Updated: Apr 8th, 2023
- મૃતકે પુલ પરથી ઝંપલાવી અંતિમ પગલું ભર્યુ હોય અને કર્મકાંડી મહારાજ હોવાનું અનુમાન
વાપી,તા.08 એપ્રિલ 2023,શનિવાર
પારડી પારનદીના પુલ નીચે આજે શનિવારે સવારે અજાણ્યા શખ્સની પથ્થર પરથી ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળ પહોંચી કર્મકાંડી મહારાજ લાગતા મૃતકની લાશનો કબજો લીધો હતો. મૃતકે પુલ પરથી છલાંગ લગાવી અંતિમ પગલું ભર્યુ હોવાનું હાલ અનુમાન લગાવાયું છે.
સુસાઇટ ઝોન બનેલા પારનદીના પુલ નીચે પથ્થર પરથી આજે આજે સવારે અજાણ્યા શખ્સની સ્થાનિક રહીશે લાશ જોતા લોકોને જાણ કરી હતી. બાદ લોકો નદી કિનારે એકત્રિત થયા બાદ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકના શરીરના ભાગે ઇજાના નિશાનો મળી આવ્યા હતા. પોલીસે લાશનો કબજો લઇ મૃતકની ઓળખ કરવા કવાયત આદરી છે. જો કે મૃતકે પુલ પરથી છલાંગ મારી આપઘાત કર્યો અને પહેરેલા કપડા પરથી કર્મકાંડી બ્રાહ્મણ હોવાનું અનુમાન લગાવાયું છે. અત્રે નોંધનીય છે કે પારનદીના પુલ પરથી અગાઉ પણ છલાંગ લગાવી આત્મહત્યા કર્યાના બનાવો નોંધાયા હતા. આ પ્રકારના બનાવોમાં વધારો થતા ચિંતાનો પણ વિષય બન્યો છે.