જિલ્લા વિકાસ અધિકારીના પગારમાંથી માસિક એક રૂપિયો કાપ કરવા ઠરાવ
- ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં
- મનસ્વી વર્તન અને સદસ્યોની ગરીમા નહીં જળવાતી હોવાનું કારણ આગળ ધરીને અધ્યક્ષસ્થાનેથી લેવાયેલા ઠરાવને સર્વાનુમતે મંજુરી
ગાંધીનગર,તા. 20 જુલાઈ 2020, સોમવાર
ગાંધીનગર જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભા નવા આવેલા જિલ્લા વિકાસ અધિકારીને કેન્દ્રમાં રાખીને જ મળી હોય તેમ લાગતું હતું. શરૂઆતથી જ ચૂંટાયેલી પાંખ વહિવટી તંત્રને દબાવવામાં સફળ રહ્યું હતું તો બાંધકામ વિભાગના પ્રશ્નમાં જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરનો મુદ્દો ખુબ ચગ્યો હતો ધારાસભ્યોએ પણ રીનોવેશન પાછળ ખર્ચાતા રૂપિયાનો વિરોધ કર્યો હતો તો અંતમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીનું વર્તન મનસ્વી અને સદસ્યોની ગરીમા જળવાય તેવું નહીં હોવાને કારણે તેમને ઠપકો આપવાની સાથે જિલ્લા વિકાસ અધિકારીના પગારમાંથી માસિક રૂપિયો કાપ કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે અનલોકના નિયમોને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પાર્કિંગના બદલે પંચાયતના હોલમાં આજે મળી હતી. પ્રમુખ મંગુબેન સનભાઇ પટેલની અધ્યક્ષતામાં આજની સભામાં ચૂંટાયેલી પાંખે પકડ બનાવી હતી અને વહિવટી તંત્ર ઉપર દબાણ બનાવ્યું હતું. ટીડીઓ સહિત અન્ય અધિકારીઓની સભામાં ગેરહાજરી અંગે તેમને ઠપકો આપવા સુચના આપવામાં આવી હતી તો અગાઉની સામાન્ય સભા તથા અન્ય સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધ બહાર રાખીને પ્રશ્નોત્તરીકાળ શરૂ થયો હતો.
જેમાં સમાજકલ્યાણ, આરોગ્ય, મહેકમ અને શિક્ષણ વિભાગના પ્રશ્નોના ઉત્તર જે તે શાખાના અધિકારી પાસેથી કડકરીતે વસુલવામાં આવ્યા હતા તો બાંધકામ શાખાનો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના રીનોવેશનનો પ્રશ્ન અરવિંદસિંહ સોલંકીએ કર્યો હતો જેમાં પંચાયતના કાર્યપાલકે બિલ્ડીંગ જર્જરીત થઇ ગયું હોય રીનોવેશનની આવશ્યક્તાને ધ્યાનમાં રાખી અગાઉની બેઠકમાં કરેલી જોગવાઇને ધ્યાનમાં રાખીને રીનોવેશન કર્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે અરવિંદસિંહ સહિત અન્ય સભ્યો તથા ઉપસ્થિત ધારાસભ્ય રોષે ભરાયા હતા અને સરકારની કોરોનાની ગાઇડલાઇન તથા ડીડીઓનો તા.૧૮-૫નો પરિપત્ર હોવા છતા કઇ રીતે આ રીનોવેશન કરવામાં આવ્યું તેવા વેધક પેટા પ્રશ્નો કર્યા હતા જેનો જવાબ અધિકારી પાસે હતો નહીં. ત્યારે એજન્ડા પ્રમાણે તમામ કામો પુર્ણ થયા બાદ પ્રમુખે અધ્યક્ષસ્થાનેથી સાત જેટલા મહત્વના ઠરાવો કર્યા હતા.જેમાં ગાંધીનગર જિલ્લાના નાગરિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વર્તન અંગે વ્યાક રજુઆત પ્રમુખને મળી છે તેમજ પ્રજાના પ્રતિનિધીઓની રજુઆતો પણ ડીડીઓ નહીં સાંભળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જ્યારે ઓફિસ સમય દરમિયાન મુલાકાતનો અલગ સમય નહીં ફાળવતા હોવાની સાથે પંચાયતના સદસ્યોની ગરીમા નહી જાળવતા હોવાના વિવિધ કારણો આગળ રાખીને તેમના વિરૂધ્ધ પગલા લેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ બાંધકામ સમિતિના ચેરમેન ભાવિનસિંહ ઠાકોરે વાંચ્યો હતો ઉપરાંતં ડીડીઓના વર્તણૂકને પ્રજાલક્ષી કરવા માટે તેમના પગારમાંથી માસિક એક રૂપિયો પગાર કાપ કરવાનો ઠરાવ કરાયો હતો જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો તો છે પરંતુ હવે તેને પંચાયતના અધિકારીઓ મારફતે નોટીંગ તથા ભલામણો સાથે વિકાસ કમિશનરમાં મોકલવામાં આવશે જ્યાંથી આ બાબતે નિર્ણય લેવામાં આવશે.
ખેડૂતને 30 હજારની મોટર મળતી નથી ને ચેમ્બર પાછળ રૂા.15 લાખનો ખર્ચ..!
- વિકાસકામો ખોરંભે પડયા છે તો ડીડીઓની ચેમ્બરના રીનોવેશન માટે કોઇ પરિપત્ર નડતો જ નથીઃધારાસભ્ય
ગાંધીનગર જિલ્લામાં વિકાસ કામો ખોરંભે પડયા છે એટલુ જ નહીં, ગરીબ ખેડૂતના ખેતરની મોટર બળી જાય તો તેને ૩૦ હજારની મોટર આપવામાં જિલ્લાના અધિકારીઓ તા.૧૮-૫નો પરિપત્ર આગળ ધરે છે અને હાલ કોરોનાના કાળમાં ખેડૂતને મોટર ફળવાતી નથી અને બીજીબાજુ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરને રીનોવેશન કરવા માટે રૂપિયા ૧૫ લાખનો ખર્ચ કરવામાં આવે છે.
ચાર-ચાર નવા એસીવાળી ચેમ્બર બનાવવામાં આવે છે પરંતુ પ્રજાના કામો હોય કે વિકાસનાકામો હોય તો પરિપત્ર બતાવી દેવામાં આવે છે તો ચેમ્બરના રીનોવેશનમાં કોઇ પરિપત્ર નડતો નથી ?! તેવી ઉગ્ર રજુઆત કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આજની સામાન્ય સભામાં કરી હતી.
પંચાયતના કાર્યપાલક ઇજનેરને સરકારમાં પરત મોકલવા ઠરાવ
- જિલ્લા પંચાયતની ફાઇલના દફ્તરી કાગળની ચોરી કરી તેની નકલ સભામાં રજુ કરાતા સભ્યો લાલઘૂમ થયા
સામાન્ય સભાના પ્રશ્નોત્તરીકાળમાં અરવિંદસિંહ સોલંકીએ કોરોની મહામારી વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરનું રીનોવેશન કરવાના હેતું અંગે પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં પંચાયતનું ભવન જર્જરીત થઇ ગયું હોવાની સાથે તેમાં વાયરીંગ અને છત જોખમી હોવાનું પંચાયતના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું એટલુ જ નહીં, તા.૧૮-૫ના રોજ સરકાર અને ડીડીઓઓએ ખોટા ખર્ચા નહીં કરીને કરકસરભર્યો વહિવટ કર્યો તે પહેલા રીનોવેશન અંગે મંજુરી મળી ગઇ હોવાનું કહ્યું હતું અને જુની સભામાં રીનોવેશન બાબતે કરવામાં આવેલી જોગવાઇની કાર્યવાહીનોંધ જે પંચાયતની ફાઇલમાં હતી તેની નકલ રજુ કરી હતી.
જેને લઇને સભ્ય રોષે ભરાયા હતા અને દફ્તરના કાગળીયા ખોટીરીતે ગેરકાયદેસર સભામાં રજુ કર્યા હોવાનું કારણ દર્શાવીને અધ્યક્ષસ્થાનેથી કાર્યપાલક ઇજનેર વિરૂધ્ધ પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. પંચાયતના કાર્યપાલક ઇજનેરને સરકારમાં મોકલી દેવા માટે સભામાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.