મોટા કામમાં ઉપયોગી, નાનકડી પેનડ્રાઇવ

ડે ટા સંગ્રહ અને ટ્રાન્સફર કરવા માટે પેનડ્રાઇવ ઉપયોગી જાણીતું સાધન છે. નાનકડી પેનડ્રાઇવ પિત્તળની બે પટ્ટીની બનેલી હોય તેવું લાગે પણ તેના કામ ઘણા મોટા છે. કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં ઘણા બધા ફોટો, ગીતો વગેરેનો ડેટા સંગ્રહ થાય. રેમ પણ ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કરે પણ પેનડ્રાઇવ આ બધા કરતાં જુદી રીતે અને વધુ સરળતાથી કામ કરે છે. પેનડ્રાઇવ ફ્લેશ મેમરી આધારિત છે. તેને સોલિડ સ્ટેટ કહે છે. પેનડ્રાઇવ ઉપરાંત મેમરી કાર્ડ, ગેમ કોન્સોલ, ડિજિટલ કેમેરાના મેમરી કાર્ડ વગેરે પણ ફ્લેશ મેમરી છે.
ફ્લેશ મેમરી કેવી રીતે કામ કરે છે તે જાણો છો ? બબ્બે ટ્રાન્ઝિસ્ટરના કોલમની પટ્ટી વચ્ચે ઓક્સાઇડનું પાતળું આવરણ હોય છે. ટ્રાન્ઝિસ્ટરની ઉપલી લાઇનને ફ્લોટિંગ ગેટ અને નીચેની લાઇનને કન્ટ્રોલ ગેટ કહે છે. આ મેમરી કમ્પ્યુટર સાથે જોડાય ત્યારે તેમાં ૧૦ વોલ્ટનો વીજપ્રવાહ દાખલ થાય છે. ફ્લોટિંગ ગેટના ટ્રાન્ઝિસ્ટર ઇલેક્ટ્રોન ગનનું કામ કરે છે. સેલ સેન્સર પ્રવાહનું નિયંત્રણ કરે છે. ડેટા વીજપ્રવાહની વધઘટ સ્વરૂપે નોંધાય છે. ફ્લેશ મેમરીમાં વીજપ્રવાહ બંધ થયા પછી પણ તેમાં આવેલો ડેટા કાયમ રહે છે. પેનડ્રાઇવ ૪ જીબીથી માંડી ૬૪ જીબી કે તેનાથી ડેટા સંગ્રહ કરી શકે તેટલી ક્ષમતાની બને છે.

