app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

દુનિયાનો ઈતિહાસ યુદ્ધોથી ભરેલો છે

Updated: Apr 9th, 2022


- વિચાર વિહાર-યાસીન દલાલ

- ગાંધીજી વિશ્વમાનવ હતા. અહિંસા પરમો ધર્મ એ એમનું સૂત્ર હતું. એમની વિચારધારા આજે પણ સાંપ્રત છે. જો ખરેખર લોકો ગાંધીજીને અનુસરે તો દુનિયાનો ઉધ્ધાર થઇ જાય.  

- કેન્દ્રના ચાર મંત્રી એવા છે જેમની સામે ૬ વરસથી કેસ હત્યા અને બળાત્કાર જેવા કેસનો સમાવેશ થાય છે. છેલ્લાં બે વરસમાં આવા કિસ્સાઓમાં ૧૭% વધારો થયો છે. સંસદમાં ગુનેગાર હોય એવા સભ્યની ટકાવારી ૨૯% છે. આવા સભ્યો સામેના કેસ ચાલતા નથી

અત્યારે સંસદમાં ગુના કર્યા હોય એવા સભ્યોની ટકાવારી ૪૩% છે. ધારાસભાની વાત કરીએ તો ૨૯% છે. આવા સભ્યો ચૂંટણીમાં ચૂટાઈને સંસદ અથવા ધારાસભામાં પહોંચી જાય છે. તાજેતરમાં પાંચ રાજયોની ચૂંટણી થઈ એમાંથી ચાર રાજયોમાં ભાજપનો વિજય થયો અને પાંચમા પંજાબમાં આપને બહુમતી મળી. યુ.પી.માં યોગીના મંત્રીમંડળમાં પણ ગંભીર ગુના કર્યા હોય એવા મંત્રીઓની સંખ્યા ઠીકઠીક છે. એક સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી તો જણાયું કે ૪૫માંથી ૨૨ મંત્રીઓ સામે ગંભીર કેસ છે. આમ કેમ બન્યું હશે? જેમની સામે ગંભીર કેસ હોય એવા ઉમેદવાર પણ આજે ચૂંટાઈ જાય છે.

કેટલાક કિસ્સામાં તો ગંભીર ગુના હોય એ ઉમેદવારની લાયકાત બની જાય છે અને એવા ઉમેદવાર ચૂંટાઈ જાય છે. એક-બે નહીં પણ બધા પક્ષોમાં આવું જ છે. દેશમાં ૩૬૩ સાંસદો અને ધારાસભ્યો સામે ગંભીર ગુના છે. ભાજપ ૮૩ સભ્યો સાથે આમાં મોખરે છે. બીજા નંબરે કોંગ્રેસ છે. એના ૪૭ સભ્યો આવા છે. ત્રીજા નંબરે ટી.એમ.સી. છે. એના ચાર મંત્રી એવા છે કે જેમની સામે ગંભીર કેસ છે અને ૬ વરસથી ચાલે છે. કેટલાક તો એવા કેસ છે જે દસ વરસથી ચાલે છે.

કેન્દ્રના ચાર મંત્રી એવા છે જેમની સામે ૬ વરસથી કેસ હત્યા અને બળાત્કાર જેવા કેસનો સમાવેશ થાય છે. છેલ્લાં બે વરસમાં આવા કિસ્સાઓમાં ૧૭% વધારો થયો છે. સંસદમાં ગુનેગાર હોય એવા સભ્યની ટકાવારી ૨૯% છે. આવા સભ્યો સામેના કેસ ચાલતા નથી. સુપ્રિમ કોર્ટ આવા કેસ ઝડપથી ચલાવવાનું કહે છે. નીચલી કોર્ટમાં તારીખે પડયા કરે છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે અમારી મંજૂરી વિના કેસ પાછા નહી ખેંચી શકાય છતાં આવા ૭૬ કેસ પાછા ખેંચાઈ ગયા. રાજયમાં કે કેન્દ્રમાં સરકાર બદલાય એટલે નવા કેસ થાય. વિપક્ષની ફરિયાદ છે કે મહારાષ્ટ્રના મંત્રીઓ સામેના કેસ પાછા ખેચાતા નથી.

રાજયોમાં અને કેન્દ્રમાં સરકાર બદલાય ત્યારે રાજકીય હેતુસર પુરાવા રજુ થાય છે અને એમાં રાજકીય હેતું હોય છે. પણ એ જ પક્ષ સત્તામાં આવે એટલે તપાસ ઢીલી થઈ જાય છે. આવા કેસ પેન્ડિંગ હોય. એની પણ સંખ્યા ઓછી નથી. લોકસભાનાં સભ્યો હોય એવા સંસદ માટે સ્પીકરની મંજૂરી જરૂરી છે. મોદીએ ૨૦૧૪ની ચૂંટણી પ્રચારમાં એમ કહેલું કે જે નેતાઓ સામે કેસ ચાલે છે એ ઝડપી નિકાલ પામશે, પણ મુશ્કેલી એ છે કે કેસ હજારો છે અને એનું નિરાકરણ ઝડપથી આવતું નથી.

કોર્ટ પાસે એટલા બધા કેસ છે કે એક વરસમાં એનો નિકાલ થઈ શકે એમ નથી. ખાસ અદાલત બનાવવામાં આવે અને એકસાથે બધા કેસનો નિકાલ કરવામાં આવે તો જુદી વાત છે. અત્યારે ન્યાયધીશોની સંખ્યા ઓછી છે. અદાલતોમાં તારીખો ઉપર તારીખો પડતી જાય છે. આમાં આદર્શ વાત કયાં કરવી. કોઈ પણ પક્ષ આ વાતનું પાલન કરે એવી અપેક્ષા રાખવી નકામી છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે જેની સામે ગુના નોંધાયા હોય એવા લોકો ચૂંટણી ન લડી શકે એવો કાયદો બનવો જોઈએ. મુશ્કેલી એ છે કે કોઈ પક્ષ આને માટે તૈયાર થતો નથી. તેથીે વિવાદ થાય છે.

રાજકારણ અને ગુનાખોરીના જુગલબંધી વિષે વાતો જ થાય છે, પણ કાયદો બનતો નથી. ભાજપે એક નિર્ણય લીધો કે જે ઉમેદવાર ૭૫ વરસથી ઉપર હોય અને ગુનેગાર હોય એની ટિકિટ ન આપવી. એવા નિર્ણય કોઈ પક્ષ લે તો આવકાર્ય ગણાય, પણ આવી શક્યતા શૂન્ય છે. એટલે બાહુબલીઓ જનપ્રતિનિધિ બનશે જ. મતદારો એને ફેંકી દે તો જ આનો અંત આવે. આ એક દૂષણ છે. એનો અંત તો જ આવે જો આ પ્રમાણે પગલા લેવાય. એ સિવાય બધું નકામું છે. મૂળ વાત ઉમેદવીરોની પસંદગીની છે. એ થાય તો જ શુધ્ધિ આવે. એ સિવાય તો ઘઉં ભેગા કાંકરા આવવાના જ છે. ગમે તેટલું શુધ્ધ રાજકારણ હોય તો પણ એમાં કચરો રહેવાનો જ. રાજકારણ શુધ્ધ રાખવું હોય તો આટલું તો કરવું પડે.

વિશ્વમાં સામસામે યુધ્ધની તૈયારી અને ઐતિહાસિક દુશ્માવટના ઘા તાજા જ હોય તો ત્યાં ગાંધીજી અન ેતેના પ્રભાવમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા અને હવે દલાઇ લામા જેવા નેતાઓની અહિંસક સત્યાગ્રહ અને શાંતિથી રાજકીય વિવાદનો ઉકેલ લાવવાની વિચારધારા વિશ્વના દેશના નેતાઓ અને નાગરિકો પર સહેજ પણ પ્રભાવ નથી પાડી શકી. વિશ્વમાં ભાવિ યુધ્ધ માટેના મોરચા મંડાતા જાય છે ત્યારે કોઇ એક દેશ અહિંસામાં શ્રધ્ધા રાખીને ટકી ન શકે. 

અમેરિકા, રશિયા, યુરોપ, કોરિયા,  તાલિબાનો, આંતકી જૂથો, યહૂદીઓે, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચેનું પરસ્પર વૈમનસ્ય જેવાં કેટલાય પરિબળો વિશ્વના અન્ય દેશોને યુધ્ધ માટે તૈયાર કરે છે. પ્રત્યેક દેશ તેનું સંરક્ષણ બજેટ વધારતું જ જાય છે. શસ્ત્રો, સૈન્ય અને નાગરિકોના રક્ષા માટે વળતો જવાબ આપવાની તાકાત ન હોય તો એ દેશ ઉપર અન્ય દેશ ખૂંખાર બનીને કબજો કરી જ લે. સુલેહ, સૌજન્ય અને વિશ્વકલ્યાણની ભાવના હોય તો અહિંસક રીતે, મંત્રણાથી બધું થઇ શકે. ગાંધીજીને આઝાદીની લડત વખતે અને બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન આપેલાં નિવેદનોને પણ જાણવા જોઇએ. તેઓ વિશ્વમાનવ હતા. અહિંસા પરમો ધર્મ એ એમનું સૂત્ર હતું. એમની વિચારધારા આજે પણ સાંપ્રત છે. જો ખરેખર લોકો ગાંધીજીને અનુસરે તો દુનિયાનો ઉધ્ધાર થઇ જાય.  

બે સમાન તાકાત ધરાવતા દેશો અને જૂથો હોય અને એક પક્ષ શસ્ત્રો ઉઠાવ્યા વિના વિજય મેળવે તો એમ કહી શકાય કે એણે ક્ષમા આપી દીધી છે. વિજય મેળવે તો તેનો દાખલો આપી શકાય. ક્ષમાનું મહત્વ છે. ગાંધીજીએ નેતાગીરીના શસ્ત્રરૂપે અહિંસા જ વાપરી. લોકમાન્ય તિલકે 'સ્વરાજ મારો જન્મસિધ્ધ હક છે' એવો સૂત્ર આપ્યું. બ્રિટને ઘરઆંગણે સ્વસ્થ થવાની જરૂર હતી. પણ જો એમણે થોડા સમયમાં જ દેશ છોડી દેવાનો હોય તો પછી ઘર આંગણે રહેવામાં શું વાંધો? 

મનોવિજ્ઞાાનિક રીતે જોઇએ યુધ્ધ દરમિયાન અચાનક જે-તે દેશમાં આપઘાતની ઘટના બનતી જાય છે. આ વાત ફ્રોઇડે કરી છે. અત્યારે રશિયા - યુક્રેન વચ્ચે લડાઇ ચાલે છે. રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું છે. દરરોજ નવા - નવા શસ્ત્રોથી હુમલા થાય છે. મકાનો અને બિલ્ડીંગો તૂટે છે. ઉપરાંત પુતીન નવા - નવા બોંબ વાપરે છે અને દુનિયાના જુદા જુદા દેશોએ રશિયા ઉપર નિયંત્રણ લાદી દીધા છે. યુક્રેનના લોકો સામૂહિક રીતે ઘરબાર બહાર છોડીને પોલેન્ડ જઇ રહ્યાં છે.

દુનિયાનો ઇતિહાસ યુધ્ધોથી ભરેલો છે. એક દેશ બીજા દેશ ઉપર હુમલો કરે છે. એમાં હજારો માણસો મૃત્યુ પામે છે. અત્યારે નાઇજીરીયા તથા આફ્રિકાના ઘણા દેશોમાં લડાઇ ચાલે છે. કારણમાં જમીનનો ટૂકડો હોય છે. આપણી બાજુમાં નેપાળ આવેલું છે. ત્યાં પણ અવારનવાર ડખ્ખા થાય છે.બર્મામાં લશ્કરી બળવો થયો છે. ત્યાં ેરોહિંગ્યા મુસલમાનો પ્રશ્ન થયો છે. ત્યાં વરસોથી જમીનનો પ્રશ્ન નડે છે. અમેરિકા જેવા દેશો પણ એમાં રસ લે છે અને પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરે છે. જાપાનની આજુબાજુ થોડા નાનકડા દેશો છે. ત્યાં દરિયામાં હોડીની અથડામણો સતત થતી રહે છે.

માણસને શાંતિથી બેસતા આવડતું નથી. છેક  કેનેડામાં ક્યુબેક નામનો પ્રાંત અલગ થવા માગે છે. ત્યાં લોકમત પણ લેવાઇ ગયો, પણ બહુમતી પ્રજાએ કહ્યું કે અમારે કેનેડામાં રહેવું છે. આવા પ્રશ્નો દુનિયાભરમાં ફેલાયેલા છે. ઇન્ડોનેશિયામાં પણ પ્રશ્નો છે. ત્યાં ઘોફર નામનો ટાપુ વરસોથી અલગતાનુંે આંદોલન ચલાવતું હતું. હવે બધું શાંત પડયું છે. હાલ રશિયા અને યુક્રેનની લડાઇ ચાલુ છે. 

Gujarat