વલસાડમાં સેવાના નામે કારમાં મિત્રને દારૂ આપવા જતો સોફ્ટવેર એન્જિનીયર પકડાયો
- તિથલ રોડ પર રહેતો આસિત દેસાઇ કાર પર મેડિકલ સાધનોની ડિલીવરીનું સ્ટીકર મારી ડુંગરીના મિત્ર કલ્પેશ આહિર માટે દારૂની 8 બોટલ લઇને જતો હતો
વલસાડ, તા. 13 એપ્રિલ 2020, સોમવાર
વલસાડમાં લોકડાઉનનો કડક અમલ ચાલી રહ્યો છે, પરંતુ દારૂડિયા દારૂ માટે ગમે તેટલું મોટું જોખમ ખેડવા તૈયાર થઇ જતા હોય છે. કારમાં પર મેડિકલ સાધનોની ડિલીવરીનું સ્ટીકર મારી દારૂ લઇ જવાનું જોખમ ખેડવાનું વલસાડ અને ડુંગરીના યુવાનને ભારે પડયું હતુ. વલસાડ તિથલ રોડ પર રહેતો સભ્ય સમાજનો યુવાન ડુંગરી સ્થિત તેના મિત્રને દારૂ આપવા પોતાની હ્યુન્ડાઇ કારમાં જઇ રહ્યો હતો. જેને પોલીસે ચેકિંગ દરમિયાન સરોધી ગામેથી પકડી પાડયો હતો.
તિથલ રોડ પર પુજા અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતો આસિત કિરણભાઇ દેસાઇ (ઉ.વ.30) વલસાડની જ આઇટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે કામ કરે છે. આસિત રવિવારે બપોરે ધોબી તળવા વિસ્તારમાંથી રોયલ ચેલેન્જ વિસ્કીની 8 બોટલ કિ. રૂ. 1200ની લઇને પોતાની સાથે જ આઇટી કંપનીમાં નોકરી કરતા ડુંગરીની અશોક વાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા તેના મિત્ર કલ્પેશ રમણભાઇ આહિર (ઉ.વ.35)ને આપવા જઇ રહ્યો હતો.
આ દારૂ તે પોતાની લાલ કલરની હ્યુન્ડાઇ એસેન્ટ કાર (નં. GJ-15-CJ-1611)માં ભરી જઇ રહ્યો હતો. પોલીસથી બચવા કાર પર મેડિકલ સાધનોની ડિલીવરીનું સ્ટીકર લગાવ્યું હતું. ત્યારે સરોધી ગામે ફાટક પર પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસની પુછતાછમાં તે ગભરાઇને ભાગ્યો પણ પોલીસે તેને પકડી પાડયો હતો.
પોલીસે તેની કારમાંથી દારૂ કબજે કર્યો હતો. તેની પુછતાછમાં તેણે આ દારૂ મિત્ર કલ્પેશને પહોંચાડવાની વાત કરતા પોલીસે કલ્પેશની પણ ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ક્યાંથી લાવ્યો તે પુછતાં ધોબીતળાવમાંથી લાવ્યો હોવાની વાત કરતા પોલીસે બુટલેગરને પકડવાની કવાયત હાથ ધરી છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.