બલ્લુનો બ્લૂ રંગ : દરેક ચિત્રમાં બ્લૂ રંગ તો હાજર હોય જ

- સરસર કરતાં આંસુ સરવા લાગ્યાં. એક આંસુ એના ચિત્ર પર પડયું. આંસુ બરાબર વરસાદનાં દોરેલા એક ટીપા પર જ પડયું. એ સાથે જ ચમત્કાર થયો!
એક હતો છોકરો. બલ્લુ એનું નામ. છેને, એને ચિત્ર દોરવાનો ઘણો શોખ હતો. ચિત્રમાં રંગ પૂરવાનું તો એને બહુ જ ગમે.
બલ્લુ દરરોજ અવનવાં ચિત્રો દોરે. એમાં મજાના રંગો પૂરે. બ્લૂ રંગ તો એનો સૌથી પ્રિય રંગ હતો. એના દરેક ચિત્રમાં બ્લૂ રંગ તો હાજર હોય જ.
આજે સવારથી જ બલ્લુને કુદરતી દૃશ્ય દોરવાનું મન થયું હતું. બલ્લુભાઈ તો બેસી ગયા કાગળ ને પેન્સિલ લઈ. કાગળમાં વાદળ દાર્યાં, વાદળમાંથી વરસતાં વરસાદના ટીપાં દોર્યા. એક સૂરજ દોર્યો. બે પહાડ દાર્યા. પાંચ વૃક્ષો દોર્યા. વૃક્ષો પર પક્ષીઓના માળા દોર્યા. માળામાં બેઠેલાં ત્રણ પક્ષી દોર્યા. ચાર પક્ષી ઝાડ પર બેઠેલાં દોર્યા. આઠ પક્ષી આકાશે ઊડતા દોર્યા. છ ઘર દોર્યા. એક નદી દોરી. નવ ગાય દોરી અને એક ગોવાળ દોર્યો. મજાનું ચિત્ર દોરાઈ ગયું.
પછી, બલ્લુ બજારમાંથી દસ સ્કેચપેન લઈ આવ્યો. ચિત્રમાં રંગ પૂરવા લાગ્યો. વાદળમાં સફેદ અને કાળો રંગ પૂર્યા. સૂરજને કેસરિયા રંગે રંગ્યો. પહાડ બદામી રંગના કર્યા. વૃક્ષોને લીલા અને થડને કથ્થઈ રંગના કર્યા. પછી, નદી અને આકાશમાં એનો ફેવરિટ બ્લૂ રંગ પૂરાવા લાગ્યો. નદી તો રંગાઈ ગઈ. પણ, આકાશમાં પૂરવા માટે ભૂરો રંગ ખૂટયો. બલ્લુનું ચિત્ર અધૂરું રહી ગયું. એને બહુ દુઃખ થયું. એની આંખમાં પાણી આવી ગયું. સરસર કરતાં આંસુ સરવા લાગ્યાં. એક આંસુ એના ચિત્ર પર પડયું. આંસુ બરાબર વરસાદનાં દોરેલા એક ટીપા પર જ પડયું. એ સાથે જ ચમત્કાર થયો!
દોરેલાં વાદળ વરસવા લાગ્યાં. સૂરજ અજવાળવા લાગ્યો. ઝાડવાં લીલેરા પાંદડે ઝૂમવા લાગ્યાં. પક્ષી ઊડવા લાગ્યાં. પહાડ મરક મરક હસતા હતા. જાણે કે એ સૌને પોતાની પીઠ પર રમવા બોલાવતા ન હોય! એવું લાગતું હતું કે ચિત્રમાં દોરેલી દુનિયા સાચુકલી બની ગઈ!
વરસાદ બંધ થઈ ગયો હતો, પણ ક્યાંક કયાંક ઝરમર ચાલું હતી. ઉગમણી દિશાએથી સૂરજનું અજવાળું વરસાદના બુંદમાંથી પસાર થયું. એ સાથે જ આથમણી દિશામાં એક મસમોટું મેઘધનુષ રચાયું.
મેઘધનુષના સાત રંગો જોયા જ કરવાનું મન થાય એવા મોહક હતા. એનો ભૂરો રંગ આખા આકાશમાં પથરાઈ ગયો. એ સાથે જ બલ્લુનું આકાશ ભૂરા રંગે રંગાઈ ગયું. એ રીતે બલ્લુનું અધૂરું ચિત્ર પૂરું થઈ ગયું. એ જોઈને બલ્લુ ખુશીથી નાચવા લાગ્યો.
'મેઘધનુષે રેલાવ્યા રંગ રે!
આકાશે માય ના ઉમંગ રે!'
બલ્લુના આનંદનો કોઈ પાર નહોતો. એને આમ આનંદથી નાચતો ગાતો જોઈ બધાં ખુશ થઈ ગયાં. સૂરજ, ઝાડવાં, પહાડ ને પક્ષીઓ પણ ગાવા લાગ્યાં-
'મેઘધનુષે રેલાવ્યા રંગ રે!
આકાશે માય ના ઉમંગ રે!'
પછી, બધાંએ મેઘધનુષનો આભાર માન્યો. મેઘધનુષે ખુશ થઈ બધાંને ભેટમાં એક પીંછી આપી. 'આ પીંછી કોઈ સામાન્ય પીંછી નથી. જે રંગનું નામ લઈ આ પીંછી ફેરવશો તે રંગ પીંછીમાંથી નીકળશે.' એટલું કહી મેઘધનુષ અદ્રશ્ય થઈ ગયું.
'હવે મારો ફેવરિટ રંગ ક્યારેય ખૂટશે નહી.' એમ કહી બલ્લુ ફરીથી ચિત્રો દોરવામાં મશગુલ થઈ ગયો.

