કોરોનાના કેસ વધતાં ત્રણ જ દિવસમાં ત્રણ હજાર લોકો હોમ કવોરેન્ટાઈન
ગાંધીનગર,તા.06 જૂન 2020, શનિવાર
રાજયના મોટા મહાનગરોની સાથે ગાંધીનગર જિલ્લો હરીફાઈમાં ઉતર્યો હોય તેમ કોરોનાના આજની સ્થિતિએ 400 ઉપર કેસ પહોંચી ગયા છે. જેને લઈ આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવી રહયા છે.
છેલ્લા ત્રણ જ દિવસમાં વધુ ત્રણ હજાર લોકોને હોમ કવોરેન્ટાઈન કરવાની ફરજ પડી છે. જિલ્લામાં હાલ દસ હજાર લોકો કવોરેન્ટાઈન હેઠળ છે જેમાં સૌથી વધારે કલોલ તાલુકામાં 4634 લોકોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહયા છે જેના કારણે જિલ્લાનું તંત્ર દોડતું થયું છે. આ સંક્રમણને વધતું અટકાવવા માટે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવાની પ્રક્રિયા વધુ તેજ બનાવી દેવામાં આવી છે.
ગત બુધવાર સુધીમાં ગાંધીનગર જિલ્લામાં સાત હજાર લોકોને કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે તેના કારણે ત્રણ જ દિવસમાં ત્રણ હજાર લોકોને કવોરેન્ટાઈન કરવાની ફરજ પડી છે. ગાંધીનગર જિલ્લામાં હાલની સ્થિતિએ દસ હજાર લોકો વિવિધ કવોરેન્ટાઈન હેઠળ છે.
જેની તાલુકાવાર નજર કરીએ તો સૌથી વધુ કલોલ તાલુકામાં 4634 લોકો કવોરેન્ટાઈન છે જેમાં 4476 હોમ કવોરેન્ટાઈન કરાયા છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં ર826 લોકો કવોરેન્ટાઈન હેઠળ છે જેમાં ર787 લોકો હોમ કવોરેન્ટાઈન છે.
જયારે દહેગામમાં 1559 અને માણસામાં 888 લોકો મળી કુલ જિલ્લામાં દસ હજાર લોકોને કવોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે. તંત્રએ હવે પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ફેસેલીટી કવોરેન્ટાઈનની જગ્યાએ હોમ કવોરેન્ટાઈન કરવાનું વધારે મુનાસીફ માન્યું છે.