ચોમાસાના શ્રીગણેશઃપવન સાથે વરસાદ વરસતાં આહ્લાદક ઠંડક
- વાદળછાયા વાતાવરણ વચ્ચે પાટનગરમાં અડધો ઇંચ વરસાદ વરસતાં નગરજનોને ગરમીમાંથી રાહત મળી
ગાંધીનગર,તા. 08 જૂન 2020,સોમવાર
રાજ્યના પાટનગર સહિત જિલ્લામાં ચોમાસાની મોસમનો વિધિવત રીતે પ્રારંભ થયો હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતાં સોમવારે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. અંદાજે અડધા કલાક સુધી પડેલા વરસાદના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે નગરજનોને પણ ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે વાદળછાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ પણ ચોમાસાના આ વરસાદને ઉત્સાહભેર આવકાર્યો છે. આમ વરસાદના પગલે તાપમાનના પારામાં પણ વધઘટ નોંધાઇ છે.
દર વર્ષે સરકારે ચોપડે ૧૫મી જુને ચોમાસાની મોસમનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે ત્યારે આ વર્ષે બદલાયેલા હવામાનના પગલે વરસાદની મોસમે વહેલા પગરવ માંડયા હોય તેમ રાજ્યના વાતાવરણમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી ફેરફાર થઇ રહ્યો છે. તો ઘણા વિસ્તારોમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો છે. આમ ચોમાસાની મોસમ વિધિવત રીતે શરૂ થઇ રહી હોય તે પ્રકારે વાતાવરણ પણ અનુભવવા મળી રહ્યું છે. ત્યારે લોકોને પણ કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઇ છે.
આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર સહિત સમગ્ર જિલ્લામાં અનુભવવા મળી હોય તે પ્રકારે છેલ્લા બે ત્રણ દિવસથી દિવસ દરમિયાન વાદળો છવાયા બાદ વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આમ સોમવારે સવારથી જ ભેજના પ્રમાણમાં વધારો નોંધવાની સાથે સાથે દિવસ દરમિયાન વાદળો શહેરમાં છવાયેલા રહ્યાં હતાં અને બપોરના સમયે ભારે પવન ફુંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો.
વીજળીના કડાકા વચ્ચે ગાંધીનગરમાં ચોમાસાની મોસમે વિધિવત રીતે શ્રીગણેશ કર્યા હોય તેમ લગભગ અડધા કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. અડધો ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસી જતાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી જતાં નગરજનોને પણ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. આમ વરસાદના પગલે તાપમાનના પારામાં પણ ફેરફાર થતાં સોમવારે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીએ જ્યારે લઘુત્તમ ૨૭ ડિગ્રીએ આવીને અટક્યું હતું. તો વરસાદના કારણે માર્ગોની આસપાસ પાણી પણ ભરાયા હતા તો અવર જવર કરતાં વાહનચાલકોએ પણ પ્રથમ વરસાદમાં પલડવાની મઝા માણી હતી. આમ નગરજનોએ ઉત્સાહભેર ચોમાસાના આગમને આવકાર્યું હતું.