ઊંટની આવડત .

- ગાયત્રી જાની
'મારી માફી માગવાની ન હોય. આપણે સૌ તો મિત્રો છીએ. ભગવાને આપણને સૌને કોઈક ને કોઈક આવડત આપેલી જ છે. મને ભગવાને શારીરિક સુંદરતા ભલે નથી આપી, પણ મને જે કંઈ આપ્યું છે તેનાથી મને ભારે સંતોષ છે.'
એક મોટું જંગલ હતું. જંગલમાં સૌ પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં, પણ જ્યારે પણ સૌ ભેગા થાય ત્યારે બધા ઊંટની મજાક મસ્તી કર્યા કરતા.
એક વખત હાથીએ કહ્યું, 'આપણે સૌ દર મહિને અલગ જગ્યાએ ફરવા જવાનું જવાનું રાખીએ.'
બધાને હાથીભાઈની વાત ગમી. સૌએ હા પાડી. તરત જીબ્રાએ પૂછ્યું, 'આપણે આવતા મહિને ક્યાં જવાના છે? એ કોઈ કહેશે મને?'
જીબ્રાનો સવાલ સાંભળીને હાથીભાઈ તરત બોલ્યા, 'હું તમને કેરળ લઈ જઈશ. ત્યાં ધાર્મિક ઉત્સવોમાં હાથીનું વિશેષ મહત્ત્વ હોય છે. તમને બધાને ત્યાં જોવાની અને જાણવાની મજા આવશે. હાથીઓને ત્યાં ઉત્સવોમાં હાર અને ઘંટડીઓથી શણગારવામાં આવે છે.'
હાથીભાઈની વાત સાંભળીને તો બધાં ઉત્તેજિત થઈને બૂમો પાડવા લાગ્યા, 'હા, હા અમારે પણ કેરળ જવું છે. ચાલો ચાલો, આપણે સૌ આ વખતે હાથીભાઈ સાથે કેરળ જ જઈએ.'
સૌ આ વાતે સહમત થઈ ગયા. બધા હાથીભાઈની સાથે ચાલવા લાગ્યા. ધીમે ધીમે કરતાં કેરળ આવી પહોંચ્યું. સૌ કેરળના જંગલમાં ખૂબ ફર્યા. પછી હાથીભાઈ બધાં પશુપક્ષીઓને ઉત્સવના સ્થળે લઈ ગયા. કેટલાય શણગારેલા હાથી એક કતારમાં ઊભા હતા. તેમને જોઈને પ્રાણીઓ ખુશ ખુશ થઈ ગયાં. ઉત્સવમાં તેમણે આનંદપૂર્વક ભાગ લીધો.
ઉત્સવ પૂરો થયો તે પછી સૌ ધીમે ધીમે પોતાના જંગલ તરફ ચાલવા લાગ્યાં. ચાલતાં ચાલતાં તેઓ એકબીજા સાથે વાતો કરતાં જાય કે આહા, કેરળ કેવી મજા આવી! હવે આવતા મહિને આપણે ક્યાં જઈશું?
સિંહ બોલ્યો, 'આવતા મહિને હું તમને ગીરના જંગલમાં લઈ જઈશ. ત્યાં મારા જેવા ઘણા સિંહ રહે છે. તમને જોવાની મજા આવશે. જેમ હાથીભાઈએ એમની જેવા બીજા કેટલાય હાથી બતાવ્યા એમ હું પણ તમને ગીરના જંગલમાં ઘણા બધા સિંહ દેખાડીશ.'
રીંછ અને સસલુ કહેવા લાગ્યાં, 'હાથીભાઈના ઝુંડને જોવાની તો અમને ખૂબ મજા આવી. સિંહભાઈ, હવે જોઈએ કે તમારી વાતમાં કેટલો દમ છે! જોઇએ કે અમને ગીરમાં કેરળ જેટલી મજા આવે છે કે નહીં!'
સસલાને પહેલેથી બધાને ખીજવવાની ખૂબ ટેવ. એ બધાને હેરાન કર્યા કરે.
આખો મહિનો જંગલમાં હાથીભાઈ અને કેરળની વાતો જ થતી રહી. તે વાતો ખૂટી ન હતી ત્યાં તો ફરી સિંહભાઈ સાથે જંગલની સવારી કરવાનો સમય આવી ગયો.
સિંહ બધાને લઈને ચાલતા થાય. ખૂબ બધું ચાલ્યા પછી ગીરનું જંગલ આવ્યું. ગીરના જંગલમાં તો ઘણાં બધાં પ્રાણીઓ જોવા મળ્યાં. ખાસ કરીને સિંહ, સિંહણ અને એમનાં બચ્ચાં. આટલાં બધાં સિંહો જોઈને રીંછ અને સસલા સહિત સૌ કોઈ આનંદિત થઈ ગયાં.
ગીરના જંગલમાં તો હરણ, સસલું, ઊંટ આ બધાંને પાકું ભોજન મળ્યું. જંગલમાં એક સરસ મજાનું તળાવ હતું. ત્યાં પેટ ભરીને પાણી પીવાની અને પછી નહાવાની બહુ જ મજા આવી.
પ્રાણીઓ પાછાં પોતાના જંગલ તરફ ચાલી નીકળ્યાં. સૌ ગીરના પ્રવાસની વાતો કરતા થાકતા નહોતાં. ચાલતાં પોતાનું જંગલ આવી ગયું. સૌ આરામ કરવા લાંબા થયાં, પણ સસલુ પાછું મસ્તી કરવાના મૂડમાં આવી ગયું. એ ઊંટની મશ્કરી કરવા લાગ્યું, 'ઊંટભાઈ, મને જુઓ. હું કેટલું સુંદર છું, રૂપાળું છું. આ રીછને જુઓ. નાનાં નાનાં બચ્ચાં તો એમને જોઈને ડરી જાય છે. કેવો એમનો રોફ! સિંહ ભાઈનો કેવો વટ પડે છે... પણ આખા જંગલમાં એક તમે જ એવા છો, જેનાં અઢારે અંગ વાંકાં છે. તમારી પાસે રૂપનો છાંટો નથી. તમારો ઉપયોગ તો માત્ર વજન ઊંચકવા માટે થાય છે.'
સસલાની આવી વાત સાંભળીને ઊંટને માઠું લાગી ગયું, પણ એ કશુંય બોલ્યું નહીં. એણે વિચાર્યુંઃ સસલાનું શું મનમાં લેવાનું! એ તો છે જ એવું. બધાને કંઈક ને કંઈક કહેવાની, બધાનો વાંક કાઢવાની એને ટેવ પડી ગઈ છે. એ બધાં કરતા નાનું છે કોઈ એને કંઈ કહેતું નથી. બધા ચુપ રહે છે એટલે ઊલટાનું એ વધારે મજાક કરે છે!
ઊંટભાઈ બધા પ્રાણીઓને બોલાવીને કહે, 'આવતા વખતે મારો વારો. હું તમને સૌને રણમાં લઈ જઈશ. ઊંટ લોકોનું ખરું ઘર તો રણ જ છેને! ત્યાં તમને મારા જેવાં કેટલાય ઊંટ જોવા મળશે.'
સૌ પ્રાણીઓ રાજી થઈ ગયાં. રણ જવા નીકળવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો. ત્યાં તો સસલું બોલ્યું, 'અરે, આ ઊંટના તો બધાં અંગ વાંકાં છે. એના જેવા બીજાં કદરુપા ઊંટોને જોવા શું જવાનું!'
રીંછ કહે, 'તો તું 'અમારી સાથે ન આવતો. બાકી અમે બધા તો જરુર રણ જોવા જઈશું.'
'ના, ના હું પણ તમારી સાથે જરૂર આવીશ,' સસલું બોલી ઉઠયું.
નક્કી કરેલો દિવસ આવી ગયો. સૌ પશુઓ એક જગ્યાએ ભેગાં થયાં અને ઊંટભાઈની સાથે રણ તરફ જવા ચાલી નીકળ્યાં. ઊંટભાઈ તો સૌની આગળ ચાલતા જાય ને અલકમલકની વાતો કરતા જાય.
ધીમે ધીમે રણ આવવાની શરૂઆત થઈ. રેતી ગરમ ગરમ હતી તેથી પ્રાણીઓને ચાલવામાં ખૂબ તકલીફ પડતી હતી, પણ સૌ પરાણે પરાણે ચાલતાં રહ્યાં. થોડુંક ચાલે અને ખૂબ તરસ લાગે, પણ પાણી ક્યાંય દેખાય જ નહીં! હજી તો ઘણો રસ્તો કાપવાનો બાકી હતો. સૌથી પહેલું સસલું જ થાકી ગયું. એ કહે, 'રીંછભાઈ હવે તો મારાથી ચલાતું નથી.'
'હું શું કરું? મને પણ થાક તો લાગ્યો જ છે. જો, આગળ જઈને બધાં બેસી ગયાં છે. ચાલ, આપણે તેમની પાસે પહોંચી જઈએ.'
રીંછ અને સસલુ બધાં પ્રાણીઓ પાસે ધીમે ધીમે ગયાં અને એક જગ્યાએ બેસી ગયાં. તેઓ કહે, 'ઊંટભાઈ, હવે અમારાથી આગળ વધી શકાય એમ નથી.'
ઊંટભાઈ કહે, 'કોઈ જ ચિંતા કરશો નહીં. તમે બધાં એક-એક કરીને મારી પીઠ ઉપર બેસી જાવ. હું તમને રણમાં ઊંડે સુધી લઈ જઈશ.'
બધાં ઊંટભાઈ પર સવાર થઈ ગયાં. ઊંટભાઈ સૌને ઊંચકીને ઝડપથી ચાલવા લાગ્યા. રણમાં અંદર સુધી જઈને એક જગ્યાએ તેઓ ઊભા રહ્યા. જઈને ઊભા રહે છે. બધાં નીચે ઉતર્યાં. જગ્યા ખરેખર સરસ હતી. કેટલાય ઊંટ અહીં ફરતા હતા. તે જોવાની બધાને ખૂબ મજા પડી ગઈ. સસલું તો ઉતરીને કહે છે, 'મને ખૂબ તરસ લાગી છે. ઊંટભાઈ, મને પાણી આપો.'
ઊંટે એને તરત પાણી આપ્યું.
સસલાએ પૂછ્યું, 'આ પાણી ક્યાંથી લાવ્યા?'
'મને ખબર હતી કે તું સૌથી નાનો છો એટલે થાકી જઈશ અને તને તરસ પણ ખૂબ લાગશે. રણમાં ક્યાંય પાણી મળશે નહીં એટલે મેં જંગલમાંથી જ પાણી મારી સાથે લઈ લીધું હતું.'
ઊંટભાઈની વાત સાંભળીને સસલાને પોતાની જાત પર શરમ આવી. એને પોતાની ભૂલ સમજાઈ. ઊંટભાઈ તો મારી કેટલી ચિંતા કરે છે અને કાળજી રાખે છે! હું તો માત્ર એનો દેખાવ જ જોતો રહ્યો, પણ એમનામાં આંતરિક સુંદરતા કેટલી ઠાંસોઠાસ ભરી છે!
પ્રાણીઓ ઊંટભાઈને કહેવા લાગ્યાં, 'સસલાની જેમ અમે પણ ક્યારેક તમારી મજાક કરતા હતા. આજે તમે અમને સૌને પીઠ ઉપર બેસાડીને લાવ્યા એટલે અમે અહીં પહોંચી શક્યા. અમને માફ કરશો.'
ઊંટભાઈ કહે, 'મારી માફી માગવાની ન હોય. આપણે સૌ તો મિત્રો છીએ. ભગવાને આપણને સૌને કોઈક ને કોઈક આવડત આપેલી જ છે. મને ભગવાને શારીરિક સુંદરતા ભલે નથી આપી, પણ મને જે કંઈ આપ્યું છે તેનાથી મને ભારે સંતોષ છે.' ઊંટભાઈની વાત સાંભળીને સૌ ખૂબ રાજી થયા. ય

