જિલ્લા તંત્રએ વધુ 17 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા
- ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કેસો વધતાં
- દહેગામ અને માણસામાં બે-બે તેમજ કલોલમાં 13 મળી 4066 ઘરના 19304 લોકો નજર હેઠળ
ગાંધીનગર, તા. 27 મે 2020,બુધવાર
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો સતત વધી રહયા છે ત્યારે હયાત કન્ટેન્મેન્ટ ઝોનમાં સુધારો કરીને નવા ૧૭ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જેમાં દહેગામ અને માણસામાં બે-બે તેમજ કલોલમાં ૧૩ કન્ટેન્મેન્ટ ઝોનમાં વધુ ૪૦૬૬ ઘરના ૧૯૩૦૪ લોકોને આરોગ્ય તંત્રની નજર હેઠળ રાખી દેવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે તંત્ર મોટા વિસ્તારની જગ્યાએ સંક્રમિત ઘરના આસપાસના ઘરોને જ કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવી રહયું છે.
રાજયની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ કોરોના વાઈરસનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. મહાનગરપાલિકા વિસ્તાર ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોનાના કેસ સતત વધી રહયા છે. જિલ્લામાં રરપ કરતાં વધુ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા હયાત કન્ટેન્મેન્ટ ઝોનમાં સુધારો કરી વધુ ૧૭ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં ૪૦૬૬ પરિવારોના ૧૯૩૦૪ લોકોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેમાં દહેગામમાં લવાર ચકલાના ર૧ર પરિવારો, ચેખલાપગીના ૭૯૮ પરિવારો, કલોલના હિંમતપાર્કના ૧૮૭, આકાશદીપ સોસાયટીના ૧૭૨, ગૌરીવાસના ર૮૦, મહેન્દ્રમીલ મેટ્રોના છાપરાના ર૮૦ પરિવારો, ગણેશકુંજ સોસાયટીના ૧૪૬ પરિવારો, અમુલ્ય રેસીડેન્સી પ્લોટ એરીયાના ૧૭૦ મકાનો, માનવ મંદિર ૧ અને ર ના ૧૪૪, હરિદર્શન સોસાયટીના ૧૮૮, ઈન્દ્રપ્રસ્થ આલાપ અરિહંત બે પાસેના ૧ર૮, શ્રીફળ સોસાયટી ૩૭૩, પ્રભુનગર સોસાયટીના ૧૪ર, નવજીવન મીલની ચાલીના ૩૨૮, જીવન પ્રકાશ સોસાયટીના પ૫૯ અને માણસામાં ભીમપુરાના ૧૩૧ તેમજ વાલ્મીકીવાસ, વણકરવાસ અને દવે વાસના ૭૪ મકાનોને આ કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત અગાઉના ર૧ કન્ટેન્મેન્ટ ઝોનમાં સુધારો કરીને ૬૦૬૫ પરિવારોને તેમાં સમાવી લેવામાં આવ્યા છે. જેમાં પણ ગાંધીનગરના ૧૩, દહેગામના એક અને કલોલના છ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.