'શાનદાર શતાબ્દીનો ઇશ્વરના ચરણમાં વિરામ' માતા હીરાબાને વડાપ્રધાન 'પુત્ર'ની ભાવુક વિદાય
- અવસાનનો દુઃખદ પ્રસંગ પરિવાર પૂરતો મર્યાદિત રાખ્યો
- હોસ્પિટલમાં મધરાતે 3.30 કલાકે દેહ છોડયો, નિવાસસ્થાનેથી મોદીએ કાંધ આપી, ગાંધીનગરના અંતિમધામમાં અંતિમ સંસ્કાર કર્યા
ગાંધીનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ૧૦૦મા વર્ષે દુનિયાનો ત્યાગ કર્યો છે. અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે મધરાતે ૩.૩૦ કલાકે દેહ છોડયો છે. હીરાબા જ્યાં રહેતા હતા તે ગાંધીનગરના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી મોદીએ તેમની માતાના દેહને કાંધ આપ્યો હતો અને સેક્ટર-૩૦ના અંતિમધામમાં અંતિમ સંસ્કાર કર્યા હતા.
૩૦મી ડિસેમ્બરે નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેમના માતાના અવસાનના સમાચાર મળતાં તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ દોડી આવ્યા હતા. માતાને અંજલિ આપતી વખતે તેમજ અંતિમ વિધિ સમયે તેઓ ભાવુક બની ગયા હતા. હીરાબાએ દુનિયાથી વિદાય લીધી છે. વહેલી સવારે વડાપ્રધાને ટ્વિટ કરીને લોકોને જાણકારી આપી હતી.
તેમણે પ્રથમ ટ્વિટમાં લખ્યું હતું કે 'શાનદાર શતાબ્દીનો ઇશ્વરના શરણમાં વિરામ. માતામાં મેં હંમેશા એવી ત્રણ મૂર્તિની અનુભૂતિ કરી છે કે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ રહ્યો છે. હું જ્યારે તેમને ૧૦૦મા જન્મદિવસે મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કરી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.'
૧૮મી જૂન ૨૦૨૩ના રોજ હીરાબાનો ૧૦૦માં વર્ષમાં પ્રવેશ થયો હતો. તેમના જન્મદિવસે નરેન્દ્ર મોદીએ તેમની માતા સાથેના સંસ્મરણો વાગળતા શબ્દોમાં એક પત્ર લખ્યો હતો જે વાયરલ થયો હતો. આ પત્રમાં તેમણે ભાવુક બનીને માતા સાથેની પળો વર્ણવી હતી.
મંગળવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં હીરાબાને બુધવારે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઠ તબીબોની ટીમ તેમની સારવાર માટે ખડેપગે હતી. માતાને દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા અમદાવાદ દોડી આવ્યા હતા. તબીબોના કહેવા પ્રમાણે હીરાબાની તબિયય સ્થિર છે અને ઝડપથી રિકવર થઇ રહ્યાં છે તે જાણીને વડાપ્રધાન દોઢ કલાકના રોકાણ પછી દિલ્હી જવા રવાના થયા હતા.
ગુરૂવારે હોસ્પિટલના તબીબોએ હીરાબાના સ્વાસ્થ્ય અંગે બીજું બુલેટીન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને સાજા થઇ રહ્યાં છે. જો કે શુક્રવારની વહેલી પરોઢે એટલે કે ૩.૩૦ કલાકે હીરાબા જીવનનો સંઘર્ષ હારી ચૂક્યાં હતા. ઇન્સ્ટીટયુટના નિયામકે બુલેટીનમાં જણાવ્યું હતું કે હીરાબા મોદી ૩૦મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે ૩.૩૦ કલાકે સારવાર દરમ્યાન દેવલોક પામ્યા છે.
અવસાનના સમાચાર મળતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થયા હતા. બીજીતરફ હીરાબાનો પાર્થિવ દેહ તેમના રાયસણ ખાતેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. મોદીએ હીરાબાના નિવાસે પહોંચીને તેમને ભાવાંજલિ આપી હતી. તેમના દેહને નતમસ્તક કર્યા હતા. હીરાબાની અંતિમ યાત્રા ભારે પ્રોટોકોલ અને સલામતી વચ્ચે નિકળી ત્યારે હીરાબાના અન્ય પુત્ર સોમાભાઇ, પ્રહલાદભાઇ, પંકજભાઇ સાથે નરેન્દ્ર મોદીએ માતાને કાંધ આપી હતી.
હીરાબાની અંતિમ વિધિ ગાંધીનગરના સેક્ટર-૩૦માં આવેલા અંતિમધામમાં કરવામાં આવી હતી. મોદીએ તેમના ભાઇઓ સાથે માતા હીરાબાને એકસાથે મુખાગ્નિ આપ્યો હતો. આ અંતિમ ક્ષણો મોદીએ તેમની માતા સાથે વિતાવી હતી. આ દુખદ પ્રસંગમાં સહભાગી બનવા માટે મુખ્યમંત્રી ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વિજય રૂપાણી તથા અન્ય અગ્રણીઓ સાથે પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાનના પ્રોટોકોલ અને સલામતી વ્યવસ્થાને કારણે ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશના નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય નેતાઓને ભીડ એકત્ર નહીં કરવાની વિનંતી કરવામાં આવી હતી.
કોરોના સંક્રમણના સંભિવત હુમલાથી બચવા માટે હીરાબાના અંતિમ સંસ્કાર અત્યંત સાદાઇથી પૂર્ણ કરવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલા અને વિજય રૂપાણી સીધા અંતિમધામ આવ્યા હતા. વિધિ પૂર્ણ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા ગાંધીનગર રાજભવન હંકારી ગયા હતા. આ સ્થળેથી તેમણે પશ્ચિમબંગાળના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. કાર્યક્રમ પછી બધો જ સમય તેઓ પોતાના રૂમમાં જ રહ્યા હતા. પછી મોદી હીરાબાના સત્તાવાર નિવાસસ્થાને જઇ પરિવારના સભ્યોને મળ્યા હતા અને ત્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ થઇને મોડી સાંજે નવી દિલ્હી જવા નિકળી ગયા હતા.
ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ભાજપના ટોચના નેતાઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, જાણીતા અગ્રણી ઉદ્યોગપતિઓ, ધર્મગુરૂઓ, વિશ્વના ટોચના નેતાઓ, કોંગ્રેસના અગ્રણી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, ગુજરાતના પ્રદેશ નેતાઓ અને દેશની વિવિધ પાર્ટીના આગેવાનોએ મોદીના માતાને શબ્દોથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.