બનાસકાંઠાના સિપુ અને દાંતીવાડા ડેમના તળીયા દેખાતા ચિંતા
- વરસાદ નહીવત થતાં જળાશયો ખાલીખમ
- વાવણી કરેલો પાક મુરઝાયો: દુષ્કાળના ડાકલા વચ્ચે જગતના તાતની હાલત કફોડી
દાંતીવાડા,તા. 07 સપ્ટેમ્બર 2018, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં આવેલા બે ડેમ સિપુ અને દાંતીવાડાના ભરચોમાસે તળિયા દેખાઈ રહ્યા છે. બંને ડેમોનું પાણી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે મહત્વનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મહત્વના અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણતા દાંતીવાડા અને સિપુડેમમાં ચાલુ સાલે વરસાદ બિલકુલ નહિવત થતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હોવાથી જગતનો તાત હતાશામાં ડૂબી ગયો છે.
દાંતીવાડા અને ધાનેરાના ખેડૂતોને પશુપાલન અને ખેતી પર પોતાનુ પેટીયું રળી રહ્યા છે ત્યારે ૨૦૧૭ના પુરમાં નુકશાની અને ૨૦૧૮માં વરસાદ ના આવતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. એકબાજુ ખેડૂતોને પુરતા ભાવ નથી મળી રહ્યા તેમજ બટાકાની મહામંદીથી બનાસકાંઠાના ખેડૂતો અને વેપારી દેવા તળે ડૂબી રહ્યા છે.
જેથી ખેડૂતોને જીવન નિર્વાહ માટે ફાંફા પડી રહ્યા છે તેમજ સરકાર દ્વારા દાંતીવાડા ડેમમાં પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી નર્મદા પાણીની પાઈપલાઈન લોકાર્પણ પછી ભુલાઈ ગઈ છે. જેના લીધે જગતના તાતનો વાવણી લાયક મહામૂલો પાક મુરઝાઈ રહ્યો છે તેમજ જિલ્લામાં બટાકાના વેપારીઓ અને કોલ્ડસ્ટોરેજ માલિકોની હાલત પણ અત્યંત કફોડી બની ગઈ છે.
દાંતીવાડામાં માત્ર ૨૧ ટકા પાણીનો જથ્થો
દાંતીવાડા ડેમ સપાટી ૧૭૨.૩૯
ફૂટમાં-૫૬૫.૬૦
ડેમની કુલ ક્ષમતા-૧૮૪.૧૦
ફૂટમાં સંગ્રહ ક્ષમતા-૬૦૪
૨૧% ડેમમાં પાણીનો જથ્થો
સિપુમાં માત્ર ૩૬ ટકા પાણીનો જથ્થો
સિપુડેમ સપાટી ૨૦૮૮ MCFT
ફૂટમાં-૫૯૩.૯૨
ડેમની કુલક્ષમતા- ૫૭૦૦MCFT
ફૂટમાં સંગ્રહ ક્ષમતા-૬૧૧
૩૬% ડેમમાં પાણીનો જથ્થો