mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઘંટડીવાળું 'ભૂત' .

Updated: Sep 15th, 2023

ઘંટડીવાળું 'ભૂત'                 . 1 - image


- અંધશ્રદ્ધાળુ લોકોએ માની લીધું કે આ કામ તો ભૂતપ્રેતનું છે, જે લોકોને અને પ્રાણીઓને ઉપાડી જાય છે, એમને મારી નાંખે છે અને ઘંટ વગાડયા કરે છે!

સલીમભાઈ ચણાવાલા

રા મગઢ સુંદર મજાનું ગામ હતું. ગામની ચારે બાજુએ ઊંચા પહાડો હતા. ગામ તળેટીમાં વસેલું હતું. ગામમાં માનબા માતાનું સુંદર મંદિર હતું! અહીં બધા લોકોની બધી માનતા પૂરી થતી હતી. માતાજી બધાની મનોકામના પૂરી કરતાં.

બાજુના ગામમાં રાજા કનકસિંહનું રાજ હતું. રાજાજીને બધું જ સુખ હતું, પરંતુ એમને કોઈ સંતાન ન હતું. રાજ્યના લોકોએ રાજાજીને માનબા માતાની માનતા રાખવા ખૂબ જ આજીજી કરતાં રાજાજી માતાજીના મંદિરે પધાર્યા, અને માતાજીને ચરણે પડીને માનતા રાખી લીધી.

થોડા દિવસો પસાર થયા બાદ રાજા કનકસિંહને શુભ સમાચાર મળ્યા. થોડા મહિનાઓ બાદ રાણીજીએ સુંદર રાજકુમારને જન્મ આપ્યો. રાજાજી ખૂબ જ ખુશ થયા. તેમને માનબા માતાનો આભાર માન્યો. એમણે મનોમનમાં નક્કી કર્યું કે હું માતાજીને સુંદર ભેટ ચઢાવીશ. તેમણે રાજ્યના સુંદર કારીગરો બોલાવીને એક અદ્ભૂત સુંદર ઘંટ બનાવ્યો. જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાય એવો સુંદર ઘંટ મંદિરમાં દાનમાં તેમણે મોકલી આપ્યો.

એક દિવસની વાત છે. સુંદર ભગવાં વસ્ત્રો ધારણ કરીને ચોર મંદિરના પૂજારીજીને આખો દિવસ સારી સારી વાતો કરીને એમને ખુશ કરી દીધા અને કહ્યું, 'પૂજારીજી, રાત પડવા આવી છે. રાત્રે હું ક્યાં જઈશ? મને રાત્રે રોકાવા દેવાની મહેરબાની કરશોજી! સવાર થતાં જ હું અહીંથી ચાલ્યો જઈશ!'  ચોર રાત્રે જ આ સુંદર ઘંટ લઈને ગામની બહાર ચાલવા લાગ્યો. બાજુના ગામની પહેલાં વચ્ચે જંગલ આવતું હતું. આ જંગલ પસાર કરે તો જ બાજુના ગામમાં જવાય. ચોર ખૂબજ લાલચુ હતો! તે રાત્રે જ જંગલ પસાર કરવા તૈયાર થઈ ગયો. ખૂબ જ હિંમત કરીને એ જંગલમાં ઘૂસી ગયો. હજુ અધવચ્ચે પહોંચી ગયો હશે ત્યાં બાજુની ઝાડીમાંથી એકાએક વાઘ પ્રગટ થયો. એણે પૂજારીજીને ફાડી ખાધો. ચોરનો ઇરાદો બર ન આવ્યો. તે મૃત્યુને ભેટી ગયો. ચોરીનો ઘંટ ત્યાં જ પડી રહ્યો. 

સવારે ત્યાં વાંદરા ભાઈનું ટોળું આવી ચઢ્યું. તેમાંથી સૌથી વૃદ્ધ વાંદરાએ ઘંટને જોયો. એણે ઘંટ હાથમાં લઈને વગાડવા લાગ્યો! જેમ વગાડે તેમ તેનો અવાજ વધારે સારો વાગતો. આ વાંદરાઓનું ટોળું દરરોજ આવે ને આ ઘંટ જોરજોરથી વગાડે અને ખૂબ જ આનંદ ઉઠાવેય 

આ ઘંટનો અવાજ ગામના લોકોને સંભળાવા લાગ્યો. કેટલાક ગામલોકો ખૂબ જ બીકણ  હતા. તેમણે ગામમાં એવી અફવા ફેલાવી દીધી કે આ પર્વતોમાં કોઈ પ્રેત આત્મા આવી ગયો છે, અથવા તો ચોક્કસ કોઈ ભૂત છે, જે આ ઘંટ વગાડયા કરે છે. આ ભૂત આપણા જ ગામનાં પ્રાણીઓને ઉપાડી જાય છે અને તેમને મારી નાખે છે. એમને ખબર નહોતું કે આ પરાક્રમ તો જંગલના વાંદરાઓનું હતું. અંધશ્રદ્ધાળુ લોકોએ માની લીધું કે આ કામ તો ભૂતપ્રેતનું છે, જે લોકોને અને પ્રાણીઓને ઉપાડી જાય છે, એમને મારી નાંખે છે અને ઘંટ વગાડયા કરે છે!

આખા ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું! લોકો ગામ છોડીને જવા લાગ્યા. ગામના મુખીને ખૂબ જ ચિંતા થવા લાગી કે હવે ગામનું શું થશે? ત્યાં જ ગામનો એક નવજુવાન મુખી સામે આવ્યો અને બોલ્યો, 'મારું નામ વીર સિંહ છે. તમે ગામના બધા લોકોને સમજાવો કે તેઓ ગામ છોડીને ચાલ્યા ન જાય. કાલે સવારે હું એકલો પર્વત જઈને શું હકીકત છે જાણી લાવીશ.' 

બીજા દિવસે સવારે વીર સિંહ હાથમાં મોટી તલવાર લઈને જંગલ તરફ રવાના થયો. આખો દિવસ જંગલમાં રખડયો પણ કોઈ ભૂત જોવા મળ્યું નહીં! એ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા માટે સુઈ ગયો.  થોડીવારમાં જ ઘંટનો અવાજ સંભળાવા લાગ્યો. તે જાગીને થોડી હિમ્મત કરી એક ઝાડ ઉપર ચઢી ગયો. દૂર દૂર સુધી નજર નાખી. એણે જોયું કે વાંદરાઓનું ટોળું ઘંટ વગાડી રહ્યું હતું! ભૂત જેવું એને તો કઈ દેખાયું નહીં! 

વીર સિંહે બુદ્ધિ વાપરીને વાંદરાઓને ભગાડી દીધા અને ઘંટ પોતાની સાથે લઈ લીધો. ખુશ થતો થતો એ ઘંટ લઈને ગામ તરફ રવાના થયો. ગામમાં આવીને એણે તમામ લોકોને ભેગા કર્યા અને આખી હકીકત કહી સંભળાવી.  લોકોનો ડર દૂર કરી થઈ ગયો. સૌને નિરાંત થઈ ગઈ. ચોરાયેલા ઘંટને પાછો મંદિરમાં લગાવી દેવામાં આવ્યો. ગામમાં પાછો આનંદ આનંદ છવાઈ ગયો! 

Gujarat