ગાંધીનગરની સફાઈ પાછળ દર મહિને 81 લાખ રૂપિયા ચુકવાશે
- કોર્પોરેટરો ગ્રાન્ટમાંથી માસ્ક અને સેનેટાઈઝર ખરીદી શકશે
- કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં અંદાજે ચાર કરોડ રૂપિયાના કામોને મંજુરીઃસિવિલમાં જન્મ મરણ નોંધણી માટે કેન્દ્ર ખુલશે
ગાંધીનગર,તા. 05 જૂન 2020, શુક્રવાર
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં અંદાજે ચાર કરોડ ઉપરાંતના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. શહેરમાં સફાઈને બે ઝોનમાં વહેંચીને નવી એજન્સીને ઈજારો મંજુર કરવામાં આવ્યો છે. જેની પાછળ દર મહિને ૮૧ લાખ રૂપિયાનું ચુકવણું કરવામાં આવશે તેની સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જન્મ મરણ નોંધણીનું કેન્દ્ર શરૂ કરવાની પણ દરખાસ્ત મંજુર કરાઈ છે તો કોર્પોરેશન અર્બન હેલ્થ સેન્ટરોમાં પેથોલોજી મશીન ખરીદવા ૧ર.૮૮ લાખના ટેન્ડરને મંજુર કરવામાં આવ્યું છે.
કોરોના કાળ બાદ પ્રથમવાર આજે સોશ્યલ ડીસ્ટેન્સીંગ સાથે ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં સાબરમતી નદી ઉપર બાસણ ગામને જોડતાં ડુબાવ પુલ અને રેલ્વે ફાટક મુકત ગુજરાત અંતર્ગત શહેરમાં ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવા સંદર્ભે ડીપીઆરની દરખાસ્તને મંજુર કરવામાં આવી હતી.
આ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જન્મ મરણ નોંધણી કેન્દ્ર શરૂ કરવા બાબતે થયેલી દરખાસ્ત પણ ગ્રાહય રાખવામાં આવી હતી. ગાંધીનગર કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં પેથોલોજી મશીન ખરીદવા માટે ૧ર.૮૮ લાખના ટેન્ડરને મંજુર કરવામાં આવ્યું હતું.
કોર્પોરેશનમાં એડવાન્સ મીલકતવેરા પેટે દસ ટકા રીબેટ માટે તા.૩૧ જુલાઈની મર્યાદા રાખવામાં આવી છે તો કોર્પોરેશન વિસ્તારમાં રમતગમતના સાધનોની કીટ લગાડવા માટે ૭૭.૧૭ લાખના કામને મંજુરી આપવામાં આવી છે. ગાંધીનગર શહેરની સફાઈ માટે બે ઝોન પાડવામાં આવ્યા છે અને આ બન્ને ઝોનમાં નવી એજન્સી નિયત કરીને સફાઈ માટે દર મહિને ૮૧ લાખ રૂપિયાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનમાં સિવિલ અને ઈલેકટ્રીક યુનિટની કામગીરી માટે ૮૨.૭૭ લાખનું ટેન્ડર મંજુર કરાયું છે. તો ગાંધીનગર કોર્પોરેશનના કાઉન્સીલરો દ્વારા તેમની ગ્રાન્ટમાંથી માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવઝ ખરીદી શકશે.
કોરોનાની મહામારી દરમ્યાન કવોરેન્ટાઈન કરવામાં આવેલા નાગરિકોને ખાદ્ય સામગ્રીની કીટ તેમજ દૂધ પહોંચાડવાના ૧ર લાખ ઉપરાંતના ખર્ચને પણ મંજુર કરવામાં આવ્યો છે તો જીઆઈએસએફના ઓકટોબર-૧૮થી જાન્યુઆરી-ર૦ર૦ સુધીના પેન્ડીંગ બિલો ચુકવવાની દરખાસ્તને મુલત્વી રાખવામાં આવી છે. ગાંધીનગરના સે-૩૦ ખાતે આવેલી ડમ્પીંગ સાઈટ ખાતે બાયો માઈનીંગ દ્વારા ઉત્પન્ન થતાં આરડીએફનો પર્યાવરણનો યોગ્ય નિકાલ કરવા માટે કંપની સાથે એમઓયુની દરખાસ્તને પણ મુલત્વી રાખવામાં આવી છે.