Updated: May 6th, 2023
રેલવે પોલીસ જવાન પરિવાર સાથે મહુવાના તરસાડીમાં લગ્નના કાર્યક્રમ પતાવી પરત માંડવી જતી વેળા કરૂણાંતિકા સર્જાઇ
ગંભીર અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી : મૃતક પોલીસ જવાનના પુત્રને ઇજા
બારડોલી, તા. 6 મે 2023 શનિવાર
બારડોલીના ઇસરોલી ગામની સીમમાં આજે શનિવારે બપોરે ડમ્પરે સ્વિફટ કારને અડફટે લેતા વડોદરા રેલવેના પોલીસ જવાન સહિત પરિવારના છ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે પરિવારના તરૂણને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરિવારના સભ્યો મહુવાના તરસાડી ગામે લગ્નના કાર્યક્રમમાંથી પરત માંડવીના તરસાડા જતી વેળા કરૂણાંતિકા સર્જાઇ હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર માંડવીના તરસાડા ગામે રહેતા અને વડોદરા રેલવે પોલીસમાં નોકરી કરતા મહેશ લક્ષ્મણભાઇ રાઠોડ અને પરિવારના ૭ સભ્યો મહુવાના તરસાડી ગામે લગ્નના કાર્યક્રમનાં સ્વિફ્ટ કારમાં ગયા હતા. આજે શનિવારે મહેશભાઇ અને પરિવારના સભ્યો કારમાં પરત ઘરે જવા નિકળ્યા હતા. તે દરમિયાન બારડોલીના ઇસરોલી ગામની સીમમાં ડમ્પર ચાલકે કારને અડફટે લેતા ગમ્ખવાર અકસ્માત થયો હતો. આ ગંભીર અકસ્માતમાં પોલીસ જવાન સહિત છ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે પોલીસ જવાનના પુત્ર મીતને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતને પગલે લોકો દોડી ગયા હતા. પોલીસની ટીમ પણ પહોંચી જઇ તમામ હતભાગીઓની લાશનો કબજો લઇ પોસ્ટમોટમ માટે મોકલી દીધી હતી.
મૃતકોમાં મહેશ રાઠોડ, પત્ની વનિતા, ભાણેજ ગુડ્ડી હર્ષદભાઇ પટેલ રહે.પાટણ , પુત્રી નવ્યા રાઠોડની ઓળખ થઇ શકી છે. જ્યારે અન્ય બે ઓળખ થઇ શકી નથી. આ કરૂણાંતિકાને પગલે પરિવારમાં માતમનો માહોલ ફેલાય ગયો હતો.