
કમ્પ્યુટરની શોધ પછી તેના માઉસની શોધ પણ મહત્ત્વની છે. ક્લિક કરવા માટે વપરાતું આ સાધન નાના મોટા અનેક આકારમાં મળે છે. માઉસ જાણીતું છે. તેની રચના અને કામ પણ જાણીતાં છે. પરંતુ માઉસની પ્રથમ શોધ થઇ ત્યારે તે આજના જેવું નહોતું. ઈ.સ. ૧૯૬૭માં એન્જલબર્ટ નામના વિજ્ઞાાનીએ લાકડાના પૈડાંવાળુ માઉસ બનાવેલું. તેણે તેને 'એક્સ-વાય
પોઝિશન ઈન્ડિકેટર' એવું લાંબુ નામ આપ્યું. પાછળથી તે 'માઉસ'ના નામે ઓળખાય છે.
ડગ્લાસ એન્જલબર્ટનો જન્મ અમેરિકાના ઓરેગાંવ રાજ્યમાં ઈ.સ. ૧૯૨૫ના જાન્યુઆરીની ૩૦ તારીખે થયો હતો.
પોર્ટલેન્ડની શાળામાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી તે કમ્પ્યુટર ક્ષેત્રમાં જોડાયો હતો. તેણે અમેરિકન સેનામાં રડાર ટેકનિશિયન તરીકે બે વર્ષ સેવા આપ્યા પછી ઓરેગાંવમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરીંગનો અભ્યાસ શરૂ કર્યો. ૧૯૫૫માં બર્કલે યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી ત્યાં જ પ્રોફેસર તરીકે જોડાયા. થોડા સમય બાદ તેઓ અમેરિકાના સ્ટાન્ડર્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં સંશોધન કાર્યમાં જોડાયા. આ દરમિયાન તેણે માઉસની શોધ કરી.
એન્જલબર્ટે કમ્પ્યુટર ક્ષેત્રે ઘણી ક્રાંતિકારી શોધો કરેલી અને અનેક માનસન્માન તેમજ એવોર્ડ મેળવેલા. ઈ.સ. ૧૯૮૮માં તેમણે એન્જલબર્ટ ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરીને શિક્ષણકાર્ય શરૂ કર્યું હતું. આજે પણ આ સંસ્થા ક્મ્પ્યુટર ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ આપે છે. છેલ્લે તેઓ કેલિફોર્નિયાની સ્ટાનફોર્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં ઉચ્ચ હોદ્દા પર હતા. ૨૦૧૩ના જુલાઈની બીજી તારીખે તેમનું અવસાન થયું.


