For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દરેક ક્ષેત્રમાં થઈ રહેલું મૂલ્ય પતન

Updated: Apr 2nd, 2022

Article Content Image

- વિચાર વિહાર-યાસીન દલાલ

- કોઇપણ દેશની પ્રગતિ માપવી હોય તો એના રાજકારણ,  અર્થકારણ, શિક્ષણ અને કળા તરફ નજર નાખવી જોઇએ. આ બધા કોઇપણ દેશના જાહેર જીવનના પાયા છે. એમાંથી કોઇપણ પાયો નબળો પડે તો દેશ પણ એટલો નબળો પડે છે.

અર્થકારણની વાત કરીએ તો આપણે વરસો સુધી સામ્યવાદ, મૂડીવાદ, અને સમાજવાદની ટક્કરમાં ફસાયાં હવે ૭૫ વર્ષે આપણને જ્ઞાાન લાધ્યું છે કે દેશનું હિત ખાનગીકરણમાં છે. પણ આ મુદ્દે પણ કયાંય સર્વસંમતિ જોવા મળતી નથી. એટલે સુધી કે પ્રધાન મંડળમાં પણ આ મુદ્દે ગંભીર મતભેદો પ્રવર્તે છે. આપણી સરકાર છાશવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે જ જાય છે. પણ કયાંય સરકારી ખર્ચ ઘટાડવાનું નામ લેતી નથી. પ્રધાનો કાયમ દેશ વિદેશમાં ઉડતાં રહે છે. અને જે ખર્ચ થાય એ પ્રજાનાં ખિસ્સામાંથી વસુલ કરતાં રહે છે.

માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણની પણ આવી જ અવદશા થઈ છે. ગુજરાતમાં તો ભાગ્યે જ કોઈ એવી શાળા હશે કે જયાં શિક્ષકની નોકરી મેળવવા માટે બે પાંચલાખની લાંચ આપવી પડતી હોય, આટલી મોટી રકમની લાંચ આપીને શિક્ષક બનેલો માણસ પોતાનાં વિદ્યાર્થીઓને દેશપ્રેમનાં પાઠ ભણાવે એમાં મોટી વિડંબના રહેલી છે. આટલી લાંચ આપ્યા પછી આજના શિક્ષકો દિલ દઈને ભણાવતા નથી. પરિણામે શાળાઓ ખાલી હોય છે. અને ટયૂશન કલાસ ઉભરાય છે. ૭૫ વરસ પછી આજે પણ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ પહેલા કરતાં અત્યારે વધી ગયું છે. કરોડો લોકો બેકાર છે. અને બીજા કરોડો લોકો બિનસરકારી નોકરીમાં હોવાથી એમનું શોષણ થઈ રહ્યું છે.

આપણે ૨૧મી સદીમાં પ્રવેશી ચૂકયા છીએ. પણ કેટલીક બાબતોમાં એવું લાગે છે કે આપણે પીછેહઠ કરી છે. બિનસાંપ્રદાયિક દેશમાં આજે પણ સાંપ્રદાયિક બળો માથું ઊંચકે છે અને રાજકારણીઓ પોતાની ભાષામાં સંયમ જાળવતાં નથી. અને વારંવાર કોઈ ધિક્કાર રેલી કાઢે છે તો કોઈ 'થું થું રેલી' કાઢે છે. કોઈને સદ્ભાવનાની તો પડી જ નથી.

દેશમાં બેકારીનું પ્રમાણ આજે પણ ૭% જેટલું છે. રાષ્ટ્રીય ઉત્પાદન વધ્યું હોવા છતાં રોજગારીનું પ્રમાણ ઘટયું છે. ખાનગીકરણને કારણે એકબાજું લાભ થયો છે. તો બીજી બાજું લઘુઉદ્યોગ ક્ષેત્રમાં મોટું નુકશાન પણ થયું છે. એકબાજુ સંગઠિત ક્ષેત્રના કામદારોને ઉંચામાં ઊંચા પગાર, બોનસ અને નોકરીની પૂરી સલામતી મળે છે. તો બીજી બાજું અસંગઠીત ક્ષેત્રમાં કર્મચારી અસલામતીની લાગણી અનુભવે છે. અને એમના પગાર પણ ખૂબ ઓછા હોય છે. આનાથી દેશમાં ચારે બાજુ ભારોભાર અસમતુલા જોવા મળે છે. સરકાર આ બાબતમાં ચોક્કસ નીતિ અપનાવવાને બદલે અંધારામાં અથડાતી હોય એવી છાપ પડે છે.

૭૫ વર્ષ પહેલા આપણે સ્વતંત્ર થયાં ત્યારે દેશભરમાં દેશભક્તિનું એક પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. દેશને ગાંધીજીથી માંડી નહેરૂ સુધી એક વિરાટ નેતાગીરી મળી હતી. એમાંથી પ્રેરણા લઈને દેશભરમાં યુવાનો પોતાના રાષ્ટ્ર માટે કંઈપણ ન્યોછાવર કરવા તૈયાર હતા. આપણા નેતાઓ અને સ્વાતંત્ર્ય સૈનિકોમાંથી મોટાભાગના એમનું શિક્ષણ અધવચ્ચે છોડી અને રાજકારણમાં આવ્યાં હતાં. એમને શિક્ષણ છોડવાનો કદી અફસોસ પણ થયો નથી. એને કારણે જ આઝાદી પછીના વર્ષો દરમ્યાન દેશમાં દરેક ક્ષેત્રમાં પ્રતિભાવોથી મહેકતું હતું. બંગાળીમાં ટાગોરથી માંડી ગુજરાતીમાં મુનશી, ર.વ. દેસાઈ જેવા વિરાટ લેખકો આ ગાળામાં જ આપણને મળ્યાં છે. એજ રીતે સિનેમામાં પણ પ્રચંડ દેશભક્તિ અને કળાના અવનવા નમૂના જોવા મળ્યા છે. શાંતારામ, મહેબૂબ, બિમલ રોય, ગુરૂદત્ત, જેવા સમર્થ દિગ્દર્શકો આજ ગાળામાં થઈ ગયાં. શિક્ષણમાં પણ ત્યારે ગુણવત્તાનું પ્રમાણ અત્યંત ઉંચુ હતું. એવું જ અન્ય ક્ષેત્રમાં પણ જોવા મળતુ હતું.

નોબેલ પ્રાઈઝ વિજેતા ગુન્થર ગ્રાસ કલકત્તામાં થોડો સમય રહ્યાં હતાં. ભારત જોઈને ખાસ કરીને અહીંની ગરીબી અને વસ્તી વધારો જોઈને સખત આઘાત પામ્યાં હતાં. હમણાં એક ઈન્ટરવ્યુમાં એમણે કહ્યું છે કે, એમના આ અભિપ્રાયમાં હજી  સુધી કોઈ ફેર પડયો નથી. ભારતની વસ્તી હજી વધી રહી છે. સામાજીક સ્તરે હજી પણ અથડામણો ચાલતી જ રહી છે. ગરીબીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો નથી.ભારતના મધ્યમવર્ગ વિશે એ માને છે કે એ તદ્ન સંવેદનશૂન્ય છે. પોતાની આસપાસ જયાં જુઓ ત્યાં દારૂણ ગરીબી છે. પણ મધ્યમવર્ગ એનાથી બિલકુલ વ્યથિત થતું નથી. એ એમજ સમજે છે કે દેશમાં કયાંય ગરીબી છે જ નહીં. પોતાના જ દેશ બાંધવો આટલી ગરીબીમાં સબડતા હોય અને છતાં મધ્યમવર્ગ કંઈ ન કરે એથી એમને ભારે આઘાત લાગે છે. ગુન્થર ગ્રાસ માને છે કે ભારતનો મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગ હાથ મિલાવે તો દેશની ગરીબી દૂર કરવી અશક્ય નથી. કલકત્તા અને બીજા શહેરોમાં જે રીતે લોકો ઝૂંપડામાં વસે છે. અને ફૂટપાથ ઉપર પડયા રહે છે. એથી એમને મોટો સાંસ્કૃતિક આઘાત લાગ્યો હતો.

 આજે પ્રશ્ન એ છે કે પ્રજા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવવામાં નિષ્ફળ થઈ છે. સરકાર પ્રજાના પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ ગઈ છે.  સાચી વાત એ છે કે લોકશાહીમાં સરકાર અને પ્રધાનો પ્રજામાંથી જ આવે છે. અને સરકારની સફળતા કે નિષ્ફળતાનો આધાર પ્રજા ઉપર જ હોય છે. આ માપદંડથી માપીએ તો ઠેરઠેર નિરાશાજનક ચિત્ર જોવા મળે છે.

એની સામે આજની પરિસ્થિતિની તુલના કરીએ તો મોટો વિરોધાભાસ નજરે ચડે છે. જયાં નજર કરીએ ત્યાં ચારેબાજુ પતન અને વિનાશનાં જ ચિહ્નો દેખાય છે. રાજકારણની વાત કરીએ તો કયાંય વિરાટ નેતાગીરી દેખાતી જ નથી. કેન્દ્રમાં અત્યારે ચોવીસ પક્ષોનો શંભુમેળો શાસન કરે છે. જેમાં કયાંય કોઈ મુદ્દો સાચા દિલની એકતા દેખાતી નથી. વિનિવેશનો મુદ્દો હોય કે બીજો કોઈ હોય વારંવાર એકતામાં તિરાડ પડે છે. રાજયોમાં પણ એજ સ્થિતિનું પુનરાવર્તન જોવા મળે છે. આપણા રાજકીય પક્ષો સત્તા માટે ગમે તે કક્ષાએ નીચા ઉતરી શકે છે. આજે બે પક્ષો એક બીજાનાં મિત્રો હોય તો કાલે અચાનક જ કટ્ટર દુશ્મનો પણ થઈ જાય છે. આપણે લોકશાહી યુરોપમાંથી લાવ્યા પણ લોકશાહીની સફળતા માટે અનિવાર્ય એવું કોઈ મૂલ્ય આયાત કર્યું જ નહીં. બીજા કોઇ ક્ષેત્રમાં જોવા મળે કે નહીં પણ આ બાબતમાં તો આપણે સંપૂર્ણ સ્વદેશી નીતિ અપનાવી. પરિણામે આપણી સંસદ અને વિધાનસભાઓ ક્યારે'ય શાંતિથી ચાલતા જ નથી, દરરોજ આક્ષેપ પ્રતિ આક્ષેપ, વાહિયાત દલીલો અને ઘોંઘાટમાં સમય બરબાદ થાય છે. એટલું જ નહીં આર્થિક રીતે પણ સંસદનો જેટલો સમય વેડફાય એટલું કરોડોનું નુકશાન થાય છે. પણ, એવાં મૂલ્યો જાળવવાની કોઇને પડી નથી. 

આમ, રાજકારણથી માંડીને સાહિત્ય અને કળાઓના ક્ષેત્રે ચારે તરફ નિરાશા જોવા મળે છે. આ નિરાશાને આશામાં બદલવી હોય તો આ દેશના નાગરિકે દરેક બાબતમાં સરકાર તરફ નજર રાખવાને બદલે સ્વતંત્ર વિચારધારા વિકસાવવી પડશે. દેશમાં ચારે તરફ ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. તે દૂર કરવું હોય તો દરેક નાગરિકે ભ્રષ્ટાચારથી દૂર રહેવાનો સંકલ્પ કરવો પડશે. ભ્રષ્ટ રાજકારણીઓને મત નહીં આપીએ એવો સંકલ્પ પણ કરવો પડશે. શિક્ષણ અને અર્થકારણને પણ શુધ્ધ બનાવવું હશે તો આવો જ સંકલ્પ કરવો પડશે. 

સિનેમાનું એટલી હદે પતન થયું છે કે ગોવિંદ નિલાની જેવા કળાત્મક ફિલ્મોના નિર્દેશકને પણ વ્યાપારી ફિલ્મોના નિર્માણ તરફ વળવું પડયું છે. સંગીતના નૌશાદ, શંકર જયકિશન, શ્રીરામચંદ્ર અને મદનમોહનના જમાના ગયા. નૌશાદ, ઓ.પી. નય્યર અને અનિલ વિશ્વાસ જેવાં સંગીતકારો હજી હયાત ન હોવા છતાં લોકો એને યાદ કરે છે. એ જ રીતે ટી.વી. સિરીયલો રાત દિવસ બનતી રહે છે. પણ એમાંથી ભાગ્યે જ કોઇ ચેનલ જોવા જેવી હોય છે. 

મોટાભાગની સિરીયલો કહેવા ખાતર તો કૌટુંબિક વાર્તા ધરાવે છે. પણ વાસ્તવમાં એમાંથી મોટાભાગની આડા સંબંધો ઉપર કેન્દ્રીત થયેલી હોય છે. એના પાત્રો ઇર્ષા, ખટપટ, અને કાવતરાં સિવાય બીજી પ્રવૃત્તિ જાણતાં જ નથી. કેટલીક ચેનલોતો અર્ધ નગ્ન નૃત્યોના નામે ઢંગધડા વગરના ચેનચાળા રજૂ કરવામાં જ મસ્ત રહે છે. મનોરંજનના નામે ચારેબાજુ નર્યું ગાંડપણ જ દેખાય છે. વિજય તેડુંલકરના કહેવા મુજબ આજની ફિલ્મોમાં લેખકોની જરૂર જ નથી. એમને કંઇ હોલિવૂડ ફિલ્મની નકલ કરવી છે. એટલું જ કહેવું પડે છે. 

કોઇપણ દેશની પ્રગતિ માપવી હોય તો એના રાજકારણ,  અર્થકારણ, શિક્ષણ અને કળા તરફ નજર નાખવી જોઇએ. આ બધા કોઇપણ દેશના જાહેર જીવનના પાયા છે. એમાંથી કોઇપણ પાયો નબળો પડે તો દેશ પણ એટલો નબળો પડે છે.

દરેક શહેરને પોતાની આગવી વિશિષ્ટતા હોય છે. દરેક શહેરને એક આગવો ભૂતકાળ હોય છે. દરેક શહેર એના નિવાસીઓનું વતન હોય છે. અને એ વતન શહેરના દરેક નિવાસીઓને પ્રાણથી પણ પ્યારું હોય છે. ક્યાં નાગરીકને ક્યું શહેર શા માટે ગમે છે. એનાં કારણોમાં જવું નથી. કેટલાક નાગરિકોની અનેક મીઠી સ્મૃતિઓએ શહેર સાથે સંકળાયેલી હોય છે. તો બીજી બાજું કેટલાક રહીશોની કડવી યાદો પણ એ શહેર સાથે ગૂંથાયેલી હોય છે. દરેક શહેરની આગવી ઓળખ હોય છે. 

Gujarat