કલોલ,તા. 23 મે 2020, શનિવાર
કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન જુગારની પ્રવૃત્તિ બેફામ બની છે. જેથી પોલીસ પણ હવે જુગારીઓને ઝડપી લઇ કાર્યવાહી કરી રહી છે. ગઇકાલે સાંજે એલસીબીના પીએસઆઇ ડી.એસ.રાઓલ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ, હેડકોન્સ્ટેબલ અનોપસિંહ, લતીફખાન, કોન્સ્ટેબલ રાજવિરસિંહ અને અનુપસિંહ સહિતનો સ્ટાફ કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
તે વખતે બાતમી મળી હતી કે કલોલમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતો રમેશચંદ્ર નેણુમલ પંજવાણી પોતાના ૪૬/બી નંબરના મકાનમાં બહારથી માણસો બોલાવીને મોટાપાયે જુગાર ચલાવે છે. જેથી એલસીબીએ દરોડો કરી જુગાર રમતા રમેશચંદ્ર નેણુમલ પંજવાની તથા સુરેશ કાંતિલાલ શાહ રહે.૧૮/એ મિલ કામદાર સોસાયટી, રાજેન્દ્ર ઉર્ફે કનુભાઇ મફતલાલ પ્રજાપતિ રહે.
જિતપુરા પ્રજાપતિવાસ, રાજકુમાર નેણુમલ પજવાણી રહે.શ્રીનગર સોસાયટી, કનૈયાલાલ કિશનસિંહ પજવાણી રહે.ઇન્દિરાનગર, ગિરીશ કરસનભાઇ પ્રજાપતિ રહે.કૃષ્ણનગર સોસાયટી, દિલીપ ધીરૂભાઇ પટેલ રહે.શ્રીનગર સોસાયટીને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧,૦૨,૩૦૦ની રોકડ તથા ચાર નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧,૧૩,૩૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ જુગારીઓ સામે કેસ દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી. તેમજ જુગારના આ કેસમાં લોકડાઉન ભંગ બદલ સાતેય આરોપીઓ સામે જાહેરનામાના ભંગનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


