 'યાર, દરિયાભાઇ! સવારે મેં નાહક જ તમારા પર ગુસ્સો કર્યો અને ગુસ્સામાં તમને ગમે તેમ બોલી ગયો એ માટે સારી! તમારા વિના મને ન ચાલે! તમે આવોને, પ્લીઝ... કાલે મારી બર્થડે પાર્ટીમાંં! પ્લીઝ, દરિયાભાઇ!'
દરિયાભાઇ ઘૂ... ઘૂ... કરીને હસતા રહ્યા.
ગટુએ કહ્યું- 'તમે મારા દોસ્ત બનીને મને મારા ખાસ દિવસ પર આવવાની 'ના' કેમ પાડો છો? તમારા વિના મને પાર્ટી કરવાનું જરાય મન જ નથી થતું! તમે મારા-'
ગટુ આગળ કંઈ બોલે એ પહેલાં જ દરિયાભાઇ બોલ્યા- 'હા, હું તારો દોસ્ત છું! પાક્કો દોસ્ત! તારી વાત, તારી લાગણી હું સમજું છું, યાર! પણ હું કયારેય કયાંય જઇ ન શકું!'
ગટુનું મોઢું ફરીથી પડી ગયું. તે હવે સાવ નિરાશ થઇ ગયો.
દરિયાભાઇ બોલ્યા- 'પણ તું નિરાશ શા માટે થાય છે? તારે તારી બર્થડે પાર્ટીમાં મારી હાજરી જોઈએ છેને?'
'હા, દરિયાભાઇ! તમારી હાજરી વિના પાર્ટી, પાર્ટી જ ન કહેવાય!' ગટુએ કહ્યું.
દરિયાભાઇ બોલ્યા- 'તો એક કામ કર!' 'શું? બોલોને!' ગટુએ પૂછયું.
દરિયાભાઇએ જવાબ આપ્યો- 'તું તારા બીજા બધા દોસ્તોને લઇને અહીં, મારી પાસે આવી જાજેને! મારાથી ત્યાં ન આવી શકાય, પણ તું તો અહીં આવી જ શકે ને!'
'હા,દરિયાભાઇ!' ગટુની આંખોમાં ચમક આવી.
દરિયાભાઇએ કહ્યું- 'તો પછી કાલે તારી બર્થડે અહીં જ ઉજવીએ! ડન?'
'ડન..ડન..! દરિયાભાઇ! એમ જ કરીશું! હું રીસ અને ગુસ્સામાં આ વાત ભૂલી જ ગયો હતો કે તમે ન આવી શકો પણ મારાથી તો અહીં આવીને પાર્ટી થઈ જ શકેને!'ગટુએ હરખભેર કહ્યું.
દરિયાભાઇ બોલ્યા- 'તું ભૂલી ગયો તો મેં યાદ કરાવી દીધું! દોસ્ત-દોસ્તમાં તો આવું ચાલ્યા કરે!'
દરિયાભાઇની વાત સાંભળીને ગટુ હસી પડયો. તે પાછો આનંદમાં આવી ગયો. બીજા દિવસે દરિયાભાઇ પાસે બધા દોસ્તોની હાજરીમાં ગટુએ પોતાનો બર્થડે મનાવ્યો. કેક કપાઈ. કેકનો પહેલો પીસ ગટુએ હરખે-હરખે દરિયાભાઇને ખવડાવ્યો! પછી બધાએ ખૂબ મસ્તી અને મજા કરી! ડાન્સ કર્યો! સૌથી ઝાઝો ડાન્સ દરિયાભાઇએ કર્યોે! મોજે-મોજાંના ઘુઘવાટમાંથી અવાજ આવતો હતો- 'હેપ્પી બર્થ ડે,ગટુ!'
'થેન્ક યુ,દોસ્ત, દરિયાભાઇ!' ગટુની ખુશીનો કોઇ પાર ન રહ્યો!