કોર્પોરેશનના સ્ટાફ કવાર્ટસ ફાયર બ્રિગેડના કર્મીઓને ફાળવવા દરખાસ્ત
- સેકટર-17માં તૈયાર થતી નવી કચેરી પાસે બનેલા
- ફાયર બ્રિગેડના કર્મચારીઓ ભાડાના મકાનમાં વસવાટ કરે છે ત્યારે બાકી કામ ઝડપથી પૂર્ણ કરીને તાત્કાલિક અસરથી કવાર્ટસ ફાળવવામાં આવે
ગાંધીનગર, તા. 05 જૂન 2020, શુક્રવાર
ગાંધીનગર મહાનગરપાલિકાની નવી કચેરી સે-૧૭માં આકાર પામી રહી છે. જેની પાસે જ નવા સ્ટાફ કવાર્ટસ પણ તૈયાર થઈ ગયા છે ત્યારે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ સ્ટાફ કવાર્ટસ જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી કરતી ફાયર બ્રિગેડના કર્મચારીઓને ફાળવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી જેને સમિતિએ મંજુર પણ કરી હતી. બાકી કામ ઝડપી પૂર્ણ કરીને તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના કર્મચારીઓને તેનું પજેશન આપવામાં આવે તેવી રજુઆત પણ થઈ હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સમિતિના સભ્ય નરેશ પરમારે દરખાસ્ત કરી હતી કે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા કોરોનાની મહામારીના સમયમાં પણ ઈમરજન્સી કોલની સાથે વિવિધ સેકટરોમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. ર૪ કલાક ફરજ ઉપર રહેતાં કર્મચારીઓ કોઈપણ કુદરતી આપતિને પહોંચી વળવા તત્પર હોય છે ત્યારે હાલની સ્થિતિમાં આ કર્મચારીઓ ભાડાના મકાનમાં વસવાટ કરી રહયા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની નવી કચેરી સે-૧૭માં તૈયાર થઈ ગઈ છે તેની બાજુમાં જ સ્ટાફ કવાર્ટસ તૈયાર થઈ ગયા છે જેથી આ કવાર્ટસ તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના કર્મચારીઓને ફાળવવામાં આવે જેથી કરીને આગ અકસ્માતની ઘટનામાં કર્મચારીઓ તુરંત જ સ્થળ ઉપર પહોંચી શકે.હાલ આગ અકસ્માતની ઘટના બને ત્યારે ફકત ઓન ડયુટી કર્મચારીઓ જ કોલમાં જતાં હોય છે. જો ફાયર બ્રિગેડની બાજુમાં જ સ્ટાફ કવાર્ટસ હોય તો તેઓ પણ મોટી દુર્ઘટના સમયે કોલમાં જઈ શકે છે.
આ સ્ટાફ કવાર્ટસ હાલ તૈયાર થઈ ગયા છે અને જે નાનું મોટુ સમારકામ બાકી છે તે પણ તાત્કાલિક અસરથી પૂર્ણ કરીને તેને ફાયર બ્રિગેડના કર્મચારીઓને ફાળવી દેવામાં આવે. આ દરખાસ્તને સ્થાયી સમિતિએ ગ્રાહ્ય રાખી હતી. ત્યારે હવે કોર્પોરેશન તંત્ર ફાયર બ્રિગેડના કર્મચારીઓને કયારે સ્ટાફ કવાર્ટસ ફાળવે છે તે જોવું રહયું.