Gujarat

વલસાડમાં FB પર દોસ્તી બાદ વ્હોટ્સએપ પર વિડીયો કોલ કરી બ્લેકમેઇલ કરવાના 17 કિસ્સા

By GS Team
28 Dec 20213 mins read
This article was originally published on 28 Dec 2021
વલસાડમાં FB પર દોસ્તી બાદ વ્હોટ્સએપ પર વિડીયો કોલ કરી બ્લેકમેઇલ કરવાના 17 કિસ્સા

-સુંદર યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો લલચાઇ ન જતા

-યુવતી પુરૃષને નગ્ન કરાવી સ્ક્રીન રેકોર્ડીંગ કરી  તેનો વિડીયો બનાવી બ્લેકમેઇલ કરી નાણાં પડાવે છે

-પોલીસે પાંચ કિસ્સામાં આંશિક રકમ પરત મેળવી આપી

-તમારા ફેસબુક પ્રોફાઇલ લોક રાખો : સાઇબર પોલીસ

વલસાડ,મંગળવાર

સમગ્ર ગુજરાત સાથે વલસાડમાં થોડા દિવસથી અનેક યુવાનો અને  પ્રૌઢ ના ફેસબુક આઇડી પર સુંદર યુવાન-યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે છે. આ યુવતીની રિકવેસ્ટ બાદ લલચાઇ ગયેલા પુરુષો સાથે ઝડપી દોસ્તી કરી તેની સાથે વ્હોટ્સએપ પર વિડીયો કોલ કરવા મનાવી લે છે. ત્યારબાદ યુવતી પુરુષને નગ્ન કરી સ્ક્રીન રેકોર્ડીંગ કરી તેનો વિડીયો બનાવી પુરુષને બ્લેકમેઇલ કરવાનું શરુ કરે છે અને પછી તેની પાસે નાણાં પડાવે છે. આવા અનેક કિસ્સા બન્યા છે. જે પૈકી ૧૭ થી વધુ ફરિયાદ વલસાડ સાઇબર પોલીસ મથકે આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કોઇ પણ પુરુષ યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોઇને લલચાઇ જાય અને તેની માયાજાળમાં ફસાઇ જાય છે. આવું કરવાવાળી એક ચોક્કસ ટોળકી છે. જેઓ પુરુષોને ફસાવીને તેમના નગ્ન વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરવાનું શરુ કરે છે. વલસાડમાં આવી ઘટના વકીલ, ધંધાર્થી, નોકરિયાત સહિત અનેક નાનાથી મોટા અને મોભી લોકો સાથે બની છે. જેઓ એટલા ગભરાઇ જાય કે, પૈસા આપવાની શરુઆત કરી દેતાં હોય છે. આવા ભોગ બનનાર પૈકી ૧૭ લોકોને છેતરામણીની અનુભૂતિ થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ પૈકી ૫ કેસમાં પોલીસે તેમની ગયેલી રકમની આંશિક રકમ પરત પણ મેળવી આપી છે, પરંતુ તેના માટે ભોગ બન્યાના તુરંત બાદ પોલીસને ફોન કરવો પડે છે.

વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જાડેજાએ જણાવ્યું કે, કોઇ યુવતી તમારો વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરવાની શરુઆત કરે તો પહેલાં તમારી પ્રોફાઇલ બ્લોક કરી દો. પોતાનું ફ્રેન્ડ લિસ્ટ અને પ્રોફાઇલ લોક હોય તો આવી યુવતી તમારા કોઇ પણ મિત્રોને તમારો વિડીયો શેર કરી શકશે નહી. આવી ગેંગ માત્ર ફેસબુક મેસેન્જર પર જ તમારો વિડીયો મોકલી શકે છે. અન્ય કોઇ પણ રીતે તમારા નજીકના કે ઓળખીતા સાથે આવી ગેંગ સંપર્કમાં આવી શકે જ નહી.

આ પ્રકરના બ્લેકમેઇલીંગમાં રાજસ્થાની ગેંગની સંડોવણી

વ્હોટ્સએપ કોલિંગમાં પુરુષોને નગ્ન કરી સ્ક્રીન રેકોર્ડીંગ કરી વિડીયો બનાવી બ્લેકમેલ કરતી આ ગેંગ રાજસ્થાનથી ઓપરેટ કરે છે. જોકે, તેઓ કોઇ પણ અન્ય સ્થળના બેંક એકાઉન્ટ આપી તેમાં પૈસા જમા કરાવવા કહે છે. દિલ્હીથી વાત કરું છું કહી ગુજરાતના અમદાવાદની બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા કહે છે. તેઓ પૈસા ઉપાડવા માટે જે-તે રાજ્યમાં પણ પોતાના સાગરિત ઉભા કરે છે. ત્યારે તેમને પકડવા મુશ્કેલ બની જાય છે.

પોલીસ બનીને ફોન કરીને પણ પૈસા પડાવે છે

પુરુષોનો નગ્ન વિડીયો બનાવ્યા બાદ બ્લેકમેઇલીંગમાં પૈસા ન મળે તો આવી ગેંગ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી ડરાવીને પણ પૈસા પડાવે છે. અનેક કિસ્સામાં પોતે દિલ્હી કે મુંબઇની સાઇબર પોલીસ છે અને તમારો વિડીયો મારી પાસે આવ્યો છે કહી બ્લેકમેઇલ કરે છે. આવી ઘટનામાં ભોગ બનનાર પુરુષ ગભરાઇને તુરંત પૈસા જમા કરાવતો થઇ જાય છે. આવી ગેંગ રોજના લાખો રુપિયાની ઠગાઇ કરી રહી છે. જેનાથી ચેતવાની જરુર છે.

તમારો વિડિયો ઉતરી જાય તો 155260 પર કોલ કરો

જો કોઇ યુવતી તમારો નગ્ન વિડીયો ઉતારી લે તો ગભરાશો નહીં, તેમની પૈસાની પ્રથમ માંગણી પુરી કરશો તો તેઓ ફરીથી તેની માંગણી કરશે અને પછી તમને વધુ ડરાવશે. જો, ભૂલ થઇ ગઇ હોય તો તુરંત ફેસબુક પ્રોફાઇલ લોક કરી દો. જો, પૈસા ચૂકવવાની ભૂલ થઇ હોય તો ગુજરાત સાઇબર પોલીસના ૧૫૫૨૬૦ નંબર પર તુરંત કોલ કરો. જો તુરંત કોલ કરશો તો તમારા પૈસા તુરંત મળી જશે.